AAP MLA પર હુમલો કે રાજકીય સ્ટંટ? વાયરલ 2 ફોટાએ ઊભા કર્યા સવાલો!
- જામનગરમાં AAPના જૂતાકાંડમાં સૌથી મોટો ટ્વીસ્ટ
- ગોપાલ ઇટાલીયા પર છત્રપાલસિંહ જાડેજાએ ફેંક્યું હતું જૂતું
- છત્રપાલસિંહનો AAPના MLA હેમંત ખવા સાથે સાંઠગાંઠ હોવાનો દાવો
- AAPના MLA હેમંત ખવા સાથે છત્રપાલસિંહનો ફોટો થયો વાયરલ
- છત્રપાલસિંહ અને હેમંત ખવા બંને સાથે નાસ્તો કરતા ફોટોમાં જોવા મળ્યા
- જામજોધપુર વિધાનસભાના AAPના ધારાસભ્ય છે હેમંત ખવા
- બંનેનો ફોટો સામે આવતા AAPએ જાતે જ નાટક કર્યું હોવાનો દાવો!
- શું AAPએ સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે જૂતાકાંડનું કર્યું નાટક?
Jamnagar : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (AAP MLA Gopal Italia) પર જામનગરમાં એક સભા દરમિયાન થયેલા જૂતા ફેંકવાના મામલે રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. આ ઘટના માત્ર એક હુમલા પૂરતી સીમિત ન રહેતા, તેમાં આવેલા એક પછી એક ટ્વીસ્ટે સમગ્ર પ્રકરણને એક ગંભીર રાજકીય ષડયંત્રની દિશામાં વાળી દીધું છે. હુમલાખોરની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે, જેના ફોટા વિરોધી પક્ષો જ નહીં, પરંતુ ખુદ AAPના નેતાઓ સાથે પણ વાયરલ થતાં સસ્તી પ્રસિદ્ધિના રાજકારણ પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
રેલીમાં AAP MLA પર જૂતું ફેંકાયું
જણાવી દઇએ કે, ગોપાલ ઇટાલિયા જામનગરમાં યોજાયેલી બાઇક રેલી અને સભામાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ ઇટાલિયા પર જૂતું ફેંક્યું તે ઘટના બાદ સભામાં હાજર લોકોએ તુરંત જ હુમલાખોરને પકડી લીધો હતો અને તેની મન મુકીને ધોલાઈ પણ કરી હતી. પોલીસે સમયસર પહોંચીને આરોપીની અટકાયત કરી લીધી હતી. જોકે, આ દરમિયાન ઇટાલિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ મૂક્યો હતો કે, પોલીસ હુમલાખોરને બચાવવા માટે આવી પહોંચી છે.
ટ્વીસ્ટ નંબર 1 : શું AAP દ્વારા જ કરાયું 'નાટક'?
આ ઘટનાનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ ફોટોમાં છત્રપાલસિંહ જામજોધપુર વિધાનસભાના AAPના ધારાસભ્ય હેમંત ખવા સાથે બેસીને નાસ્તો કરતા સ્પષ્ટપણે જોવા મળે છે. AAPના MLA સાથે હુમલાખોરની આવી નિકટતા સામે આવતા જ વિરોધી પક્ષો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર જૂતાકાંડ AAP દ્વારા જ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આયોજિત કરાયેલું નાટક હતું. આ વાયરલ ફોટોએ 'સાઠગાંઠ'ના આરોપોને જોર આપ્યું છે.
ટ્વીસ્ટ નંબર 2 : કૉંગ્રેસનું કનેક્શન કે સક્રિય નેતા?
મામલો અહીં જ અટક્યો નથી. છત્રપાલસિંહ જાડેજાનો અન્ય એક ફોટો પણ વાયરલ થયો, જેમાં તે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથે જોવા મળે છે. મળતા અહેવાલો મુજબ, છત્રપાલસિંહ કૉંગ્રેસના સ્થાનિક સ્તરના નેતા હોવાની વાત પણ સામે આવી છે. આ કારણે હવે કૉંગ્રેસ પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે કે શું આ ઘટના AAPના નેતાને બદનામ કરવા માટે કૉંગ્રેસ દ્વારા કરાયેલો પ્રતિકાર હતો? જોકે, કૉંગ્રેસ તરફથી આ મુદ્દે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
જૂતાકાંડમાં ટ્વીસ્ટ : કોંગ્રેસની આવી પ્રતિક્રિયા
જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતા ફેંકવાના વિવાદ પર હવે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાની પ્રતિક્રિયા સામે આવી છે. દિગુભાએ આ જૂતાકાંડમાં કોંગ્રેસનો ક્યાંય હાથ ન હોવાનો કહ્યું છે. તેમણે ઘટનાની પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આ હુમલો ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં કરેલા જૂના વ્યવહારનો વ્યક્તિગત બદલો પણ હોઈ શકે છે. જોકે, તેમણે આ મામલાને વધુ ગૂંચવતા કહ્યું કે, હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાનો ફોટો AAPના ધારાસભ્ય સાથે વાયરલ થયો છે, જે દર્શાવે છે કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સ્વયં આમ આદમી પાર્ટી દ્વારા જ આખો બનાવ ઊભો કરવામાં આવ્યો હોવાની શક્યતા પણ છે. આમ, શહેર કોંગ્રેસ પ્રમુખે જૂતાકાંડમાંથી પોતાનો પક્ષ સંપૂર્ણપણે અલગ રાખવાની સાથે જ ઇટાલિયાના અંગત વ્યવહાર અને AAPના રાજકીય સ્ટંટ પર સવાલ ઉઠાવ્યા હતા.
ચૂંટણીનો માહોલ અને રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદને જામનગરની રાજકીય પૃષ્ઠભૂમિમાં જોવો જરૂરી છે. આગામી ત્રણેક માસમાં જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેના કારણે તમામ પક્ષો સક્રિય બન્યા હોવાનું જનમુખે ચર્ચાઓ રહ્યું છે. બે દિવસ પહેલા જ વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી સહિત અન્ય 2 કોર્પોરેટર (અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા) અને તેમના સમર્થકોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી AAPમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી AAPમાં ચાલી રહેલા આ મોટા પાયે 'પક્ષપલટા' બાદ આ જૂતાકાંડની ઘટના બનવાથી રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
નોંધ - ગુજરાત ફર્સ્ટ ઉપર દર્શાવવામાં આવેલા બંને ફોટાની પુષ્ટી કરતું નથી...
આ પણ વાંચો : Gopal Italia : MLA ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકનાર શખ્સ કોણ ? Video આવ્યો સામે!