પાકિસ્તાનમાં તેલના ‘વિશાળ ભંડારો’ ક્યાં છે, જેને લઈને ટ્રમ્પે કરી છે કરારની જાહેરાત
- પાકિસ્તાનમાં તેલના ‘વિશાળ ભંડારો’ ક્યાં છે, જેને લઈને ટ્રમ્પે કરી છે કરારની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં તેલના ‘વિશાળ ભંડારો’નો વિકાસ કરવા માટે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે કરાર થયો છે. તેમની સોશિયલ મીડિયા વેબસાઇટ ‘ટ્રૂથ સોશિયલ’ પર એક સંદેશમાં અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાન સાથે એક કરાર કર્યો છે, જેના હેઠળ બંને દેશો પાકિસ્તાનના તેલના મોટા ભંડારોનો વિકાસ કરવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું, “હાલમાં અમે એક તેલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ, જે આ ભાગીદારીનું નેતૃત્વ કરશે. કોને ખબર, કદાચ એક દિવસ તેઓ ભારતને તેલ વેચતા હશે!”
આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં તેલ અને ગેસના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાકિસ્તાન પેટ્રોલિયમ ઇન્ફોર્મેશન સર્વિસિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓમાં તેલનું ઉત્પાદન 11 ટકા સુધી ઘટી ગયું છે. આ દરમિયાન પાકિસ્તાનના તેલ અને ગેસના મોટા ભંડારોમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઓઇલ ફીલ્ડ્સ અને ગેસ ફીલ્ડ્સમાં કાદિરપુર, સુઈ, ઉચ અને મારી જેવા મોટા ફીલ્ડ્સ ઉપરાંત અન્ય ફીલ્ડ્સમાં પણ ઘટાડો નોંધાયો છે.
પાકિસ્તાનમાં કામ કરતી તેલ અને ગેસની મોટી કંપનીઓના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. આવા સમયે અમેરિકી રાષ્ટ્રપતિનું આ નિવેદન સામે આવ્યા બાદ ઘણા લોકો એવો સવાલ પૂછતા જોવા મળે છે કે જે ભંડારોની વાત થઈ રહી છે તે આખરે ક્યાં છે?એવું પણ પૂછવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં તેલની શોધ કયા વિસ્તારોમાં થઈ રહી છે અને આ ક્ષેત્રમાં અમેરિકી ભાગીદારીની જાહેરાત શું ચીનના પાકિસ્તાનમાં મૂડીરોકાણ પર અસર કરી શકે છે? આ અહેવાલમાં આ વિશેના કેટલાક મહત્વના સવાલોના જવાબ તપાસવાની આપણે કોશિશ કરીશું.
પાકિસ્તાન પાસે તેલના કેટલા ભંડારો છે?
પાકિસ્તાનમાં તેલની શોધના ક્ષેત્રમાં ઘણી કંપનીઓ કામ કરી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં તેલની શોધ અને તેના ઉત્પાદનમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી. પાકિસ્તાન પેટ્રોલિયમ ઇન્ફોર્મેશન સર્વિસિસના આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 સુધી દેશમાં તેલના ભંડારો બે કરોડ 38 લાખ બેરલ સુધી હતા. ઘણી તેલ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા ઊર્જા ક્ષેત્રના નિષ્ણાત મોહમ્મદ વસી ખાને જણાવ્યું કે “પાકિસ્તાનમાં સ્થાનિક રીતે નીકળતું તેલ દેશની જરૂરિયાતનો માત્ર 10-15 ટકા ભાગ જ પૂરો કરે છે અને બાકીનો 80 થી 85 ટકા હિસ્સો વિદેશથી આયાત કરવામાં આવે છે.”
તેમણે જણાવ્યું કે યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના અંદાજ અનુસાર પાકિસ્તાનમાં નવ અબજ બેરલ સુધી પેટ્રોલિયમ ભંડારો હાજર છે, પરંતુ તેને ત્યાં સુધી નિશ્ચિત માની શકાય નહીં જ્યાં સુધી તે વ્યાપારિક રીતે ઉપયોગમાં લઈ શકાય તેવા ન થાય. વસી ખાને જણાવ્યું, “પાકિસ્તાનમાં ભૂતકાળમાં તેલની શોધ માટે કરવામાં આવેલા પ્રયાસો ખૂબ સફળ થયા નથી. આનું કારણ એ છે કે આ કામ માટે મૂડીરોકાણ અને જરૂરી ટેકનોલોજીની અછત છે.” તેમનું કહેવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા હવે જે જાહેરાત થઈ છે, તેના હેઠળ એવું લાગે છે કે અમેરિકી સરકાર કોઈ મોટી તેલ કંપનીને કહેશે કે તે પાકિસ્તાનમાં ઓઇલ ફીલ્ડમાંથી તેલ કાઢવા માટે કામ કરે.
પાકિસ્તાનમાં તેલની શોધનું કામ ક્યાં થઈ રહ્યું છે?
પાકિસ્તાનમાં આ સમયે તેલની શોધ દેશના ચારેય પ્રાંતોમાં થઈ રહી છે. આ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ માટે સૌથી વધુ કામ સિંધ પ્રાંતમાં થઈ રહ્યું છે. પાકિસ્તાન ક્રેડિટ રેટિંગ એજન્સીના પાકિસ્તાનમાં તેલ અને ગેસની શોધ અને ઉત્પાદનના અહેવાલ અનુસાર, સિંધમાં આ સમયે તેલ અને ગેસના કૂવાઓની કુલ સંખ્યા 247 છે. પંજાબમાં આ સંખ્યા 33 છે, જ્યારે ખૈબર પખ્તૂનખ્વામાં 15 અને બલૂચિસ્તાનમાં તેલના ચાર કૂવાઓ પર કામ ચાલી રહ્યું છે.
આ અહેવાલ અનુસાર, આ કૂવાઓમાંથી ઘણા પર કામ પૂર્ણ થઈ ગયું છે, એટલે કે તેલ અને ગેસ કાઢી લેવામાં આવ્યા છે અને હવે તે ખાલી છે, જ્યારે અન્ય પર કામ ચાલુ છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં ઊર્જા ક્ષેત્રના નિષ્ણાત ડૉ. આફિયાના જણાવ્યા અનુસાર, ટેકનિકલ રીતે જોવામાં આવે તો આ સમયે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં ખાસ કોઈ કામ થઈ રહ્યું નથી, જેનું કારણ સુરક્ષાની ચિંતાઓ, ટેક્સ અને રેવન્યુ સ્ટ્રક્ચર વગેરે છે.
તેમણે જણાવ્યું કે રાજ્યોને રેવન્યુ શેરિંગમાં વધુ હિસ્સો આપીને તેમને સુરક્ષાની જવાબદારી લેવા માટે કહી શકાય. પાકિસ્તાનમાં તેલ અને ગેસ ડેવલપમેન્ટ કંપનીએ સપ્ટેમ્બર 2021માં ખૈબર પખ્તૂનખ્વાના લક્કી મરવત જિલ્લાના એફઆર વિસ્તાર બીટનીમાં ગેસ અને તેલના ભંડારો શોધ્યા હતા.
જૂન 2022માં મારી પેટ્રોલિયમ કંપનીએ ઉત્તરી વઝીરિસ્તાનમાં બન્નૂ વેસ્ટ બ્લોકના તહસીલ શેવામાં ગેસ અને તેલના મોટા ભંડારો કાઢ્યા હતા, જે આવી છેલ્લી મોટી શોધ હતી. પેટ્રોલિયમ ડિવિઝનના સંસદીય સચિવ મિયાં ખાન બુગટીએ જણાવ્યું કે સિંધમાં આ અંગે ઘણું કામ થઈ રહ્યું છે, જ્યારે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં પણ તેલના ઘણા ભંડારો હાજર છે, જેમાંથી તેલ કાઢવા માટે સરકાર કામ કરી રહી છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત વિશે જણાવ્યું કે હજુ આ અંગે કંઈ કહેવું થોડું વહેલું હશે, પરંતુ તેમણે આ નિવેદનને પાકિસ્તાનમાં તેલના ક્ષેત્ર માટે સકારાત્મક ગણાવ્યું હતુ.
શું અગાઉ કોઈ અમેરિકી કંપનીએ પાકિસ્તાનમાં તેલના ભંડારો પર કામ કર્યું છે?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં તેલના ભંડારો પર કામ કરવાની જાહેરાત કરી અને જણાવ્યું કે બંને દેશો વચ્ચે આ ભાગીદારી માટે તેલ કંપની પસંદ કરવાનું કામ ચાલી રહ્યું છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાત મોહમ્મદ વસી ખાને જણાવ્યું કે અગાઉ પણ ઘણી અમેરિકી કંપનીઓ પાકિસ્તાનના તેલ અને ગેસના ક્ષેત્રમાં સક્રિય રહી છે.
ખાસ કરીને ઑક્સિડેન્ટલ પેટ્રોલિયમ અને યૂનિયન ટેક્સાસે તેલની શોધ અને વિકાસના કામોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના જણાવ્યા અનુસાર, આ કંપનીઓએ પાકિસ્તાનના તેલ અને ગેસના શરૂઆતના તબક્કાઓમાં મહત્વનો સહયોગ આપ્યો હતો. તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં તેમની હાજરી ઘટી છે, પરંતુ એક સમયે આ કંપનીઓ આ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવતી હતી.
શું પાકિસ્તાનમાં ચીનના રોકાણ પર અસર થશે?
વસી ખાને જણાવ્યું કે આ જાહેરાતને એક સકારાત્મક વ્યાપારિક પૃષ્ઠભૂમિમાં જોવી જોઈએ. પાકિસ્તાનના ઊર્જા ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગમાં વધારો મૂડીરોકાણ, આધુનિક ટેકનોલોજી અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપી શકે છે. તેમણે કહ્યું, “ચીન પાકિસ્તાનનો વિશ્વસનીય અને લાંબા ગાળાનો ભાગીદાર છે અને અમેરિકી કંપનીઓના સામેલ થવાથી આ સંબંધ પર કોઈ અસર થશે નહીં. અસલમાં આ વર્તમાન ચીની મૂડીરોકાણની ખામીને પૂરી કરી શકે છે કારણ કે આનાથી તકોમાં વિવિધતા લાવવામાં મદદ મળશે.”
તેમણે જણાવ્યું, “આ સંભાવના ચીન માટે પણ સમાન રીતે ફાયદાકારક હોઈ શકે છે. જેમ જેમ મોટા પ્રોજેક્ટ આગળ વધશે, તેમ તેમ ચીની કંપનીઓ, જેની પાકિસ્તાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રમાં સારી હાજરી છે, તે બાંધકામ, ઇજનેરી અથવા સેવાઓ જેવા ક્ષેત્રોમાં નવી ભૂમિકા ભજવી શકે છે.”
જિયો પોલિટિકલ ઇકોનોમીના નિષ્ણાત ઝાહિદ હુસૈને બીબીસીને જણાવ્યું કે હજુ તો અમેરિકી જાહેરાત સામે આવી છે અને તેમાં શું નક્કી થયું છે, તેની સંપૂર્ણ માહિતી સામે આવવાની બાકી છે.તેમનું કહેવું છે કે આ અમેરિકી જાહેરાતથી પાકિસ્તાનમાં ચીનના મૂડીરોકાણ અને પ્રોજેક્ટ્સ પર સીધી કોઈ અસર થશે નહીં, પરંતુ અન્ય રીતે તેની અસર પડી શકે છે.મિયાં ખાન બુગટીએ આ વિશે જણાવ્યું કે પાકિસ્તાન સાથે ચીનનો અલગ આર્થિક સહયોગ અને તેના પ્રોજેક્ટ્સ છે.
એ જ રીતે પાકિસ્તાનના વિશ્વના અન્ય દેશો સાથે પણ વ્યાપારિક અને આર્થિક સંબંધો છે, જેનો પોતાનો દાયરો હોય છે.તેમણે એવી આશંકાને નકારી કાઢી કે પાકિસ્તાનમાં અમેરિકા દ્વારા તેલના ભંડારોની શોધની જાહેરાતથી અહીંના ચીની પ્રોજેક્ટ્સ પર કોઈ અસર થશે.
ભારત અને પાકિસ્તાનમાં પ્રતિક્રિયા
ટ્રમ્પની આ જાહેરાત બાદ પાકિસ્તાન અને ભારતના સોશિયલ મીડિયા યૂઝર્સ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. એક યૂઝર હુસૈન નદીમે જણાવ્યું, “પાકિસ્તાનને હમણાં જ ખબર પડી કે તેની પાસે તેલના ભંડારો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટનો આભાર. આ હવે ખરેખર એક કોમેડી છે.”વિશ્લેષક માઇકલ કુગલમેને સોશિયલ મીડિયા સાઇટ ‘એક્સ’ પર લખ્યું, “અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે પાકિસ્તાન અને અમેરિકાએ પાકિસ્તાનના તેલના મોટા ભંડારોનો વિકાસ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
તાજેતરના અઠવાડિયાઓમાં પાકિસ્તાને તેના તેલના ભંડારોના વધતા અંદાજના મહત્વને ઉજાગર કર્યું છે.”ફૈસલ રાંઝાએ લખ્યું, “અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વ્યાપારિક કરાર નક્કી થઈ ગયો છે. અમેરિકા પાકિસ્તાનને તેના તેલના વિશાળ ભંડારોની શોધમાં મદદ કરશે અને એક દિવસ ભારતને નિકાસ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના લોકોની મજાક ઉડાવી રહ્યા છે.
આ મોદીજીનું અપમાન છે.”ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે આ જાહેરાત પર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે આ નિવેદન “ટ્રમ્પની માનસિકતાને વધુ સ્પષ્ટ રીતે દર્શાવે છે. તેઓ સ્પષ્ટ રીતે ઇચ્છે છે કે ભારત તેમની માંગણીઓ સ્વીકારીને 25 ટકા ટેરિફ અને દંડનો નિર્ણય સ્વીકારે.”
તેમણે જણાવ્યું, “અમેરિકાની ખુશીઓ બીજાના દુઃખ પર ઊભી હોવી જોઈએ અને ટ્રમ્પ નક્કી કરશે કે તેઓ કઈ ‘ખુશી’ના હકદાર છે.”પાકિસ્તાન વિશે અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદન પર તેમણે જણાવ્યું, “પાકિસ્તાનના તેલના ભંડારોમાં અમેરિકી મૂડીરોકાણની વાત તેમની આ જિદની વિરુદ્ધ છે કે અન્ય દેશો અમેરિકામાં મૂડીરોકાણ કરે.”
“અમેરિકા પહેલેથી જ તેલ ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે અને તેલ ઉત્પાદન કરતા મોટા દેશો સાથે તેના હિતો જોડાયેલા છે, તો પાકિસ્તાનમાં તેલની શોધમાં તેની શું રુચિ છે? અહીં સુધી કે પાકિસ્તાનમાં હાજર અને તેલના મોટા આયાતક ચીને પણ પાકિસ્તાનમાં તેલના ઉત્પાદનના કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.”
કંવલ સિબ્બલે ટ્રમ્પના સંદેશમાં ભારતનો ઉલ્લેખ કરવાને તંજ ગણાવ્યો અને જણાવ્યું, “પાકિસ્તાન દ્વારા એક દિવસ ભારતને તેલ વેચવાની વાત વિશે આ હાસ્યાસ્પદ વ્યંગ કેમ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભારતને સંભવિત રીતે ઈરાન સહિત પ્રદેશના મોટા સપ્લાયર્સ સુધી પહોંચ મળેલી છે.”એક અન્ય ભારતીય યૂઝરે કોન્સ્ટન્ટ ગાર્ડનર નામના હેન્ડલ પર લખ્યું,
“ખરેખર નહીં… જેમ કે હવે દરેક જાણે છે કે ટ્રમ્પ ફક્ત વ્યાપારિક કરાર પર વાતચીત કરવા માટે તમામ બટનો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યાદ રાખો, અમે સરળતાથી છૂટકારો મેળવી શકીએ છીએ.”એક પાકિસ્તાની યૂઝર ફરીદની પણ આવી જ રાય છે. તેમણે ‘એક્સ’ પર લખ્યું, “મને લાગે છે કે ટ્રમ્પ આ બધું ભારત પર દબાણ લાવવા માટે કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ વિચારથી તેમને તુરંત પરિણામો મળી શકે છે.”
આ પણ વાંચો- Malegaon કેસમાં પૂર્વ અધિકારીના દાવાથી હડકંપ, “Mohan Bhagwat ની ધરપકડનું હતું દબાણ”