રશિયામાં ભયંકર ભૂકંપથી ફાટ્યો 600 વર્ષ જૂનો જ્વાળામુખી, જૂઓ Videoમાં ભયાનકતા
- રશિયામાં 600 વર્ષ બાદ ફાટ્યો જ્વાળામુખી
- કામચાટ્કામાં ક્રાશનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો
- 1856 મીટર શિખરથી 6 કિ.મી. ઊંચે રાખ ફેલાઈ
- છેલ્લે વર્ષ 1463માં ફાટ્યો હતો ક્રાશનિનિકોવ
- તાજેતરમાં 8.8ના ભૂકંપ બાદથી ભૂગતિવિધિ તેજ
રશિયામાં 30 જુલાઈ, 2025 ના રોજ આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ 600 વર્ષથી શાંત પડેલો જ્વાળામુખી ફરી સક્રિય થયો છે. રશિયાના સુદૂર પૂર્વમાં આવેલા કામચટકા દ્વીપકલ્પના ક્રેશિનીકોવ જ્વાળામુખીમાં 3 ઓગસ્ટ, 2025 ના રોજ મોટો વિસ્ફોટ થયો, જેમાંથી રાખ અને લાવા બહાર આવી રહ્યા છે.
જ્વાળામુખીમાંથી નીકળતી રાખ 6000 મીટર (લગભગ 6 કિલોમીટર)ની ઊંચાઈ સુધી ફેલાઈ છે, જેના કારણે રશિયન એવિએશન દ્વારા આ વિસ્તાર માટે ઓરેન્જ કોડ જારી કરવામાં આવ્યો છે. આ કોડનો અર્થ એ છે કે વિમાનોને આ વિસ્તારમાંથી પસાર ન થવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે રાખના કારણે હવાઈ મુસાફરી જોખમી બની શકે છે.
વૈજ્ઞાનિકોની ચેતવણી:
ભૂકંપ વૈજ્ઞાનિકોનું માનવું છે કે 30 જુલાઈના ભૂકંપે જ્વાળામુખીને ફરીથી સક્રિય થવા માટે પ્રેરિત કર્યો છે. ક્રેશિનીકોવ જ્વાળામુખી છેલ્લે 1463માં ફાટ્યો હતો. વિસ્ફોટ બાદ રાખનું વાદળ પ્રશાંત મહાસાગર તરફ 75 કિલોમીટર સુધી ફેલાયું છે. જ્વાળામુખીની ઢોળાવ પરથી લાવા, ગેસ અને વરાળ નીકળી રહ્યા છે. જોકે, સદભાગ્યે કોઈ વસ્તીવાળા વિસ્તારને નુકસાન થયું નથી.
જ્વાળામુખી વિશેની મુખ્ય માહિતી:
ક્રેશિનીકોવ જ્વાળામુખી 1856 મીટર ઊંચો છે અને તે રશિયાના સૌથી સક્રિય જ્વાળામુખી વિસ્તારોમાંના એક એવા કામચટકા દ્વીપકલ્પમાં આવેલો છે. આ જ્વાળામુખી 'રિંગ ઓફ ફાયર' નો એક ભાગ છે. રશિયાનું કટોકટી મંત્રાલય અને કામચટકા જ્વાળામુખી વિસ્ફોટ પ્રતિક્રિયા દળ (KVERT) સતત તેની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.