તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવું MI ને ભારે પડ્યું! ખૂબ થઇ રહી છે ટીકા
- તિલક વર્મા રિટાયર્ડ આઉટ! કોણે લીધો નિર્ણય?
- મહેલા જયવર્ધનેએ તિલકને કેમ પાછા બોલાવ્યો?
- તિલકની ધીમી બેટિંગથી MIની રણનીતિ બદલાઈ
- રિટાયર્ડ આઉટ થયો તિલક વર્મા, જવાબદારી કોણે લીધી?
- તિલકને રિટાયર્ડ આઉટ કરનાર કોચ કે કેપ્ટન?
- તિલકની નબળી બેટિંગ MIને ભારે પડી
- IPLમાં ચોથો રિટાયર્ડ બેટ્સમેન બન્યો તિલક વર્મા
Tilak Verma retire out : લખનૌ સુપર જાયન્ટ્સ સામેની IPL 2025ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્માને તેના નબળા પ્રદર્શનને કારણે 19મી ઓવરમાં રિટાયર્ડ આઉટ થવું પડ્યું, જે એક અનોખો અને વિવાદાસ્પદ નિર્ણય બની ગયો છે. તિલક રન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો અને ચોગ્ગા-છગ્ગા ફટકારીને મેચને જીત તરફ લઈ જવા માગતો હતો, પરંતુ તેના દરેક પ્રયત્નો નિષ્ફળ રહ્યા. 23 બોલમાં માત્ર 25 રન બનાવીને ક્રિઝ પર ઉભા રહેલા તિલકની ધીમી બેટિંગને જોતાં મુંબઈના ટીમ મેનેજમેન્ટે તેને પાછો બોલાવીને મિશેલ સેન્ટનરને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો. જોકે, સેન્ટનરના આવવાથી પણ કોઈ ફરક પડ્યો નહીં, અને મુંબઈએ આખરે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ નિર્ણય બાદ ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકોમાં ચર્ચા શરૂ થઈ કે આવો નિર્ણય કેપ્ટન હાર્દિક પંડ્યાનો હતો કે મુખ્ય કોચ મહેલા જયવર્ધનેનો? તેટલું જ નહીં આ નિર્ણયને સોશિયલ મીડિયામાં ક્રિકેટ ફેન્સ સૌથી ખરાબ રણનીતિ ગણાવીને ટીકા કરી રહ્યા છે.
મુખ્ય કોચનો ખુલાસો: રણનીતિ કે નવો પ્રયોગ?
મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધને સ્પષ્ટતા કરી કે તિલક વર્માને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય તેમનો હતો અને તે એક રણનીતિનો ભાગ હતો. તેમણે જણાવ્યું કે, મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું, જેને તેમણે ફૂટબોલની રમત સાથે સરખાવ્યું. જયવર્ધને કહ્યું, “જેમ ફૂટબોલમાં મેનેજર છેલ્લી ઘડીએ અવેજી ખેલાડીને મેદાને ઉતારે છે, તેવી જ રીતે અમે ક્રિકેટમાં નવો પ્રયોગ કરવા માગતા હતા, જે રસપ્રદ હતો.” મુંબઈને છેલ્લી બે ઓવરમાં 29 રનની જરૂર હતી, પરંતુ 19મી ઓવરમાં તિલક કોઈ બાઉન્ડ્રી ફટકારી શક્યો નહીં. પાંચમા બોલ બાદ ટીમે તેને પાછો બોલાવીને સેન્ટનરને તક આપી, પરંતુ આ નિર્ણય નિષ્ફળ ગયો. આ ઘટનાએ તિલકને IPLના ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનારો બીજો બેટ્સમેન બનાવ્યો, જેની પહેલાં 2022માં રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સ તરફથી લખનૌ સામે આવું પગલું ભરી ચૂક્યો હતો.
હાર્દિક પંડ્યા પર ઉઠેલા સવાલો
જ્યારે તિલક રિટાયર્ડ આઉટ થયો, ત્યારે સૌથી પહેલો દોષ કેપ્ટન હાર્દિક પંડ્યા પર મૂકવામાં આવ્યો, કારણ કે ક્રિકેટમાં આવા મોટા નિર્ણયો સામાન્ય રીતે કેપ્ટનની સંમતિથી જ લેવાય છે. નિષ્ણાતોએ આ નિર્ણયના સમય અને સેન્ટનરને મેદાને ઉતારવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી. તેમનું કહેવું હતું કે, જો તિલકનું પ્રદર્શન નબળું હતું, તો આ પગલું 2-3 ઓવર પહેલાં લેવું જોઈતું હતું, જેથી ટીમને વધુ સમય મળી શકે. રસપ્રદ વાત એ છે કે હાર્દિક પંડ્યા પોતે પણ અગાઉ ગુજરાત ટાઈટન્સ સામેની એક મેચમાં ધીમી બેટિંગ કરી ચૂક્યો હતો, જ્યાં તેણે 17 બોલમાં માત્ર 11 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારે તેને રિટાયર્ડ આઉટ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નહોતો. આથી, હાર્દિક પર સવાલો ઉઠ્યા કે શું આ નિર્ણયમાં તેની સંમતિ હતી કે તે સંપૂર્ણપણે કોચનો વિચાર હતો. બીજી તરફ, હરભજન સિંહે આ મુદ્દા પર એક પોસ્ટ કરીને મુંબઈ ઈન્ડિયન્સની ટીકા કરી અને લખ્યું, "મારા મતે સેન્ટનર માટે તિલકને નિવૃત્ત કરવો એ ભૂલ હતી. શું સેન્ટનર તિલક કરતાં વધુ સારો હિટર છે? જો તે પોલાર્ડ અથવા અન્ય કોઈ કુશળ હિટર માટે હોત તો હું સમજી શક્યો હોત, પરંતુ હું આ સાથે સહમત નથી. Come on Mumbai Indians."
હનુમાન વિહારી તરફથી પણ આવું જ નિવેદન આવ્યું છે. તેઓ આ માટે હાર્દિક પંડ્યાને દોષી ઠેરવી રહ્યા છે. તેમણે લખ્યું, "તિલક વર્મા સેન્ટનર માટે રિટાયર્ડ આઉટ થયા? મને આ સમજાતું નથી! હાર્દિકે GT (ગુજરાત ટાઇટન્સ) સામે સંઘર્ષ કર્યો પણ છતાં રિટાયર્ડ આઉટ થયો નહીં! તો પછી તિલક વર્મા કેમ?" ઇરફાન પઠાણે પણ આ જ વાત કહી છે. તેમણે લખ્યું, "તિલક વર્મા રિટાયર્ડ આઉટ થયા અને સેન્ટનર આવ્યા? મને સમજાયું નહીં. તમારો શું વિચાર છે?"
નિર્ણયની ટીકા અને ભવિષ્યની ચર્ચા
ક્રિકેટ નિષ્ણાતોએ આ નિર્ણયને ‘ખરાબ રણનીતિ’ ગણાવીને ટીમ મેનેજમેન્ટના આયોજન પર પ્રશ્નો ઉભા કર્યા. તેમનું માનવું હતું કે, 19મી ઓવરમાં આવું પગલું ભરવું એ મેચની જરૂરિયાત સાથે મેળ ખાતું નહોતું, કારણ કે મુંબઈને ઝડપી રનની જરૂર હતી, અને સેન્ટનર જેવા ખેલાડીને ઉતારવાથી કોઈ ફાયદો થયો નહીં. આ ઘટનાએ IPLમાં રિટાયર્ડ આઉટના ઉપયોગને લઈને નવી ચર્ચા ઉભી કરી દીધી છે. જ્યાં એક તરફ તેને નવીનતમ રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી તરફ તેના સમય અને અમલ પર ટીકા થઈ રહી છે. તિલકના રિટાયર્ડ આઉટે મુંબઈની હારને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધી છે, અને ટીમે આગળ જતાં આવા નિર્ણયોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર પડશે તેવી ચૌ તરફથી સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : IPL 2025 : લખનઉ સામે હાર્યા બાદ હાર્દિક પંડ્યાએ એવું શું કહ્યું કે MI ફેન્સ ખુશ થઇ ગયા?