Varsha Gohil Divorce Case : માત્ર 3 કરોડમાં પતાવેલા છૂટાછેડા પતિને ભારે પડ્યા, 23 વર્ષ બાદ ચૂકવવા પડ્યા 85 કરોડ!
Varsha Gohil Divorce Case : લંડનની કોર્ટમાં શરૂ થયેલો એક સામાન્ય છૂટાછેડાનો કેસ 23 વર્ષ સુધી ચાલશે અને ઐતિહાસિક ચુકાદામાં પરિણમશે, તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભારતીય મૂળનાં 61 વર્ષીય વર્ષા ગોહિલે બ્રિટિશ હાઈકોર્ટમાં લાંબી કાનૂની લડાઈ લડીને તેમના પૂર્વ પતિ ભદ્રેશ ગોહિલ સામે ઐતિહાસિક જીત મેળવી છે. મંગળવારે કોર્ટે આદેશ આપ્યો છે કે છેતરપિંડી કરનાર પૂર્વ પતિએ વર્ષા ગોહિલને 6.6 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 85 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ સમગ્ર મામલો વર્ષા ગોહિલ ડિવોર્સ કેસ (Varsha Gohil Divorce Case) તરીકે બ્રિટનના કાનૂની ઇતિહાસમાં સૌથી મોટી જીતમાંથી એક માનવામાં આવે છે.
માત્ર 3.47 કરોડ રૂપિયા અને જૂની કારમાં થયું હતું સમાધાન
આ વિવાદની શરૂઆત મે 2002માં થઈ હતી. તે સમયે વર્ષા ગોહિલે પોતાના પતિ ભદ્રેશ ગોહિલ પર અત્યાચાર અને છેતરપિંડીનો આરોપ લગાવીને છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. તે વખતે આ દંપતીને ત્રણ બાળકો હતા. શરૂઆતમાં આ મામલો કોર્ટની બહાર જ થાળે પડી ગયો હતો. વર્ષા ગોહિલે તે સમયે માત્ર 2 લાખ 70 હજાર પાઉન્ડ (લગભગ 3.47 કરોડ રૂપિયા) નું સામાન્ય વળતર અને પરિવારની એક જૂની પ્યુજોટ કાર (Peugeot car) લઈને સમાધાન સ્વીકારી લીધું હતું.
પતિ કૌભાંડમાં પકડાયો અને ખુલ્યો મોટો રાઝ
છૂટાછેડા પછી પણ વર્ષાને હંમેશા શંકા હતી કે તેમના પતિએ પોતાની તમામ સંપત્તિની સાચી માહિતી કોર્ટમાં રજૂ કરી નથી. વર્ષો સુધી આ માત્ર એક શંકા હતી, પરંતુ 2000 ના દાયકાના અંતમાં આખો ખેલ પલટાઈ ગયો. ભદ્રેશ ગોહિલ, જેઓ વ્યવસાયે એક વકીલ હતા, તે નાઇજીરિયાના પૂર્વ ગવર્નર જેમ્સ ઇબોરીના સાગરિતો માટે કામ કરતા હતા.
ભષ્ટાચારના કેસમાં ફસાયા અને મામલો બહાર આવ્યો
આ દરમિયાન ભદ્રેશ એક મોટા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને કરોડો પાઉન્ડના મની લોન્ડરિંગ [Money Laundering] કેસમાં પકડાઈ ગયા. તપાસમાં સાબિત થયું કે તેણે નકલી શેલ કંપનીઓ અને ક્લાયન્ટ એકાઉન્ટ્સ દ્વારા વિદેશમાં કરોડો રૂપિયા છુપાવ્યા હતા. બ્રિટિશ કોર્ટે 2011માં તેને છેતરપિંડીના આરોપસર 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
2007 માં ફરી શરૂ થઈ લડાઈ
પતિની ધરપકડ બાદ બ્રિટિશ તપાસ એજન્સીઓએ ભદ્રેશ ગોહિલની આશરે 28 મિલિયન પાઉન્ડ (અંદાજે 360 કરોડ રૂપિયા) ની બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી. આ મોટા ખુલાસા પછી વર્ષા ગોહિલે પોતાના જૂના છૂટાછેડાના કરારને રદ કરવા અને નવેસરથી વળતર મેળવવા 2007 માં ફરીથી કાનૂની લડાઈ શરૂ કરી. પતિ જેલમાં જતાં તેમને નવા અને મજબૂત પુરાવા મળી ગયા હતા.
સમગ્ર મામલો યુકેની સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો
વર્ષ 2015માં જ્યારે આ કેસ યુકેની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે કોર્ટે એક ઐતિહાસિક દાખલો બેસાડતા વર્ષાને પોતાનો કેસ ફરીથી ખોલવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે છૂટાછેડા વખતે જે પણ જીવનસાથી પોતાની સંપત્તિની સાચી માહિતી છુપાવીને કોર્ટ સાથે છેતરપિંડી કરે છે, તેને તે છેતરપિંડીનો કોઈ લાભ મળવો જોઈએ નહીં.
બ્રિટિશ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટના આદેશ પછી એક નવી કાનૂની ગૂંચ ઊભી થઈ. યુકેની સરકારી એજન્સીઓએ દલીલ કરી કે જપ્ત કરાયેલી 360 કરોડ રૂપિયાની સંપત્તિ ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાયેલી છે, તેથી તે સરકાર હસ્તક જમા થવી જોઈએ અને પત્નીને આપી શકાય નહીં. બીજી તરફ, વર્ષા ગોહિલનો દાવો હતો કે આ સંપત્તિનો મોટો હિસ્સો તેમના લગ્નજીવન દરમિયાન કાયદેસરના વ્યાપારમાંથી કમાયેલો છે, જેના પર તેમનો સંપૂર્ણ અધિકાર છે.
85 કરોડ આપવા આદેશ
બધી દલીલો સાંભળ્યા બાદ, બ્રિટિશ હાઇકોર્ટે મંગળવારે સરકાર અને પૂર્વ પતિ બંનેની દલીલો ફગાવી દીધી. ન્યાયાધીશે સ્વીકાર્યું કે જપ્ત કરાયેલી સંપત્તિઓમાંથી અંદાજે 6.66 મિલિયન પાઉન્ડની સંપત્તિ સંપૂર્ણપણે કાયદેસર અને દાગ રહિત છે, જે આ દંપતીની વૈવાહિક સંપત્તિનો હિસ્સો હતી. અંતે, કોર્ટે આ 85 કરોડ રૂપિયાની માતબર રકમ વર્ષા ગોહિલને સોંપવાનો ઐતિહાસિક આદેશ જારી કર્યો છે.
આ પણ વાંચો : Freedom Ship Floating City : જમીન ખૂટી તો શું? હવે દરિયાના મોજાં પર તરશે આખું વિશ્વ, જુઓ અદભૂત પ્રોજેક્ટ!


