અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના નાના શહેર મિલનરમાં એક વિચિત્ર વહીવટી વિવાદ સામે આવ્યો છે. અહીં શહેરના મેયર અને પોલીસ વિભાગ વચ્ચેના મતભેદો એટલા વધી ગયા કે આખા પોલીસ વિભાગે એકસાથે રાજીનામું આપી દીધું. શહેરના પોલીસ ચીફ લામાર બન, પાંચ ફુલ ટાઈમ પોલીસ અધિકારીઓ અને મોટાભાગના રિઝર્વ અધિકારીઓએ નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત સિટી મેનેજર તૌશા ગ્રોસે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાથી શહેરના વહીવટ અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસ ચીફના વાહનમાં GPS ટ્રેકર લગાવવાનો વિવાદ
આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ પોલીસ ચીફ લામાર બનના વાહનમાં તેમની જાણ બહાર GPS ટ્રેકર લગાવવાનો મામલો છે. પોલીસ ચીફે આરોપ લગાવ્યો હતો કે મેયર ક્રેગ ટિમન્સે તેમના વાહનમાં ગુપ્ત રીતે ટ્રેકિંગ ડિવાઇસ લગાવ્યું હતું. આ ઉપરાંત સિટી હોલની નજીક પણ કેમેરા લગાવવામાં આવ્યો હતો, જેના દ્વારા તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હોવાનો મુદ્દો સામે આવ્યો હતો.
શરૂઆતમાં પોલીસ ચીફે આક્ષેપ કર્યા હતા, પરંતુ 27 ઓક્ટોબરે મેયર ક્રેગ ટિમન્સે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં પોતે ટ્રેકર લગાવ્યું હોવાની કબૂલાત કરી હતી. મેયરના જણાવ્યા અનુસાર, પોલીસ ચીફના કામના કલાકો અને ટાઇમશીટ અંગે તેમને સવાલો હતા. આ બાબતની તપાસ કરવા માટે તેમણે ટ્રેકર લગાવ્યું હતું. મેયરે સિટી હોલ તરફ નજર રાખતો કેમેરો લગાવ્યાની વાત પણ સ્વીકારી હતી.
સિટી કાઉન્સિલે પણ મેયરની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ
27 ઓક્ટોબરની ખાસ બેઠક દરમિયાન મિલનર સિટી કાઉન્સિલે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. કાઉન્સિલના જણાવ્યા અનુસાર, મેયરે ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત દરમિયાન કર્મચારીઓના કામના કલાકો અંગે શંકા વ્યક્ત કરી હતી. જોકે, આ મુદ્દો કાઉન્સિલ સમક્ષ રજૂ કરવાને બદલે તેમણે પોતાના અંગત પૈસાથી GPS ટ્રેકર ખરીદીને પોલીસ ચીફના વાહનમાં લગાવ્યું હતું. કાઉન્સિલે જણાવ્યું કે આ વાહન સરકારી હતું અને મેયરે ચાર્ટરમાં નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કર્યું નહોતું. આ વિવાદને પગલે કાઉન્સિલે મેયરને ઠપકો પણ આપ્યો હતો.
સિટી મેનેજર અને પોલીસ કેપ્ટને પણ આપ્યું રાજીનામું
પોલીસ ચીફ લામાર બનના રાજીનામા બાદ સિટી મેનેજર તૌશા ગ્રોસે પણ પદ છોડવાનો નિર્ણય કર્યો હતો. 19 ઓક્ટોબરની સિટી કાઉન્સિલ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે આખી ફુલ ટાઈમ પોલીસ ટીમ અને મોટાભાગના પાર્ટ ટાઈમ અધિકારીઓએ રાજીનામાં આપ્યાં છે. તેમણે પોતે પણ રાજીનામું સોંપ્યું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસ કેપ્ટન ક્રેગ વોલ્ટને પણ પોતાના રાજીનામા પત્રમાં મેયર ક્રેગ ટિમન્સની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે શહેરના નાગરિકો અને સિટી કાઉન્સિલને મેયરના વર્તન, હોદ્દાની શપથના સંભવિત ઉલ્લંઘન અને કર્મચારીઓના અધિકારો અંગે સ્વતંત્ર તપાસ કરાવવાની અપીલ કરી હતી.
ઓવરટાઇમ અને સરકારી વાહનોનો ઉપયોગ પણ વિવાદનું કારણ
આ શહેરમાં પોલીસ અધિકારીઓના ઓવરટાઇમ અને પાર્ટ ટાઈમ નોકરી દરમિયાન સરકારી વાહનોના ઉપયોગને લઈને પણ અગાઉ મતભેદો થયા હતા. જોકે, પોલીસ ચીફ અને સિટી મેનેજરે સ્પષ્ટ કર્યું હતું કે તેમના રાજીનામા પાછળનું મુખ્ય કારણ આ મુદ્દાઓ નહીં, પરંતુ વહીવટી નેતૃત્વ સાથે વિશ્વાસનો અભાવ હતો. બીજી તરફ મેયરે જણાવ્યું હતું કે પોલીસ ચીફની ટાઇમશીટ પર તેમની સહી થતી હોવાથી તેમને કામના કલાકો અંગે ચિંતા હતી.
હવે શહેરની સુરક્ષાની જવાબદારી શેરિફ વિભાગ પાસે
આ તમામ રાજીનામાં 28 ઓક્ટોબરથી અમલમાં આવ્યાં હતાં, જ્યારે સિટી મેનેજર તૌશા ગ્રોસનું રાજીનામું 30 ઓક્ટોબરથી અમલમાં આવ્યું હતું. ત્યારબાદ શહેરમાં પોલીસ વિભાગની ગેરહાજરીમાં લામર કાઉન્ટી શેરિફ ઓફિસના અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. સિટી કાઉન્સિલે નવા પોલીસ ચીફની શોધ શરૂ કરવાનો નિર્ણય પણ લીધો છે. હવે શહેરમાં નવી પોલીસ ટીમ ક્યારે રચાશે અને મેયર તથા પોલીસ વિભાગ વચ્ચેનો વિવાદ કેવી રીતે ઉકેલાશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : US Midterm Election : ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો, ડેમોક્રેટ્સની શાનદાર વાપસી સાથે સંસદમાં સત્તા પલટો