Jamnagar: ધોળા દિવસે યુવકનો જીવ લેનાર આરોપી પકડાયો, જાણો સમગ્ર મામલો
- Jamnagar માં યુવક હત્યા કેસમાં આરોપીની ધરપકડ
- જીતેન્દ્ર ઉર્ફે જયેશ ચાવડા નામના યુવકની થઈ હતી હત્યા
- આરોપી મૃતકનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું
- આરોપી દિલીપ ચૌહાણે છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
- આરોપીની પત્ની મૃતક સાથે સબંધમાં હોવાને લઈ હત્યા
- પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી
Jamnagar Crime:જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનો દિવસ એક ખૂની ખેલ ખેલાયો હતો. ધોળા દિવસે સરા જાહેર એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ જામનગર પોલીસે (Jamnagar Police) હત્યારા આરોપીને દબોચી લીધો હતો અને સમગ્ર મામલા પરથી પડદો ઊંચક્યો હતો. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું કે આ હત્યાનું મૂળ કારણ એક પ્રેમ પ્રકરણ (Love Affair) હતું અને મૃતકનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ જ હતો.
આરોપીની પત્ની સાથે મૃતકને હતા સંબંધો
આ બનાવમાં મૃતક યુવક જીતેન્દ્ર ઉર્ફે જયેશ જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 28) ની દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બુધવારે બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા આરોપી દિલીપ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો સામે આવી તે ચોંકાવનારી હતી. મૃતક જીતેન્દ્ર ચાવડા (Jitendra Chavda) અને આરોપી દિલીપ ચૌહાણ (Dilip Chauhan) બંને પિતરાઈ ભાઈઓ થાય છે. હત્યારો આરોપી દિલીપ ચૌહાણે કબૂલાત કરી હતી કે તેની પત્ની મૃતક જીતેન્દ્ર સાથે રહેતી હતી અને તે જીતેન્દ્ર સાથે લગ્ન કરવા માંગતી હતી. આ પ્રેમસંબંધને કારણે બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. આ જ અદાવત અને ગુસ્સાના કારણે દિલીપ ચૌહાણે ઉશ્કેરાઈને જીતેન્દ્ર પર છરી વડે હુમલો કર્યો હતો અને તેની હત્યાનો અંજામ આપ્યો હતો.
દિલીપ ચૌહાણ વિરુધ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે
આરોપી દિલીપ ચૌહાણની ધરપકડ બાદ પોલીસ તપાસમાં વધુ એક વિગત સામે આવી છે કે, હત્યાના ગુનામાં ઝડપાયેલો આ આરોપી રીઢો ગુનેગાર છે. દિલીપ ચૌહાણ વિરુદ્ધ અગાઉ પણ જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં મારામારી, ધમકી કે અન્ય પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હત્યારા આરોપી દિલીપ ચૌહાણે હત્યાના કૃત્યમાં અન્ય કોઈની મદદ લીધી હતી કે કેમ, અને હત્યાનું પૂર્વઆયોજન હતું કે કેમ, તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલમાં પોલીસે આરોપીના કાયદેસરના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ, ફાયર NOC રિન્યુ ન કરતા કાર્યવાહી