US President : ટેરિફથી અબજો ડૉલર ભેગા કરી શું કરશે ટ્રમ્પ?
- ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને જંગી ટેરિફથી ડરાવી રહ્યા છે.
- બીજા દિવસે યુ-ટર્ન લઈ તેનો અમલ મુલતવી રાખ્યો
- ટ્રમ્પે 6 વખત અનેક દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરી
US President Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2025માં બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી દુનિયાને જંગી ટેરિફથી ડરાવી રહ્યા છે. તેમણે કેનેડા, મેક્સિકો, ચીન પર જંગી ટેરિફ નાંખ્યો અને બીજા દિવસે યુ-ટર્ન લઈ તેનો અમલ મુલતવી રાખ્યો. છેલ્લા 6 મહિનામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પે 6 વખત અનેક દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરી અને 6 વખત તેનો અમલ મોકુફ રાખ્યો. ટ્રમ્પની છેલ્લી જાહેરાત પ્રમાણે 1 ઓગષ્ટથી અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફનો અમલ થવાનો હતો.
ભારત પર 25% સહિત 71 દેશો પર 41% સુધીના ટેરિફ
ટ્રમ્પે 31 જુલાઈએ ભારત પર 25% સહિત 71 દેશો પર 41% સુધીના ટેરિફ અંગે એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર પણ કરી દીધા, પરંતુ 1 ઓગસ્ટના રોજ અમલ શરૂ થવાના કલાકો પહેલાં જ તેને 7 દિવસ માટે મુલતવી રાખ્યો છે. હવે સવાલ એ થાય છે કે, ટ્રમ્પ ટેરિફથી આ અબજો ડૉલરની કમાણી કરીને તેનું શું કરશે?
અમરિકન નાગરિકોને ખુશ કરી શકે છે ?
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી યોજના પર વિચાર કરી રહ્યા છે, જે અમરિકન નાગરિકોને ખુશ કરી શકે છે. એક સમાચાર એજન્સીએ સોમવારે જાણકારી આપી કે, જે દિવસે ભારતીય આયાત પર 25% અમેરિકન ટેરિફની જાહેરાત કરવામાં આવી તે જ દિવસે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, 'હું ટેરિફનો અમુક જેટલો હિસ્સો ડિવિડેન્ડના રૂપમાં નાગરિકો સુધી પહોંચાડવા પર વિચારી શકુ છું.' આમ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિકોને આકર્ષવાનો પ્લાન બનાવી રહ્યા છે. ડિવિડન્ડ એટલે કે, આવકનો અમુક હિસ્સો શેરહોલ્ડર્સ અથવા અન્ય લોકોમાં વહેંચવો. અહીં ડિવિડેન્ડનો અર્થ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફમાંથી થતી કમાણીનો કેટલોક હિસ્સો નાગરિકોને વહેંચવો. જોકે, અત્યાર સુધી ટ્રમ્પે આ અંગે વધુ માહિતી નથી આપી.
આ પણ વાંચો -ISREAL માં રહેતા લોકોના મનમાં બહિષ્કારનો ડર, સર્વેમાં કહ્યું,'વિદેશ નહીં જઈ શકાય'
કયા દેશ પર સૌથી વધુ ટેરિફ?
ટ્રમ્પે બ્રિટન પર 15%, જાપાન પર 10% અને દક્ષિણ કોરિયા પર માત્ર 5% ટેરિફ લાદવામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકાએ ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી છે, જે 7 ઓગસ્ટથી લાગુ થઈ શકે છે. આ ઉપરાંત ટ્રમ્પે કેનેડા પર 35%, બ્રાઝિલ પર 50%, સ્વિટ્ઝર્લૅન્ડ પર 39% અને તાઈવાન પર 20% ટેરિફની જાહેરાત કરી છે.
આ પણ વાંચો -Tesla Autopilot કેસમાં કોર્ટે ટેસ્લા કંપનીને 1,660 કરોડનો દંડ ફટકાર્યો
સીરિયા 41%ના દરે સૌથી વધુ ટેરિફ લાદનારા દેશ
નોંધનીય છે કે, ટ્રમ્પે આ દેશોને લઈને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર પણ કર્યા છે, જે હેઠળ 69 દેશો અને યુરોપિયન યુનિયનથી આવતા માલ પર નવા ઈમ્પોર્ટ ટેક્સ લગાવવામાં આવ્યા છે, જે 7 ઓગસ્ટથી લાગુ થશે.ઓર્ડર પ્રમાણે સીરિયા 41%ના દરે સૌથી વધુ ટેરિફ લાદનારા દેશોની યાદીમાં ટોપ પર છે, ત્યારબાદ લાઓસ અને મ્યાનમાર પર 40% અને ઈરાક અને સર્બિયા પર 35% ટેરિફ લગાવવામાં આવ્યો છે.
ચીન સાથે ચાલી રહી વાતચીત
ટ્રમ્પે ચીન પર 145% ટેરિફ વધારી દીધો હતો, પરંતુ પછી વાતચીત આગળ વધી અને બંને દેશો એક બીજા પર ટેરિફ ઘટાડવા રાજી થયા. જોકે, આ બંને વચ્ચે હજુ કોઈ સમજોતો નથી થઈ શક્યો. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તેઓ એક સારા વેપાર કરાર પર વિચાર કરી રહ્યા છે. અમેરિકન નાણામંત્રી સ્કૉટ બેસન્ટે તાજેતરમાં જ આ અંગે માહિતી આપી હતી.