US Banned Indian Company : આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ઈરાનના આર્થિક સ્ત્રોતો પર પ્રહાર કરવા માટે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. આ અભિયાન હેઠળ વોશિંગ્ટને ઈરાનના પેટ્રોલિયમ વેપારને સમર્થન આપવાના આરોપસર ભારતમાં સ્થિત એક દંપતી તેમજ તેમની સાથે જોડાયેલી કંપનીઓ પર આકરા પ્રતિબંધો લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. બોગસ દરિયાઈ રજિસ્ટ્રેશન અને બનાવટી પ્રમાણપત્રોના આધારે ઈરાનને વૈશ્વિક આર્થિક પ્રતિબંધોથી બચવામાં સીધી સહાયતા પૂરી પાડવાનો આક્ષેપ આ જૂથ સામે મૂકવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીના કારણે વૈશ્વિક સ્તરે શંકાસ્પદ તેલ પરિવહન ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે.
ઈરાની તેલ નેટવર્ક વિરુદ્ધ અમેરિકાની કડક કાર્યવાહી
અમેરિકી નાણા વિભાગ (યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ) દ્વારા બુધવારે મોડી સાંજે આ સત્તાવાર પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી હતી. વોશિંગ્ટનનો સ્પષ્ટ દાવો છે કે ઈરાન પોતાની ઊર્જા નિકાસમાંથી થતી કમાણીનો ઉપયોગ સૈન્ય ગતિવિધિઓ અને વિદેશી લડાઈઓને પોષવા માટે કરે છે. આ આર્થિક સ્ત્રોતને કાયમી ધોરણે સૂકવી દેવાના ભાગરૂપે આ વખતે ભારત અને તુર્કીમાં સક્રિય રહેલા સપોર્ટ નેટવર્કને સીધું નિશાન બનાવવામાં આવ્યું છે.
ચંદીગઢનું દંપતી અને ભારતીય સંસ્થાઓ સામે આક્ષેપો
આ કાર્યવાહીમાં ચંદીગઢના રહેવાસી સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદનું નામ મુખ્ય કેન્દ્રમાં આવ્યું છે. તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ઈરાની તેલ વહન કરતા વિશાળ દરિયાઈ જહાજોને ગેરકાયદેસર કાગળો પૂરા પાડતા હતા. આ દંપતી ઉપરાંત અન્ય બે ભારતીય નાગરિકો અશ્વિની કુમાર ધીમાન અને ઈશ્વરવિન્દર સિંહ સામે પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેઓ આ સંબંધિત કંપનીઓમાં ડિરેક્ટર તરીકે સક્રિય ભૂમિકા ભજવતા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં ભારત સાથે સીધી સંકળાયેલી કુલ 9 વ્યાપારિક સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે.
બોગસ દરિયાઈ દસ્તાવેજો અને 'શેડો ફ્લીટ'નું કૌભાંડ
ઈરાને આંતરરાષ્ટ્રીય નિયમોની આંખમાં ધૂળ નાખવા માટે એક ગુપ્ત દરિયાઈ કાફલો તૈયાર કર્યો હતો, જેને 'શેડો ફ્લીટ' તરીકે ઓળખવામાં આવે છે.આ નેટવર્ક બનાવટી દરિયાઈ દસ્તાવેજો બનાવીને જહાજોની મૂળ ઓળખ અને માલિકીની વિગતો છુપાવવાનું વ્યવસ્થિત કામ કરતું હતું. અમેરિકી તપાસ એજન્સીઓ મુજબ આમાંથી કેટલાંક તેલવાહક જહાજો સીધા જ ઈરાની સૈન્ય દળો અને તેના સંલગ્ન જૂથો માટે નાણાકીય ભંડોળ એકઠું કરવા વપરાતા હતા.
તુર્કીની કંપની અને 6 ઈરાની એરલાઈન્સ પર સકંજો
સમુદ્રી પરિવહન ઉપરાંત આકાશ માર્ગે ચાલતી વ્યવસ્થાઓ પર પણ કડક સિકંજો કસવામાં આવ્યો છે. વોશિંગ્ટને તુર્કી સ્થિત 'ફ્યુગો ગ્રાઉન્ડ સર્વિસીસ ઇન્ક' નામની કંપનીને પણ પ્રતિબંધિત કરી દીધી છે. આ એજન્સી પર અમેરિકા દ્વારા પહેલેથી જ બ્લેકલિસ્ટ કરાયેલી 6 ઈરાની એરલાઈન્સને ગ્રાઉન્ડ-હેન્ડલિંગ તેમજ લોજિસ્ટિક્સ સુવિધાઓ પૂરી પાડવાનો આરોપ છે. જેમાં ઈરાન એર ટૂર, સાહા એરલાઈન્સ, સેપેહરાન એરલાઈન્સ, વારેશ એરલાઈન્સ, તબાન એરલાઈન્સ અને અતા એરલાઈન્સ જેવી મુખ્ય કંપનીઓનો સમાવેશ થાય છે.
'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' અને વોશિંગ્ટનની કડક ચેતવણી
આ પગલું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા ખાસ અભિયાન 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ'નો મુખ્ય ભાગ છે. આ આક્રમક ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની તેલથી થતી આવક સંપૂર્ણપણે બંધ કરીને યુદ્ધ લડવાની તેની આર્થિક ક્ષમતાને ખતમ કરવાનો છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે તેહરાનને સહયોગ આપતા તમામ લોકોને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે આ ઝુંબેશ હેઠળ તમે કાં તો અમારા પક્ષમાં છો અથવા અમારી વિરુદ્ધમાં છો. તેમણે ઉમેર્યું કે જે કોઈ વ્યક્તિ કે કંપની ઈરાની શાસનને મદદ કરશે તેમને અમે શોધી કાઢીશું અને તેમના પર જમીન, સમુદ્ર કે હવાઈ માર્ગે કડક પ્રતિબંધો લાદવામાં આવશે.
આ પણ વાંચો : US Midterm India Impact : અમેરિકી સંસદમાં ટ્રમ્પ પક્ષની હાર બાદ ભારત માટે રાહત કે નવો પડકાર? જાણો દ્વિપક્ષીય સંબંધોનું ગણિત