Sushila Karki biography : નેપાળમાં Gen-Zએ જેને PM માટે સમર્થન આપ્યું છે તે સુશીલા કાર્કી કોણ છે? જાણો તેમનો ઈતિહાસ
- નેપાળના યુવાનોએ સુશીલા કાર્કીને કર્યો સપોર્ટ (Sushila Karki biography)
- પ્રધાનમંત્રીના પદ માટે યુવાનોની પહેલી પસંદ સુશીલા કાર્કી
- GEN-Z આંદોલનકારીઓએ વર્ચ્યુઅલ બેઠકનું કર્યુ હતુ આંદોલન
- સુશીલા કાર્કી અગાઉ પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે
- તેમની ભષ્ટ્રાચાર વિરુદ્ધની કામગીરી લોકોને આવી છે પસંદ
Sushila Karki biography : નેપાળમાં રાજકીય ઉથલપાથલ અને સત્તા સંકટ વચ્ચે નેતૃત્વનો સવાલ ફરી એકવાર ગંભીર બન્યો છે. કે.પી. ઓલીની સરકારના પતન બાદ નેપાળમાં કાર્યકારી સરકારની રચના અને વિવિધ રાજકીય જૂથો વચ્ચે મંત્રણાનો દોર ચાલી રહ્યો છે. આ જ ગંભીર પરિસ્થિતિમાં 'Gen-Z' આંદોલનકારીઓએ એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં 5,000 થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આ ઓનલાઈન સભામાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને નેપાળના આગામી વડાપ્રધાન બનાવવા માટે સૌથી વધુ સમર્થન મળ્યું.
અગાઉ 'Gen-Z'નો ચહેરો ગણાતા કાઠમંડુના મેયર બાલેન શાહે યુવાનોની અપીલનો કોઈ જવાબ ન આપતા ચર્ચા અન્ય નામો તરફ વળી હતી, જેમાં સુશીલા કાર્કીને સૌથી વધુ સમર્થન પ્રાપ્ત થયું. તેમના સમર્થનમાં 2,500 થી વધુ પત્રો પણ મળી ચૂક્યા છે, જે દર્શાવે છે કે નેપાળને સુશીલા કાર્કીના રૂપમાં પહેલી મહિલા વડાપ્રધાન મળવાની શક્યતા છે.
કોણ છે સુશીલા કાર્કી? (Sushila Karki biography)
સુશીલા કાર્કી નેપાળની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનીને ઇતિહાસ રચી ચૂક્યા છે. તેમનો જન્મ 7 જૂન, 1952ના રોજ મોરંગ જિલ્લાના બિરાટનગરમાં થયો હતો. તેમણે 2016માં આ ઐતિહાસિક પદ સંભાળ્યું હતું. તેમના શિક્ષણની વાત કરીએ તો, તેમણે મહેન્દ્ર મોરંગ કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી ભારતમાં આવેલી બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માંથી રાજનીતિશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. આ ઉપરાંત, તેમણે નેપાળની ટ્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પણ પ્રાપ્ત કરી.
1979માં વકીલાતની કરી હતી શરૂઆત
સુશીલા કાર્કીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક શિક્ષિકા તરીકે કરી હતી અને ત્યારબાદ કાયદાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે 1979માં વકીલાતની શરૂઆત કરી અને 2007માં તેમને 'સીનિયર એડવોકેટ' તરીકેનું સન્માન મળ્યું. 2009માં તેઓ સુપ્રીમ કોર્ટમાં એડ-હૉક જજ તરીકે નિમાયા અને 2010માં કાયમી જજ બન્યા.
ભષ્ટ્રાચાર વિરુદ્ધ લીધા હતા પગલા (Sushila Karki biography)
ભ્રષ્ટાચારના કેસોમાં તેમના નીડર અને કડક વલણ માટે તેઓ જાણીતા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણા સખત પગલાં લીધા. તેમના મહત્વપૂર્ણ નિર્ણયોમાં મહિલાઓને બાળકોને નાગરિકતા આપવાનો અધિકાર, પોલીસ ભરતીમાં થયેલી અનિયમિતતાઓ પર નિર્ણય અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : France માં 'બ્લોક એવરીથિંગ' વિરોધ શું છે? ; સરકાર સામે લોકોમાં નારાજગીનું કારણ બજેટ
તેમની નિમણૂંક ઐતિહાસિક પગલુ
2017માં, રાજકીય પક્ષોએ તેમના પર પૂર્વગ્રહ અને કાર્યપાલિકામાં હસ્તક્ષેપનો આરોપ લગાવી મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ જનતાના ભારે સમર્થન અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે આ પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તેમની નિમણૂકને નેપાળમાં મહિલાઓ માટે સમાનતા અને બંધારણીય અધિકારોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે.
સુશીલા કાર્કીએ લખ્યા છે બે પુસ્તક
ન્યાયિક ક્ષેત્ર ઉપરાંત, સુશીલા કાર્કીએ સાહિત્યમાં પણ યોગદાન આપ્યું છે. નિવૃત્તિ બાદ તેમણે બે પુસ્તકો લખ્યા છે. તેમનું પ્રથમ પુસ્તક, 'ન્યાય' તેમની આત્મકથા છે, જેમાં તેમણે પોતાના જીવન, ન્યાયિક સંઘર્ષો અને રાજકીય દબાણોનું વિગતવાર વર્ણન કર્યું છે. તેમનું બીજું પુસ્તક, 'કારા' એક નવલકથા છે, જે તેમની અટકાયતના અનુભવોથી પ્રેરિત છે અને મહિલાઓના સામાજિક સંઘર્ષો પર પ્રકાશ પાડે છે.
આ પણ વાંચો : Nepal માં હિંસા બાદ કાઠમંડુ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ માટે રાહત