US Navy vs Iran: : મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા! અમેરિકી સેનાએ ઈરાની ડ્રોન તોડી પાડ્યું
- અમેરિકી સેનાએ ઈરાની ડ્રોન તોડી પાડતા તણાવની સ્થિતિ (US Navy vs Iran)
- તુર્કીમાં પરમાણુ કરારની વાટાઘાટો શરૂ થાય તે પહેલાં બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ ચરમસીમાએ
- મધ્ય પૂર્વમાં અમેરિકાએ ડઝનેક વિમાનો અને 12થી વધુ યુદ્ધ જહાજો સાથે સૈન્ય તૈનાતી વધારી
- ઈરાન પર મોટા હુમલા માટે અમેરિકાએ સૈન્ય થાણાઓ કર્યા તૈયાર
અરબી સમુદ્ર (Arabian Sea) માં તૈનાત યુએસ એરક્રાફ્ટ કેરિયર (Aircraft Carrier) ની અત્યંત નજીક આવી રહેલા ઈરાની ડ્રોનને અમેરિકી દળોએ તોડી પાડ્યું છે. રોઇટર્સ (Reuters) ના અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ડ્રોન યુદ્ધ જહાજ માટે સંભવિત ખતરો હતો. આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે તુર્કી (Turkey) માં યુએસ-ઈરાની પરમાણુ કરાર (Nuclear Deal) પર ચર્ચા શરૂ થવાની છે.
US Navy vs Iran: F-35 ફાઇટર જેટે શાહેદ-139 ડ્રોનને હવામાં જ ફૂંકી માર્યું
યુએસ સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, ઈરાનનું શાહેદ-139 (Shahed-139) ડ્રોન અમેરિકી યુદ્ધ જહાજ તરફ આગળ વધી રહ્યું હતું. તકેદારીના ભાગરૂપે, અમેરિકી વાયુસેનાના એફ-35 (F-35) ફાઇટર જેટ દ્વારા આ ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આ પ્રદેશમાં સૈન્ય ગતિવિધિઓ તેજ બની છે. જોકે, ઈરાન (Iran) તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગનબોટની ટેન્કરને ધમકી
દરિયાઈ સુરક્ષા એજન્સી વેનગાર્ડ ટેક (Vanguard Tech) ના રિપોર્ટ અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નજીક મશીનગનથી સજ્જ છ ઈરાની ગનબોટે એક ઓઈલ ટેન્કરને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાની દળોએ ટેન્કરને એન્જિન બંધ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ટેન્કરે ગતિ વધારી દીધી હતી. બાદમાં અમેરિકી યુદ્ધ જહાજે આ ટેન્કરને એસ્કોર્ટ (Escort) કરીને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. બ્રિટનની મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એજન્સીએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
મધ્ય પૂર્વમાં અમેરિકાની મોટી સૈન્ય તૈનાતી
વોશિંગ્ટન પોસ્ટ (Washington Post) ના અહેવાલ મુજબ, છેલ્લા એક મહિનામાં અમેરિકાએ ઈરાનની આસપાસ સૈન્ય શક્તિમાં ધરખમ વધારો કર્યો છે. યુએસએ તેના મધ્ય પૂર્વના લશ્કરી થાણાઓ પર ડઝનેક વિમાનો અને અડધો ડઝનથી વધુ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. સેટેલાઇટ ઈમેજ (Satellite Images) પરથી સંકેત મળે છે કે આ તૈયારી ઈરાન પર સંભવિત હુમલા માટે પણ હોઈ શકે છે.હાલમાં યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) એરક્રાફ્ટ કેરિયર અને ત્રણ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (Guided Missile Destroyer) ઉત્તર અરબી સમુદ્રમાં તૈનાત છે.
આ પણ વાંચો : India Usa Trade Deal : ટ્રેડ ડીલ બાદ ભારત અમેરિકા પાસેથી મંગાવશે તેલ,તો શું પેટ્રોલ મોંઘું થશે?


