અલ-જૌફ પ્રાંતની જેલને બનાવાઈ નિશાન
આ હુમલો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અલ-જૌફ પ્રાંત (Al-Jawf Province)ના હઝમ શહેરમાં આવેલી સેન્ટ્રલ કરેક્ટિવ ફેસિલિટી (Central Corrective Facility) પર થયો હતો. હુમલા બાદ જેલનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. જેલના વોર્ડનના જણાવ્યા પ્રમાણે, હુમલા સમયે અંદાજે 35 કેદીઓ (Prisoners) અને પોતાના પતિને મળવા આવેલી એક મહિલા કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Advertisement ![Navratri Banner]()
હૂતીઓએ સાઉદી અરેબિયા પર લગાવ્યો આરોપ
હુમલા બાદ યમનના હૂતી વિદ્રોહીઓ (Houthi Rebels)એ આ માટે સાઉદી અરેબિયા (Saudi Arabia)ને જવાબદાર ઠેરવ્યું છે. હૂતી આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા અનીસ અલ-અસબહી (Anees Al-Asbahi)એ સાઉદી અરેબિયા પર સીધો હુમલાનો આરોપ લગાવ્યો હતો. હૂતી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારી (Yahya Saree)એ પણ સાઉદી અરેબિયા દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો. તેમણે જૌફમાં 'નરસંહાર' (Massacre) કરવાનો આરોપ લગાવતા કહ્યું કે સાઉદીએ એક સર્વેલન્સ ડ્રોન (Surveillance Drone) તૈનાત કર્યો હતો અને ભાડૂતી લડવૈયાઓને વિવિધ હથિયારો પણ પૂરા પાડ્યા હતા.
સારીના જણાવ્યા અનુસાર, યમન વિરુદ્ધ ચાલી રહેલી સાઉદી આક્રમકતાનો જવાબ આપવામાં આવશે અને તેને સજા ભોગવવી પડશે. જોકે, સાઉદી અરેબિયાના મીડિયા મંત્રાલય તરફથી આ આરોપો અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નહોતી.
હૂતીઓનો વધુ એક મોટો દાવો
હૂતી સૈન્ય પ્રવક્તાએ બાદમાં એવો પણ દાવો કર્યો હતો કે છેલ્લા 24 કલાક દરમિયાન સાઉદી અરેબિયાના કુલ 4 સર્વેલન્સ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સોમવારે સવારે અલ-બાયદા પ્રાંતમાં પણ એક ડ્રોન જોવા મળ્યો હતો. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમન સરકાર (Yemeni Government)ના દળો અનેક મોરચે આગળ વધી રહ્યા છે. સરકારી સેનાની પ્રગતિ જૌફ, અલ-બાયદા, ધાલે અને મારિબ પ્રાંતોમાં થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
યમનમાં જેલ પર હુમલાનો આ પહેલો બનાવ નથી
યમનના લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ (Yemen War) દરમિયાન જેલ અને ડિટેન્શન સેન્ટરો (Detention Centers) અગાઉ પણ હુમલાનું નિશાન બન્યા છે. વર્ષ 2022માં સઉદી આગેવાની હેઠળના ગઠબંધન (Saudi-led Coalition)ના હુમલામાં ઉત્તર સઆદા પ્રાંતની એક ડિટેન્શન ફેસિલિટીને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 87 કેદીઓનાં મોત થયા હતા અને લગભગ 266 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત સપ્ટેમ્બર 2019માં દક્ષિણ-પશ્ચિમ યમનના ધમાર પ્રાંતમાં હૂતીઓ દ્વારા સંચાલિત ડિટેન્શન સેન્ટર પર હુમલો થયો હતો. તેમાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.
યમનમાં ગૃહયુદ્ધ કેવી રીતે શરૂ થયું?
ઉલ્લેખનીય છે કે, યમનમાં ગૃહયુદ્ધ (Civil War)ની શરૂઆત 2014માં થઈ હતી. તે સમયે હૂતી વિદ્રોહીઓએ પોતાના ઉત્તરી ગઢમાંથી આગળ વધીને રાજધાની સનામાં કબજો કરી લીધો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારને પહેલા દેશના દક્ષિણ ભાગમાં અને પછી સાઉદી અરેબિયામાં નિર્વાસિત થવું પડ્યું હતું. સરકારને ફરી સત્તામાં લાવવા માટે 2015માં સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના અંદાજ પ્રમાણે, આ ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1.5 લાખ લોકોનાં મોત થયા છે. લાંબા સમયના યુદ્ધે યમનને અનેક વખત દુષ્કાળ અને ભયાનક અકાલ (Famine)ની અણી પર પહોંચાડ્યું છે. વર્ષ 2022થી મોટા પ્રમાણમાં અમલમાં રહેલો યુદ્ધવિરામ (Ceasefire) હવે તૂટી ગયો છે, જેના કારણે યમનમાં ફરી હિંસા અને અસ્થિરતા વધવાની ચિંતા ઊભી થઈ છે.
આ પણ વાંચો : Kenya Tata Chemicals Crisis : ટાટા ગ્રુપને વિદેશમાં મોટો ફટકો, કેન્યા સરકારે આપી સીધી ચેતવણી - 'તરત જ તમારો પ્લાન્ટ બંધ કરો!'