અમેરિકાના New York માં 52 જેટલા ટુરિસ્ટ ભરેલી બસને નડ્યો અકસ્માત, 5ના મોત
- અમેરિકાના New York માં બસ અકસ્માતમાં 5 ના મોત
- નાયગ્રા ફોલથી પરત ફરતી વખતે બસનો અકસ્માત
- 52 જેટલા ટુરિસ્ટ ભરેલી બસને નડ્યો અકસ્માત
- ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અમેરિકાના New York રાજ્યમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં નાયગ્રા ફોલ્સથી પરત ફરી રહેલી પ્રવાસીઓની બસ ખાડામાં ખાબકતાં 5 લોકોનાં મોત થયા છે. આ ઘટના બફેલો શહેરથી લગભગ 40 કિલોમીટર પૂર્વમાં બની હતી.
કેવી રીતે થયો અકસ્માત?
મળી રહેલી માહિતી અનુસાર, પ્રવાસીઓને લઈને જતી આ બસમાં કુલ 54 લોકો સવાર હતા. બસ નાયગ્રા ફોલ્સથી પરત ફરી New York શહેર તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. કાબૂ ગુમાતા બસ રસ્તાથી ખસી ગઈ અને ખાડામાં જઈ પલટી ગઇ. આ ભયાનક દુર્ઘટનામાં બસના ટુકડા થઈ ગયા અને મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માતમાં 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરોમાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિનો મૂળના હતા. અધિકારીઓએ કહ્યું કે ઘાયલોમાંથી મોટાભાગના લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
New York પોલીસ અને અધિકારીઓનું નિવેદન
ન્યૂયોર્ક સ્ટેટ પોલીસ કમાન્ડર મેજર આન્દ્રે રેએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ પ્રમાણે ડ્રાઈવર વિચલિત થઇ ગયો હતો અને તેનું બસ પરનો કાબૂ છૂટી ગયો હતો. જોકે, ડ્રાઈવર જીવંત છે અને તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. રેએ વધુમાં જણાવ્યું કે બસમાં સવાર અન્ય લોકોની હાલત સ્થિર છે અને મોટાભાગને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્ય સરકાર અને સેનેટરની પ્રતિક્રિયા
ન્યૂયોર્ક રાજ્યની ગવર્નર કેથી હોચુલે જણાવ્યું કે તેમની ટીમ સ્થાનિક પ્રશાસન અને રાજ્ય પોલીસ સાથે મળીને રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય છે. અકસ્માતમાં સામેલ દરેક વ્યક્તિને મદદ અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. યુએસ સેનેટર ચક શુમરે દુઃખ વ્યક્ત કરતા કહ્યું, “આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો માટે હું અત્યંત દુઃખી છું અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.”
હોસ્પિટલોમાં ઘાયલ મુસાફરોની સારવાર
અકસ્માત બાદ નજીકની અનેક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી હતી. 40થી વધુ લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી. ઘાયલોમાં માથાની ઈજા, હાથ-પગ તૂટવા સહિતના ગંભીર ઈજાના કેસ નોંધાયા છે. બફેલો સ્થિત એરી કાઉન્ટી મેડિકલ સેન્ટરના સર્જરી ચીફ ડૉ. જેફરી બ્રુઅરે જણાવ્યું કે સર્જરી કરાવનારા 2 દર્દીઓની હાલત સુધરતી જઈ રહી છે અને તેઓ જલદી સ્વસ્થ થઈ શકે તેવી આશા છે.
આ પણ વાંચો : Uttarakhand ના ચમોલીમાં અડધી રાત્રે ફાટ્યું વાદળ, કાટમાળમાં દબાયા અનેક ઘર