Donald Trump ની લવારી, મહિલા સેક્રેટરી અંગે કહ્યું, 'તેનો ચહેરો સુંદર, અને હોઠ મશીન ગન જેવા છે'
- ડોનાલ્ડ ટ્રમ્પનો જાહેર મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો
- વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી અંગે જાહેરમાં અશોભનિય નિવેદન આપ્યું
- ડોનાલ્ડ ટ્રમ્પે સેક્રેટરીની સુંદરતા અને હોઠના વખાણ કરતા તરહ તરહની ચર્ચાઓ ઉઠી
- ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ તેમના વિવાદીત નિવેદનોના કારણે ચર્ચામાં આવ્યા હતા
Trump Comment On Press Secretary Karoline Leavitt : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શું કહેશે, અને કોના વિશે શું કહેશે તે આગાહી કરવી અશક્ય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તાજેતરના ભાષણ દરમિયાન, ટ્રમ્પે તેમના વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, કેરોલિન લેવિટના "સુંદર ચહેરા" અને "હોઠ" માટે પ્રશંસા કરી છે. જેના કારણે રાજકીય મોરચે ટ્રમ્પની લવારી ચર્ચાનો વિષય બન્યો છે.
ટ્રમ્પ વિષયથી ભટકી ગયા
હકીકતમાં, ટ્રમ્પ પેન્સિલવેનિયામાં એક રેલીમાં તેમની સરકારની આર્થિક સફળતાઓનો પ્રચાર કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન, તેઓ વિષયથી ભટકી ગયા અને તેમના 28 વર્ષીય પ્રેસ સેક્રેટરીના વખાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે બૂમ પાડીને કહ્યું, "આજે અમે અમારા સુપરસ્ટાર, કેરોલિનને લાવ્યા છીએ. શું તે મહાન નથી ? શું કેરોલિન મહાન છે ?" તેમણે ભીડને પૂછ્યું, બાદમાં તાળીઓ પાડી હતી.
ટ્રમ્પે શું કહ્યું, જાણો અહીં
ટ્રમ્પ ત્યાં અટક્યા નહીં, લેવિટના શરીર અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી, જે તેમના કરતા લગભગ 50 વર્ષ નાના છે. ટ્રમ્પે કહ્યું, "તમે જાણો છો, જ્યારે તે ટેલિવિઝન પર જાય છે, ફોક્સ પર, મારો મતલબ છે કે, તે પ્રભુત્વ ધરાવે છે, તે પ્રભુત્વ ધરાવે છે... જ્યારે તે ત્યાં તે સુંદર ચહેરા અને તે હોઠ સાથે જાય છે જે અટકતા નથી, નાની મશીનગનની જેમ." આ સાથે ટ્રમ્પે વિચિત્ર અવાજો કરવાનું ચાલુ રાખ્યું હતું.
ટ્રમ્પે પહેલા પણ ટિપ્પણીઓ કરી છે
ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટમાં ન્યૂઝમેક્સ સાથેની એક મુલાકાત દરમિયાન લેવિટ વિશે આવી જ ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું, "તે ચહેરો, તે મગજ, તે હોઠ, જે રીતે તેઓ ફરે છે, તેઓ મશીનગનની જેમ ફરે છે." તેમણે એમ પણ કહ્યું, "મને નથી લાગતું કે કોઈની પાસે કેરોલિન કરતાં વધુ સારી પ્રેસ સેક્રેટરી હશે."
કેરોલિન લેવિટ વિશે જાણો
લેવિટે 2019 થી 2021 સુધી ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સહાયક પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. ન્યૂ હેમ્પશાયરના વતની લેવિટના લગ્ન રિયલ એસ્ટેટ ડેવલપર નિકોલસ રિક્સિયો સાથે થયા છે, અને તેમને નિકો નામનો પુત્ર છે. ટ્રમ્પની અસફળ ચૂંટણી બાદ, તે વ્હાઇટ હાઉસ પરત ફર્યા અને ઇતિહાસમાં સૌથી નાની વયના વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી બન્યા હતા. ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપનારા તે પાંચમા વ્યક્તિ છે અને તેમના બીજા કાર્યકાળ દરમિયાન પ્રથમ વ્યક્તિ છે.
આ પણ વાંચો ------ Donald Trump એ H-1B, H-4 વીઝામાં અરજદારોની સમસ્યા વધારી, ‘સોશિયલ મીડિયા એકાઉન્ટ સાર્વજનિક કરો’