યમનના તટ પર 154 લોકોને લઈ જતી બોટ પલટાઈ, 68નાં મોત, અનેક લાપતા, જૂઓ VIDEO
- યમન તટ નજીક મોટી દુર્ઘટના
- શરણાર્થી ભરીને જતી મોટી બોટ પલ્ટી
- બોટમાં સવાર હતા 154 લોકો
- બોટ પલટાઈ જતા 68 લોકોના મોત
યમનના તટ નજીક એક મોટી અને દુઃખદ ઘટના બની છે. આફ્રિકન શરણાર્થીઓને લઈ જતી એક બોટ પલટી જતાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, યમનના દક્ષિણી પ્રાંત અબયાન પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન (IOM) એ આ ઘટનાને અત્યંત હૃદયવિદારક ગણાવી છે. IOM ના અધિકારીઓએ જણાવ્યું છે કે પીડિતોમાં મોટાભાગના ઈથિયોપિયાના નાગરિકો છે. દુર્ઘટના બાદ 68 થી વધુ લોકોના મૃતદેહો તટ પરથી મળી આવ્યા છે અને ડઝનબંધ લોકો હજુ પણ લાપતા છે. સ્થાનિક બચાવ દળો દ્વા રા મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું.
10 લોકો જ જીવતા બચ્યા
પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે થઈ હતી. બોટ પર ઈથિયોપિયા અને યમનના નાગરિકો સવાર હતા. આ ઘટનામાં માત્ર 10 લોકોને જીવતા બચાવી શકાયા છે.
સૌથી વધુ જોખમી દરિયાઈ માર્ગ
નોંધનીય છે કે, યમન એ હોર્ન ઓફ આફ્રિકા અને ખાડી દેશો વચ્ચેના એક જોખમી દરિયાઈ માર્ગ પર આવેલું છે. રોજગારની શોધમાં મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. IOM ના મતે, આ વિશ્વના સૌથી વ્યસ્ત અને જોખમી પ્રવાસી માર્ગોમાંનો એક છે. આ માર્ગ પર અગાઉ પણ અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. IOM ના રિપોર્ટ મુજબ, છેલ્લા વર્ષમાં અહીં 558 લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો લાપતા થયા હતા.
આ પણ વાંચો: America : રશિયા-યુક્રેન વોર માટે ભારત ફંડિંગ કરી રહ્યું છે - ટ્રમ્પના સલાહકારનો આક્ષેપ