પાકિસ્તાનમાં પાણી મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકારીઓએ સિંધના મંત્રીનું ઘર ફૂંકી માર્યું
- પાકિસ્તાનમાં પાણી માટે હાહાકર, ગૃહ યુદ્ધની શંકા
- સિંધના મોરો શહેરમાં પાણી મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શન
- પ્રદર્શનકારીઓએ સિંધના મંત્રીનું ઘર સળગાવી માર્યુ
- સિંધના ગૃહમંત્રી જિયાઉલ હસનનું ઘર ભીડે ફૂંકી માર્યુ
- બે પ્રદર્શનકારીઓના મોત બાદ વિરોધ બન્યો વધુ ઉગ્ર
- નહેર પરિયોજના મુદ્દે સિંધ અને પંજાબ પ્રાંત સામસામે
- મોરો શહેરને પ્રદર્શનકારીઓએ બરાબર બાનમાં લીધું
Water issue in Pakistan : કહેવાય છે કે જ્યારે પણ બોલવું ત્યારે સમજી વિચારીને બોલવું જોઇએ, કારણ કે પોતાના દ્વારા બોલવામાં આવેલા શબ્દો ક્યારેક પોતાને જ ભારે પડી શકે છે. કઇંક આવું જ હાલમાં પાકિસ્તાનના નેતાઓ સાથે થઇ રહ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારી સાથે આવું જ બન્યું છે. પોતાની અધીરાઈમાં તેમણે ભારત વિરુદ્ધ ઘણું ઝેર ઓક્યું, જે હવે તેમની જ સામે આવ્યું છે. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં પાણીના કારણે ઘણી સમસ્યાઓ વધી ગઇ છે.
પાકિસ્તાનમાં પાણી માટે હાહાકાર
પાકિસ્તાનમાં પાણીનું સંકટ સતત વધી રહ્યું છે. બિલાવલ ભુટ્ટોના નિવેદનથી ઉભી થયેલી અરાજકતાએ હવે પાકિસ્તાનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જણાવી દઇએ કે, પાકિસ્તાન હાલમાં ઘણા સંકટોનો સામનો કરી રહ્યું છે, જેમાં બલૂચિસ્તાનમાં અસ્થિરતા અને સિંધ પ્રાંતમાં પાણીની અછતે ઉભી કરેલી અરાજકતા સામેલ છે. સિંધમાં વિવાદાસ્પદ ચોલિસ્તાન નહેર પ્રોજેક્ટ સામે ફાટી નીકળેલા હિંસક વિરોધે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. નૌશહરો ફિરોઝમાં મોરો દાદ અને બાયપાસ ખાતે વિવાદાસ્પદ નહેર પ્રોજેક્ટ્સ સામે ધરણા દરમિયાન હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. અહેવાલો અનુસાર, ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ સિંધના ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરના નિવાસસ્થાનને આગ લગાવી દીધી, જેના કારણે વ્યાપક નુકસાન થયું. આ ઘટનામાં પોલીસ સાથેની અથડામણમાં બે વિરોધીઓના મોત થયા છે, અને એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. આ બધાની વચ્ચે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીનું ભારત વિરુદ્ધનું ભડકાઉ નિવેદન આ ઘટનાઓનું એક મુખ્ય કારણ બન્યું છે.
બિલાવલનું ભડકાઉ નિવેદન
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ (IWT) સસ્પેન્ડ કરી, જેના પ્રત્યુત્તરમાં બિલાવલ ભુટ્ટોએ ભારત પર પાણી રોકવાનો આરોપ લગાવીને યુદ્ધની ધમકી આપી. તેમણે કહ્યું, “સિંધુ અમારી છે અને રહેશે. કાં તો અમારું પાણી અથવા તેમનું લોહી આ નદીમાં વહેશે.” આ નિવેદનનો હેતુ રાજકીય લોકપ્રિયતા મેળવવાનો હોવાનું મનાય છે, પરંતુ સિંધમાં પાણીની અછતે PPPની સરકાર સામે સ્થાનિકોનો ગુસ્સો ભડકાવ્યો. ખેડૂતો અને સ્થાનિક નેતાઓએ બિલાવલને પૂછ્યું કે જ્યારે પ્રાંતમાં જ પાણીની કટોકટી છે, તો ભારત સાથે યુદ્ધની વાતો કેવી રીતે શક્ય છે? પાકિસ્તાનના જળ સંસાધન મંત્રીએ ભારતને IWT રદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ બંધ નહીં કરે, ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે.
સિંધમાં હિંસક વિરોધ અને આગચંપી
સિંધ પ્રાંતમાં ચોલિસ્તાન નહેર પ્રોજેક્ટ સામેના વિરોધે હિંસક સ્વરૂપ લીધું. નૌશહરો ફિરોઝના મોરો શહેર અને બાયપાસ વિસ્તારમાં 20 મે, 2025ના રોજ યોજાયેલા ધરણા દરમિયાન હિંસક ઘટનાઓ બની. વિરોધીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક સ્થિત ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરના નિવાસસ્થાન પર હુમલો કર્યો, જ્યાં તેમણે તોડફોડ કરી, ઘરવખરીનો સામાન સળગાવ્યો અને નજીકના બે ટ્રેલરોને આગ લગાવી. પોલીસ સાથેની અથડામણમાં ગોળીબાર થયો, જેમાં 2 વિરોધીઓના મોત થયા અને એક DSP સહિત 6 પોલીસકર્મીઓ અને અન્ય લોકો ઘાયલ થયા. આ ઘટનાએ વિસ્તારમાં ભય અને તણાવ ફેલાવ્યો, જેના પગલે બજારો અને દુકાનો બંધ કરાવવામાં આવી. આ હિંસાએ સિંધની સુરક્ષા પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : ફરી બોમ્બ વિસ્ફોટથી ધ્રૂજી ઉઠયું પાકિસ્તાન! સ્કૂલ બસમાં આત્મઘાતી હુમલામાં 4 બાળકના મોત