RCB vs GT : રજત પાટિદારની વિસ્ફોટક ઇનિંગના દમ પર બેંગલોરે બનાવ્યા 254 રન
RCB vs GT : IPL 2026 (IPL 2026) ની પહેલી ક્વોલિફાયર મેચ (Qualifier 1)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ધર્મશાલાના HPCA સ્ટેડિયમ (HPCA Stadium Dharamshala) ખાતે ઐતિહાસિક બેટિંગ પ્રદર્શન કર્યું છે. ટોસ (Toss) હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB એ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. આ સ્કોર IPL પ્લેઓફ ઇતિહાસ (IPL Playoff History) નો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. હવે ગુજરાત ટાઇટન્સ સામે જીત માટે 255 રનનું કઠિન લક્ષ્ય (Target) છે.
રજત પાટીદારની તોફાની કેપ્ટન્સી ઇનિંગ
RCB ના કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) એ ટીમ માટે શાનદાર અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેમણે માત્ર 33 બોલમાં અણનમ 93 રન ફટકાર્યા હતા. તેમની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 9 લાંબા છગ્ગાનો સમાવેશ થાય છે. પાટીદારે મેદાનના દરેક ખૂણે શોટ રમી ગુજરાતના બોલરો પર દબાણ બનાવ્યું હતું. અંતિમ ઓવરોમાં તેમની આક્રમક બેટિંગના કારણે RCB એ રનની ગતિ વધુ તેજ બનાવી હતી.
શરૂઆતમાં RCB ને લાગ્યો ઝટકો
બેંગ્લોરની શરૂઆત ખૂબ મજબૂત રહી નહોતી. ઓપનર વેંકટેશ ઐયર (Venkatesh Iyer) એ ઝડપી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે માત્ર 7 બોલમાં 19 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે બીજી ઓવરમાં કાગીસો રબાડા (Kagiso Rabada) એ તેમને આઉટ કરીને ગુજરાતને પ્રથમ સફળતા અપાવી હતી. વેંકટેશે વિરાટ કોહલી (Virat Kohli) સાથે પ્રથમ વિકેટ માટે 21 રનની ભાગીદારી નોંધાવી હતી.
કોહલી અને પડિકલની મજબૂત ભાગીદારી - RCB vs GT
પ્રથમ વિકેટ બાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ (Devdutt Padikkal) એ ટીમની ઇનિંગ સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 72 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કોહલી સારા ફોર્મમાં જોવા મળ્યા હતા અને તેમણે 25 બોલમાં 5 ચોગ્ગા તથા 1 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. બીજી તરફ દેવદત્ત પડિકલે પણ ઝડપી બેટિંગ કરતાં 19 બોલમાં 30 રન નોંધાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જોકે નવમી ઓવરમાં જેસન હોલ્ડર (Jason Holder) એ સતત 2 વિકેટ લઈને RCB ને ઝટકો આપ્યો હતો. તેણે કોહલી અને પડિકલ બંનેને પેવેલિયન પરત મોકલ્યા હતા.
કૃણાલ અને પાટીદારે સંભાળી ઇનિંગ
મધ્યક્રમમાં કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને રજત પાટીદારે ચોથી વિકેટ માટે 95 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. કૃણાલે પણ મહત્વપૂર્ણ યોગદાન આપતાં 28 બોલમાં 23 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. 17મી ઓવરમાં રબાડાએ કૃણાલને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) એ ટિમ ડેવિડ (Tim David) ને માત્ર 4 રન પર આઉટ કર્યો હતો.
જિતેશ શર્માનો અંતિમ ઓવરોમાં ફિનિશિંગ ટચ
અંતિમ ઓવરોમાં જિતેશ શર્મા (Jitesh Sharma) એ ઝડપી બેટિંગ કરીને ટીમના સ્કોરને 250 પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 5 બોલમાં 15 રન બનાવ્યા અને રજત પાટીદાર સાથે છઠ્ઠી વિકેટ માટે 40 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી.
ગુજરાત માટે મુશ્કેલ પડકાર
ગુજરાત ટાઇટન્સે આ મહત્વપૂર્ણ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવન (Playing XI) માં એક ફેરફાર કર્યો હતો. અરશદ ખાન (Arshad Khan) ની જગ્યાએ કુલવંત ખેજરોલિયા (Kulwant Khejroliya) ને તક આપવામાં આવી હતી. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જીતનારી ટીમ સીધી IPL 2026 ની ફાઇનલ (IPL Final) માં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર-2 માં વધુ એક તક મળશે. લીગ સ્ટેજ (League Stage) બાદ બંને ટીમોએ 18-18 પોઈન્ટ સાથે સિઝન પૂર્ણ કરી હતી. જોકે વધુ સારા નેટ રન રેટ (Net Run Rate) ના કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ટેબલ ટોપર રહ્યું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને રહ્યું હતું. બંને ટીમો આ સિઝનમાં ત્રીજી વખત આમને-સામને આવી રહી છે, જેના કારણે આ મુકાબલો વધુ રોમાંચક બન્યો છે.
આ પણ વાંચો : RCB vs GT Qualifier 1 : વરસાદ પડ્યો તો એક પણ બોલ રમ્યા વિના RCB પહોંચશે ફાઇનલમાં! જાણો IPL ના ખાસ નિયમો


