'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર ટેક્સ વસૂલાતની અફવાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ખુલાસો
છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અને ઇરાની સત્તાવાળાઓના નિવેદનોના આધારે એવી અટકળો તેજ થઈ ગઈ હતી કે તેહરાન વહીવટીતંત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર વધારાનો ટેક્સ અથવા વીમા શુલ્ક લગાવવાની યોજના બનાવી રહ્યું છે. ખાસ કરીને ઇરાન અને ઓમાનના અધિકારીઓ વચ્ચે દરિયાઈ સેવાઓના સંચાલન અંગે થયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ વૈશ્વિક બજારમાં ચિંતા વધી ગઈ હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર શેર કરી પોસ્ટ
આ ચિંતાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક લાંબી પોસ્ટ શેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ઇરાને અમેરિકાને લેખિત આશ્વાસન આપ્યું છે કે આવી કોઈ ટેક્સ વસૂલાત કરવામાં આવશે નહીં. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક અર્થતંત્ર માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દુનિયાના કુલ દરિયાઈ ક્રૂડ ઓઇલ વેપારનો અંદાજે 20 ટકા હિસ્સો માત્ર આ એક જ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે. આ માર્ગમાં નાનકડી અડચણ પણ આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં ભારે અસ્થિરતા લાવી શકે છે .
શાંતિ વાર્તા જોખમમાં? ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની ઇરાનને સીધી અને કડક આખરી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર આશ્વાસનની વાત નથી કરી, પરંતુ પોતાની આગવી શૈલીમાં ઇરાનને ખૂબ જ આકરી ચેતવણી પણ આપી દીધી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, "ઇરાન તરફથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કોઈ ટોલ નહીં, કોઈ વીમા ખર્ચ નહીં અને કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ, જો આ માહિતી ખોટી સાબિત થશે, તો અમેરિકા ઇરાન સાથેની તમામ રાજદ્વારી વાર્તાઓ તત્કાલ પ્રભાવથી સમાપ્ત કરી દેશે."
તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે વાર્તા અત્યંત નાજુક તબક્કામાં
આ નિવેદન દર્શાવે છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ચાલી રહેલી વાર્તા અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે . નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ ઇરાન પર મહત્તમ દબાણ જાળવી રાખવા માંગે છે, જેથી પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં અમેરિકા અને તેના સાથી દેશોના વ્યાપારી હિતોને કોઈ નુકસાન ન પહોંચે. જો ઇરાન પોતાની વાત પરથી ફરી જશે તો આ ક્ષેત્રમાં સૈન્ય તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી શકે છે.
આર્થિક પ્રતિબંધો વચ્ચે માનવીય સહાયનો નવો મોડલ
આ જ પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે તે અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે અમેરિકાએ કરારના ભાગરૂપે ઇરાનને અબજો ડોલરની રોકડ રકમ ટ્રાન્સફર કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકાએ ઇરાનને કોઈ સીધા નાણાં આપ્યા નથી કે તેની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરી નથી. જોકે, તેમણે એક મહત્વની આર્થિક કડીનો ખુલાસો જરૂર કર્યો છે.
ઈરાન અમેરિકા પાસેથી ખરીદશે કૃષિ ઉત્પાદન
અમેરિકાના નિયંત્રણ હેઠળ રહેલા ઇરાની ફંડના એક ચોક્કસ હિસ્સાનો ઉપયોગ એક ખાસ માનવીય હેતુ માટે કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ અંતર્ગત, ઇરાન અમેરિકાના ખેડૂતો અને પશુપાલકો પાસેથી મોટા પાયે કૃષિ ઉત્પાદનો જેમ કે મકાઈ, ઘઉં અને સોયાબીનની ખરીદી કરશે . ઇરાનને હાલમાં ખાદ્ય સામગ્રીની સખત જરૂરિયાત હોવાથી આ માલ માત્ર અમેરિકામાંથી જ ખરીદવામાં આવશે. આ વ્યુહરચના દ્વારા ટ્રમ્પે એક તરફ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો યથાવત રાખ્યા છે અને બીજી તરફ અમેરિકાના સ્થાનિક કૃષિ બજારને કરોડો ડોલરનો નવો બિઝનેસ અપાવીને પોતાના દેશના ખેડૂતોને મોટો ફાયદો પહોંચાડ્યો છે.
આ પણ વાંચો : US Supreme Court deportation decision: અમેરિકન સુપ્રીમકોર્ટનો મોટો નિર્ણય, ગુનામાં સંડોવાયેલા ગ્રીન કાર્ડ ધારકોનો થશે દેશનિકાલ