ટ્રમ્પની ધમકીઓ છતાં ઈરાન પર હુમલો કરતા કેમ ખચકાઈ રહ્યું છે અમેરિકા? કારણ જાણીને ચોંકશો
. ઈરાનમાં અસંતોષની આગની યથાવત
. ટ્રમ્પની ઈરાનને હુમલાની ધમકી પર ધમકી
. પણ શું અમેરિકા માટે ઈરાન પર હુમલો કરવો એટલો સરળ છે?
નવી દિલ્હી: વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને સત્તામાંથી હટાવ્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આગામી નિશાન ઈરાન છે. ટ્રમ્પ સતત ઈરાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીઓની ધમકીઓ આપી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું અમેરિકા માટે ઈરાન પર હુમલો કરવો એટલો સરળ છે?
ઈસ્લામિક ગણરાજ્યના ધાર્મિક નેતાઓને હાલના વર્ષોમાં સૌથી મોટા અસંતોષનો સામનો કરવો પડી રહ્યા છે. વારંવાર આપવામાં આવેલી ધમકીઓ અને ચેતવણીઓએ વોશિંગ્ટનમાં એક જૂનો સવાલ ફરીથી ઉઠી રહ્યો છે કે ઈરાનમાં અમેરિકાની દખલગીરી હકીકતમાં કેવી હશે? આ વિસ્તારમાં અમેરિકાએ જ્યારે પણ હસ્તક્ષેપની કોશિશ કરી છે, ત્યારે તે અસફળ રહી છે. હવે ઈરાન પર અમેરિકા હાલ તાત્કાલિક સૈન્ય કાર્યવાહીથી કેમ ખચકાઈ રહ્યું છે, તેના કારણોની ચર્ચા કરીએ.
માત્ર ધમકીઓ, તૈયારી નથી
ભલે ટ્રમ્પ ઈરાનની વિરુદ્ધ આકરા શબ્દોનો ઉપયોગ કરતા હોય, પરંતુ હકીકત એ છે કે અમેરિકએ વિસ્તારમાં હજી સુધી પોતાની સેના અથવા વિમાનવાહક જહાજની તેનાતી કરી નથી. એનાથી વિપરીત કેટલાક મહીનાઓમાં ત્યાંથી અમેરિકાના સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવી છે.
તાજેતરના એક રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. તેમાં દાવો કરાયો છે કે ઈરાનની ધમકી બાદ અમેરિકા મિડલ-ઈસ્ટમાં તેનાત પોતાના સૈનિકોને પાછું બોલાવી રહ્યું છે.
એએફપીના રિપોર્ટ મુજબ, કતરમાં અમેરિકાના અલ ઉદૈદ મિલિટ્રી બેઝ પર તેનાત કેટલાક સૈનિકોને બેઝ છોડવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણાં અમેરિકન કર્મચારીઓને બુધવારે સાંજે કતરમાં મિલિટ્રી બેઝ છોડવાનું કહેવામાં આવ્યું હતું. કતરમાં મધ્ય-પૂર્વ ક્ષેત્રનો સૌથી મોટો અમેરિકન મિલિટ્રી બેઝ આવેલો છે.
પાડોશીઓનો ડર
સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમિરાત એટલે કે યુએઈ જેવા અમેરિકાના મિત્ર દેશ પણ હાલ ઈરાન પર હુમલાના પક્ષમાં નથી. ગત વર્ષ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા 12 દિવસના યુદ્ધમાં ઈરાને જે હવાઈ હુમલા કર્યા હતા, તેનાથી ખાડી દેશ હજી સુધી ડરેલા છે. તેઓ ઈચ્છતા નથી કે તેમની ધરતીનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા માટે કરવામાં આવે અને બાદમાં ઈરાન તેમના પર પલટવાર કરે, કારણ કે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો અમેરિકાએ તેના પર હુમલો કર્યો, તો તેના પાડોશી દેશો કે જેઓ અમેરિકાની સેનાને પોતાની જમીન આપી છે, તેના પર તેઓ પુરી તાકાતથી પલટવાર કરશે.
લોજિસ્ટિક સમસ્યા
અમેરિકા પાસે હાલ મિડલ ઈસ્ટમાં કોઈ મોટું યુદ્ધજહાજ હાજર નથી. જો તેને હુમલો રવો છે, તો તેણે કતર, બહરીન અથવા સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી તેના સૈન્ય ઠેકાણાઓના ઉપયોગની મંજૂરી લેવી પડશે. જો આ દેશ મનાઈ કરશે, તો અમેરિકા માટે હુમલો કરવો મુશ્કેલ થઈ જશે.
ઈરાનની શક્તિ હજી ખતમ થઈ નથી
ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ઈરાનને ઘણું નુકશાન થયું હતું, પરંતુ તેની પાસે હજીપણ લગભગ 2000 મોટી બેલેસ્ટિક મિસાઈલો છે. આ મિસાઈલો પહાડોની નીચે છૂપાવાય છે અને એક સાથે તેને લોન્ચ કરવા પર અમેરિકા અથવા ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમને આસાનીથી ભેદી શકાય તેમ છે.
હુમલાની વિપરીત અસરનો ડર
જાણકારો માને છે કે જો અમેરિકા ઈરાન પર બોમ્બમારો કરે છે, તો ઈરાનની જનતા જે હાલ સરકારનો વિરોધ કરી રહી છે, તે દેશના સમર્થનમાં એકસાથે ઉભી થાય તેવી પણ શક્યતા છે. લોકો વિદેશી હુમલા વિરુદ્ધ પોતાની સરકારનો સાથ પણ આપવા લાગે, તેનાથી ઈરાનના શાસક વધુ મજબૂત થઈ જશે.
શું સીધો હુમલો ઈરાનના સુપ્રીમ લીડર પર થશે?
અમેરિકા ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈને નિશાન બનાવવાનું વિચારી શકે છે, પરંતુ કોઈ દેશના ટોચના નેતાને મારવા કાયદાકીય રીતે ઘણું જટિલ છે. તેની સાથે તેનાથી સરકાર બદલાશે નહીં, કારણ કે ખામેનેઈએ પહેલા જ પોતાના સ્થાન માટે ત્રણ મોટા ધાર્મિક નેતાઓને તૈયાર કર્યા છે.
આ તમામ વાતોથી એ કહી શકાય છે કે ઈરાનમાં ભલે હાલ સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા હોય, પરંતુ ત્યાંની સરકાર અને સેના હજીપણ ઘણાં એકજૂટ છે. ટ્રમ્પ માટે ઈરાન પર હુમલો કરવો એક એવું જોખમ હોઈ શકે છે, જેનું પરિણામ અમેરિકા માટે દુષ્કર બની શકે છે.


