ભરતીમાં ઘટાડો અને વધતો બિઝનેસ ખર્ચ
અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટના આંકડાઓ દર્શાવે છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સતત ઊંચી મોંઘવારીને કારણે કંપનીઓ સાવચેત બની છે. આક્રમક ઇમ્પોર્ટ ડ્યુટી (Import Duty) અને વેપાર તણાવના કારણે કંપનીઓનો ખર્ચ વધ્યો છે. ભવિષ્યની માંગ અંગે આશંકિત કંપનીઓએ પોતાનું રોકાણ (Investment) અને નવી ભરતીને મર્યાદિત કરી દીધી છે. આ જ કારણોસર વિપક્ષી દળો પણ ટ્રમ્પ વહીવટીતંત્રની આર્થિક રણનીતિ (Economic Strategy) પર આકરા સવાલો ઉઠાવી રહ્યા છે.
બેરોજગારી દરમાં ઘટાડા પાછળનું કડવું સત્ય
આંકડાકીય રીતે જોઈએ તો જૂન મહિનામાં અમેરિકાનો બેરોજગારી દર (Unemployment Rate) 4.3 ટકાથી ઘટીને 4.2 ટકા થયો છે. પરંતુ, આ સકારાત્મક દેખાતા આંકડા પાછળનું વાસ્તવિક કારણ ચિંતાજનક છે. હકીકતમાં, લાંબા સમયથી નોકરી શોધી રહેલા ઘણા લોકોએ નિરાશ થઈને કામની શોધ જ બંધ કરી દીધી છે. જ્યારે લોકો સક્રિય રીતે કામ શોધવાનું બંધ કરે છે, ત્યારે તેમને સત્તાવાર બેરોજગારોની ગણતરીમાંથી બહાર કરી દેવામાં આવે છે. આ જ કારણથી બેરોજગારીનો દર ઓછો દેખાઈ રહ્યો છે.
5 વર્ષના તળિયે પહોંચ્યો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ
અમેરિકામાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (Labor Force Participation Rate) ઘટીને 61.5% થઈ ગયું છે, જે છેલ્લા 5 વર્ષનું સૌથી નીચું સ્તર છે. વધુમાં, 25 થી 54 વર્ષની વયજૂથના કર્મચારીઓનો ભાગીદારી દર પણ ઘટીને 83.3% નોંધાયો છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે લેબર માર્કેટમાં સક્રિય લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.
કન્સ્ટ્રક્શનમાં તેજી, ટેકમાં છટણી
એક તરફ ડેટા સેન્ટર અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિસ્તરણને કારણે કન્સ્ટ્રક્શન (Construction) અને મેન્યુફેક્ચરિંગ (Manufacturing) સેક્ટરમાં કેટલીક નવી નોકરીઓ ઊભી થઈ છે. પરંતુ બીજી તરફ, મેટા (Meta) અને માઇક્રોસોફ્ટ (Microsoft) જેવી દિગ્ગજ ટેક કંપનીઓમાં છટણીનો (Layoffs) સિલસિલો ચાલુ છે. આ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) પાછળ જંગી રોકાણ કરી રહી હોવાથી, તેનો ખર્ચ સરભર કરવા કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. માહિતી અને ટેક્નોલોજી સેક્ટરમાં છેલ્લા 18 મહિનામાં આ 17મી વખત રોજગારમાં ઘટાડો નોંધાયો છે.
ફેડરલ રિઝર્વ માટે વધતા પડકારો
રોજગારીના આ નબળા આંકડાઓએ અમેરિકન સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ (Federal Reserve) સામે નવો પડકાર ઊભો કર્યો છે. જો આર્થિક ગતિવિધિઓ આમ જ ધીમી પડશે તો ભવિષ્યમાં વ્યાજ દરો (Interest Rates) ઘટાડવા અંગે બેંક પર દબાણ વધી શકે છે. જોકે વાર્ષિક ધોરણે પગારમાં (Salary) 3.5% નો સરેરાશ વધારો જોવા મળ્યો છે, પરંતુ આર્થિક નિષ્ણાતો માને છે કે માત્ર પગાર વધારો જોબ માર્કેટની આ ગંભીર નબળાઈઓને છુપાવી શકે નહીં.
આ પણ વાંચો : Donald Trump Supreme Court : અમેરિકી સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આપી અત્યાર સુધીની સૌથી મોટી સત્તા, 91 વર્ષ જૂનો કાયદો પલટાયો