Hilton Shooting: અમેરિકાની હોટલ હિલ્ટનનો 'શાપિત' ઈતિહાસ!
- વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન હુમલાખોરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ (Hilton Shooting)
- સશસ્ત્ર હુમલાખોર કોલ થોમસ એલનની હથિયારોના જથ્થા સાથે ઘટનાસ્થળેથી ધરપકડ
- સિક્રેટ સર્વિસ એજન્ટ પર ગોળીબાર, બુલેટપ્રૂફ વેસ્ટને કારણે એજન્ટનો થયો બચાવ
- ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા સહિત તમામ વીઆઈપી મહેમાનોને સુરક્ષિત બહાર કઢાયા
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી (Washington D.C.) માં આવેલી પ્રતિષ્ઠિત હિલ્ટન હોટેલ (Hilton Hotel) ફરી એકવાર ગોળીબારના અવાજથી ધ્રૂજી ઉઠી છે. શનિવારે રાત્રે જ્યારે 'વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર' (White House Correspondents' Dinner) ની પાર્ટી ચાલી રહી હતી, ત્યારે એક સશસ્ત્ર હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરી સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો. આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) અને વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓ હાજર હતા. સદનસીબે, સિક્રેટ સર્વિસ (Secret Service) ની સતર્કતાને કારણે તમામ મહાનુભાવોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
Hilton Shooting: 45 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન?
આ ઘટનાએ 45 વર્ષ પહેલાં બનેલી એ કાળી યાદ તાજી કરી દીધી છે, જ્યારે 1981માં આ જ હોટેલની બહાર તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન (Ronald Reagan) પર જીવલેણ હુમલો થયો હતો. તે સમયે હુમલાખોર જોન હિંકલી જુનિયર (John Hinckley Jr.) એ રીગન પર છ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી એક ગોળી તેમની છાતીમાં વાગી હતી. રીગન ઉપરાંત તેમના પ્રેસ સેક્રેટરી જેમ્સ બ્રેડી (James Brady) પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લાંબી સર્જરી બાદ રીગનનો જીવ બચાવી શકાયો હતો. 45 વર્ષ બાદ ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિની હાજરીમાં આ જ સ્થળે ગોળીબાર થતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
કોણ છે હુમલાખોર કોલ થોમસ એલન?
શનિવારની આ ઘટનામાં ધરપકડ કરાયેલા શંકાસ્પદની ઓળખ 31 વર્ષીય કોલ થોમસ એલન (Cole Thomas Allen) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એલન શૉટગન (Shotgun), હેન્ડગન અને છરી જેવા ખતરનાક હથિયારો સાથે સજ્જ થઈને બેન્ક્વેટ હોલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુરક્ષા ચોકી પાસે મેગ્નેટોમીટર સ્કેનિંગ (Magnetometer Scanning) દરમિયાન તેને અટકાવવામાં આવતા તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું.તેણે એક સિક્રેટ સર્વિસ એજન્ટ પર સીધું નિશાન સાધ્યું હતું, પરંતુ એજન્ટે બુલેટપ્રૂફ વેસ્ટ (Bulletproof Vest) પહેર્યો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, એલન એકલો જ આ હુમલાને અંજામ આપવા આવ્યો હતો.
આ પણ વાંચો: Trump પર હુમલા પહેલા જ ‘ફાયરિંગ’ની ભવિષ્યવાણી! પ્રેસ સેક્રેટરીના વીડિયોથી અમેરિકામાં ખળભળાટ


