અમેરિકાએ ઈરાનના આર્થિક નેટવર્ક પર કર્યો પ્રહાર, અબજો ડોલરની હેરાફેરી કરતા શેડો બેંકિંગ પર લાદ્યા પ્રતિબંધ, જાણો અહેવાલ
- અમેરિકાએ ઇરાન પર લાદ્યા નવા આર્થિક પ્રતિબંધ લાદ્યા (US sanctions on Iran)
- ઇરાનના સુરક્ષા અધિકારીઓના નાણાકીય નેટવકર્સ પર લાદ્યા પ્રતિબંધ
- હિંસક અધિકારીઓ પર ટ્રમ્પના કડક પ્રતિબંધો
ઈરાનમાં ચાલી રહેલી સરકાર વિરોધી ક્રાંતિ અને જનતાના આક્રોશ વચ્ચે અમેરિકાએ (US sanctions on Iran) તેહરાન વિરુદ્ધ આર્થિક યુદ્ધ તેજ કર્યું છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ઈરાનના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ અને તેલના વેપાર (Iran oil trade) દ્વારા નાણાંની હેરાફેરી કરતા 'શેડો બેંકિંગ' નેટવર્ક્સ પર (Shadow banking) આકરા પ્રતિબંધો લાદી દીધા છે. અમેરિકાનો સીધો આરોપ છે કે ઈરાની નેતાઓ દેશની સંપત્તિ ચોરીને વિદેશી બેંકોમાં મોકલી રહ્યા છે અને તે જ પૈસાનો ઉપયોગ સામાન્ય જનતાના અવાજને દબાવવા માટે કરી રહ્યા છે.
US sanctions on Iran : ટ્રમ્પનું પ્રેશર અને જનતાને સમર્થન
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી લેવાયેલું આ પગલું ઈરાન પર દબાણ વધારવાની વ્યૂહરચનાનો ભાગ છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે આ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "ઈરાની નેતાઓ ડૂબતા જહાજ પરના ઉંદરની જેમ દેશના પૈસા વિદેશોમાં સંતાડી રહ્યા છે, પરંતુ અમેરિકા એક-એક ડોલરનો પીછો કરશે." તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા સ્વતંત્રતાની માંગ કરી રહેલા ઈરાની લોકોની સાથે ખભેખભા મિલાવીને ઊભું છે.
હિંસાના સૂત્રધાર અલી લારીજાની પર તવાઈ
નવા પ્રતિબંધોમાં સૌથી મોટું નામ ઈરાની સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીનું છે. અમેરિકાના જણાવ્યા અનુસાર, લારીજાની એ એવા પ્રથમ નેતાઓમાંથી એક હતા જેમણે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવા અને હિંસા આચરવા માટે સેનાને ઉશ્કેરી હતી. આ ઉપરાંત, લોરેસ્તાન અને ફાર્સ પ્રાંતના કમાન્ડરો પર પણ પ્રતિબંધ મુકાયો છે, જ્યાંની હોસ્પિટલો ઘાયલ પ્રદર્શનકારીઓથી ભરાઈ ગઈ છે.
અબજોના 'શેડો બેંકિંગ' નેટવર્કનો પર્દાફાશ
અમેરિકાએ માત્ર ઈરાન જ નહીં, પરંતુ સિંગાપોર, યુએઈ અને યુકેમાં કાર્યરત 18 કંપનીઓ અને વ્યક્તિઓને પણ બ્લેકલિસ્ટ કર્યા છે. આ કંપનીઓ ઈરાનના તેલના વેચાણમાંથી થતી આવકને છુપાવવા અને મની લોન્ડરિંગ કરવા માટે 'ફ્રન્ટ' તરીકે કામ કરતી હતી. આ નેટવર્ક્સ 'બેંક મેલી' જેવી પ્રતિબંધિત બેંકો સાથે મળીને અબજો ડોલરની હેરાફેરી કરતા હતા.
અમેરિકી પ્રતિબંધોની ઈરાન પર કેવી અને કેટલી અસર થશે?
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આ નવા પ્રતિબંધો માત્ર કાગળ પર નથી, પરંતુ તેની ઈરાની અર્થતંત્ર અને અધિકારીઓ પર વ્યાપક અસર જોવા મળશે:
સંપત્તિની જપ્તી (Asset Freeze): આ યાદીમાં સામેલ તમામ ઈરાની અધિકારીઓ અને સંસ્થાઓની અમેરિકામાં આવેલી તમામ જંગમ અને સ્થાવર મિલકતો તેમજ બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી ફ્રીઝ (સ્થિર) કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ પોતાની આ સંપત્તિનો ઉપયોગ કરી શકશે નહીં.
વ્યાપાર પર સંપૂર્ણ રોક (Trade Ban): અમેરિકાના કોઈપણ નાગરિક, કંપની કે નાણાકીય સંસ્થા માટે આ પ્રતિબંધિત વ્યક્તિઓ કે કંપનીઓ સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરવો એ ગુનો ગણાશે. આનાથી ઈરાની નેતાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારિક સંપર્ક તૂટી જશે.
ગ્લોબલ બ્લોકેજ (Secondary Sanctions): અમેરિકાએ દુનિયાભરની બેંકોને ચેતવણી આપી છે કે જો કોઈ પણ દેશની બેંક આ પ્રતિબંધિત લોકો સાથે સોદો કરશે કે વ્યવહાર કરવામાં મદદ કરશે, તો તે બેંક પર પણ અમેરિકા પ્રતિબંધ લાદી શકે છે. આનો અર્થ એ કે હવે ઈરાનના આ અધિકારીઓ માટે વિશ્વની કોઈપણ પ્રતિષ્ઠિત બેંકમાં ખાતું ચલાવવું અશક્ય બની જશે.
ઈરાનમાં લોહીયાળ સંઘર્ષ
ડિસેમ્બર 2025થી ઈરાનમાં મોંઘવારી અને આર્થિક બદહાલી સામે શરૂ થયેલું આંદોલન હવે સત્તા પરિવર્તનની લડાઈ બની ગયું છે. માનવાધિકાર સંગઠનોના મતે, અત્યાર સુધીમાં આ હિંસામાં 2,400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હવે આર્થિક નાકાબંધી દ્વારા ઈરાની સત્તાધીશોની કમર તોડવા માટે મક્કમ છે.
આ પણ વાંચો : USS અબ્રાહમ લિંકન માત્ર એક જહાજ નહીં, પણ છે આખું લશ્કરી મથક ,જાણો તેના વિશે


