Jamnagar: કડકડતી ઠંડીમાં પણ ઉત્સાહ, સાયકલોથોનમાં 2500થી વધુ લોકોએ ભાગ લીધો
- Jamnagar માં‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’ અભિયાન
- અભિયાન અંતર્ગત સાયકલોથોનનું આયોજન
- 10 અને 25 કિમીની સાયકલોથોનનું આયોજન
- જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ થઈ સાયકલોથોન
- કડકડતી ઠંડીમાં 2500થી વધુ લોકોએ લીધો ભાગ
- 20 સ્પર્ધકોને મનપા તરફથી ઈનામ સ્વરૂપે આપી સાયકલ
Jamnagar Cyclothon:શહેરમાં સ્વાસ્થ્ય અને સ્વદેશી ભાવનાના સંગમ સમાન એક ભવ્ય સાયકલોથોન (Cyclothon) નું આયોજન આજે વહેલી સવારે કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ સાયકલોથોનમાં શહેરીજનોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. શિયાળાની કાતિલ ઠંડી (Cold) હોવા છતાં, હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને ફિટનેસ અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો.
Jamnagar માં વહેલી સવારે ઠંડીમાં અનોખો ઉત્સાહ
આજે સવારે 5:30 વાગ્યે જ્યારે સૂર્યના કિરણો પણ ધરતી પર પહોંચ્યા ન હતા, ત્યારે જામનગરનું પોલીસ હેડ ક્વાર્ટર હજારો સાયકલ સવારોથી ગુંજી ઉઠ્યું હતું. સવારે સાડા પાંચ વાગ્યે કડકડતી ઠંડીનું મોજું હતું, પરંતુ શહેરીજનોના ઉત્સાહ સામે ઠંડી પણ ગૌણ બની ગઈ હતી. બાળકોથી લઈ વૃદ્ધો અને યુવાનો સહિત અંદાજે 2500 થી વધુ લોકો પોતાના સ્વાસ્થ્ય અને સ્વદેશીના સંકલ્પ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. વાતાવરણમાં ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા, જેનાથી એક અનોખું દેશભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું.
20 વિજેતાઓને સાયકલનું વિતરણ
આ ઇવેન્ટને વધુ રસપ્રદ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલોથોનમાં ભાગ લેનાર તમામ 2500થી વધુ સ્પર્ધકોના રજિસ્ટ્રેશનના આધારે ડ્રો સિસ્ટમ દ્વારા 20 ભાગ્યશાળી વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. આ 20 વિજેતાઓને મહાનગરપાલિકા તરફથી ઈનામ સ્વરૂપે એક-એક સાયકલ ભેટ આપવામાં આવી હતી.
10 અને 25 કિમીની બે કેટેગરીમાં સ્પર્ધા
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સાયકલોથોનને મુખ્યત્વે બે અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. જેમાં પ્રથમ કેટેગરી 10 કિલોમીટરની હતી, જે સામાન્ય નાગરિકો અને બિગીનર્સ માટે હતી, જ્યારે બીજી કેટેગરી 25 કિલોમીટરની હતી, જેમાં પ્રોફેશનલ સાયકલિસ્ટ અને ફિટનેસ ઉત્સાહીઓએ ભાગ લીધો હતો.
સાયકલોથોનનો પ્રારંભ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ફ્લેગ-ઓફ આપીને કરવામાં આવ્યો હતો. ત્યાંથી નીકળીને શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થતી આ સાયકલ રેલીએ શહેરમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો સંદેશો પણ ફેલાવ્યો હતો. આયોજકો દ્વારા રૂટ પર ઠેર-ઠેર સ્વયંસેવકો અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સ્પર્ધકોને કોઈ મુશ્કેલી ન પડે.
આ પણ વાંચોઃ Bharuch: ભરુચમાંથી મોટા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો, 14 મહિલા સહિત 18 લોકોને પોલીસે પકડ્યા