Virat Kohli on Bengaluru stampede : 'મારી પાસે કહેવા માટે શબ્દો નથી...', કોહલીએ પોસ્ટ શેર કરી આપી પ્રતિક્રિયા
- બેંગલુરુ અકસ્માત પર વિરાટ કોહલીની પ્રતિક્રિયા
- કોહલીએ બેંગલુરુ અકસ્માત પર ભાવુક પ્રતિક્રિયા આપી
- મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી : કોહલી
Virat Kohli on Bengaluru stampede : મંગળવારે રાત્રે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પંજાબ કિંગ્સને પરાજય આપીને IPL 2025નું ટાઇટલ પોતાના નામે કરી લીધું. 18 વર્ષની લાંબી રાહ પછી આ ઐતિહાસિક જીતે ટીમ અને તેના ચાહકોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. આ ખુશીની ઉજવણી કરવા RCB ટીમ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે પહોંચી હતી. જોકે, આ ઉજવણીનો માહોલ ટૂંક સમયમાં દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગયો. સ્ટેડિયમની બહાર ચાહકોની અતિ ઉત્સાહી ભીડમાં નાસભાગ મચી જતાં 11 લોકોના કરૂણ મોત થયા અને 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટનાએ ટીમ, ચાહકો અને સમગ્ર રમતજગતને સ્તબ્ધ કરી દીધું છે. હવે આ ઘટના પર RCB ટીમના સૌથી મોટા સુપરસ્ટાર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માની પ્રતિક્રિયા આવી છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ભાવુક પ્રતિક્રિયા
આ દુઃખદ ઘટના બાદ પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમનો સન્માન સમારોહ ચાલુ રહ્યો હતો. જોકે, આ ઘટનાના 24 કલાકની અંદર RCBના સુપરસ્ટાર વિરાટ કોહલીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. RCBનું સત્તાવાર નિવેદન શેર કરતાં તેમણે લખ્યું, 'મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી. હું સંપૂર્ણપણે દુઃખી છું.' વિરાટની આ ભાવનાત્મક પોસ્ટે ચાહકોના હૃદયને સ્પર્શી લીધું. તેમની પત્ની અને જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં RCBની પોસ્ટ પર 3 તૂટેલા હૃદયના ઇમોજી શેર કર્યા. આ દુર્ઘટના દરમિયાન વિરાટે 18 વર્ષની રાહ બાદ IPL ટ્રોફી જીતી હોવા છતાં, આ દુઃખદ ઘટનાએ તેમની ખુશીને ઝાંખી કરી દીધી છે.
View this post on Instagram
RCBનું સત્તાવાર નિવેદન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ઘટના પર પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કરીને ઊંડી શોકસંવેદના વ્યક્ત કરી. ટીમે જણાવ્યું, "અમે મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળેલી આ દુઃખદ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. ટીમના આગમનના સમાચારે બેંગ્લોરમાં ચાહકોની ભીડ એકઠી થઈ હતી, જે દુર્ઘટનામાં પરિણમી. અમારા માટે દરેકની સુરક્ષા અને સુખાકારી સર્વોચ્ચ અગ્રતા છે. અમે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કરીએ છીએ અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ." RCBએ એમ પણ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પોતાના કાર્યક્રમોમાં ફેરફાર કર્યો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કર્યું. ટીમે ચાહકોને સુરક્ષિત રહેવાની અપીલ પણ કરી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના પર CM સિદ્ધારમૈયાનું નિવેદન
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની IPL વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું, જેમાં 11 લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ ઘટનાને 'અનપેક્ષિત અકસ્માત' ગણાવી, અને જણાવ્યું કે 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમ બહાર 3-4 લાખ લોકોની ભીડ એકઠી થઈ, જેના કારણે નાના દરવાજા તૂટી ગયા અને નાસભાગ મચી. ભાજપના આક્ષેપોનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ પર રાજકારણ ન થવું જોઈએ. CMએ મૃતકોના પરિવારોને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય અને ઘાયલોની મફત સારવારની જાહેરાત કરી અને સાથે તેમણે, ઉમેર્યું કે સરકાર અને ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત વિજય પરેડમાં આવી દુર્ઘટનાની કોઈએ કલ્પના નહોતી કરી.
આ પણ વાંચો : IPL 2025 : RCB ની જીત બાદ લાલ રંગમાં રંગાયું બેંગલુરુ, જશ્નમાં મગ્ન થયા ફેન્સ