કડદા પ્રથા મુદ્દે અવાજ ઉઠાવનાર પ્રવીણભાઇ રામ સહિતના આપ નેતા 108 દિવસ બાદ જેલમુક્ત
- કદડા પ્રથા મુદ્દા અવાજ ઉઠાવનાર નેતાઓ જેલમુક્ત
- પ્રવીણભાઇ રામ, રાજુભાઇ કરપડા, રમેશભાઇ મેર જેલમુક્ત થયા
- ઇસુદાનભાઇ ગઢવી, હેમંતભાઇ ખાવા, અજીતભાઇ લોખીલ સહિતના ટોચના નેતાઓ દ્વારા સ્વાગત
- 108 દિવસ જેલમાં રહ્યા છીએ, તો હવે 108ની જેમ ગુજરાતની જનતા માટે કામ કરીશું - પ્રવિણભાઇ રામ
- પ્રવીણભાઇ રામ અને રાજુભાઇ કરપડા 54 લાખ ખેડૂતોનો અવાજ બન્યા: ઈસુદાનભાઇ ગઢવી
તાજેતરમાં બોટાદમાં કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઇ રામ, રાજુભાઇ કરપડા, રમેશભાઇ મેર સહિતનાઓએ અવાજ ઉઠાવ્યો હતો. જે વિરોધ અંગે બાદમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અને પ્રવીણભાઇ રામ સહિતના આગેવાનોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે તમામનો 108 દિવસના જેલવાસ બાદ આજે છુટકારો થયો છે. જેલ મુક્તિ બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાનભાઇ ગઢવી, હેમંતભાઇ ખાવા, અજીતભાઇ લોખીલ સહિતના ટોચના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
પોલીસ ફરિયાદ બાદ જેલમાં ધકેલાયા
થોડાક સમય પહેલા બોટાદમાં કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઇ રામ, રાજુભાઇ કરપડા, રમેશભાઇ મેર, હંસરાજભાઇ ભાલાળા, વિપુલભાઇ હરિયાણી, વિપુલભાઇ મકવાણા, અને જીતેન્દ્રભાઇ ગોવિંદિયા સહિતનાઓએ અવાજ ઉઠાવતા વિરોધ કર્યો હતો. જે બાદ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઇ હતી. અંતે તમામને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આજે 108 દિવસ બાદ પ્રવીણભાઇ રામ સહિતના નેતાઓને જેલમાંથી છુટકારો થયો છે.
ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારની લડાઈ લડતા જેલમાં ગયેલા AAP નેતા શ્રી @PravinRam_ , શ્રી રમેશ મેર સહિત AAP નેતાઓ અને ખેડૂતો આજે જેલમુક્ત થયા ત્યારે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi , ધારાસભ્ય શ્રી@KhavaHemat સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, યુથ વિંગ પ્રમુખ… pic.twitter.com/kmqTiSViV7
— AAP Gujarat (@AAPGujarat) February 1, 2026
ખેડૂતો માટે લડતા રહીશું : પ્રવીણભાઇ રામ
જેલમાંથી મુક્ત થયેલા આપના આગેવાનોને આવકારવા માટે પાર્ટીના નેતાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આપ નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સંબોધન કરતા પ્રવીણભાઇ રામે કહ્યું કે, અમે 108 દિવસ જેલમાં રહ્યા છીએ, અમે જેલમાંથી તૂટીને નહીં પણ મજબૂત થઇને આવ્યા છીએ, અમે આગામી સમયમાં પણ ખેડૂતો માટે લડતા રહીશું, ખેડૂતો માટેની લડાઇ અટકવાની નથી, પાર્ટીના શિર્ષસ્થ નેતૃત્વ અને મીડિયાના મિત્રોના આ લડાઇમાં સાથ આપવા બદલ આભાર. બોટાદ ખાતે જે પણ લોકો પર ષડયંત્ર કરીને ફરિયાદ કરવામાં આવી, એમાંથી એક પણ વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકતો પુરાવો નથી, તેમ છતાં એમને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, 108 દિવસ જેલમાં રહ્યા છીએ, તો હવે 108ની જેમ ગુજરાતની જનતા માટે કામ કરીશું
54 લાખ ખેડૂતોનો અવાજ બન્યા : ઇસુદાનભાઇ ગઢવી
વધુમાં પ્રવીણભાઇ રામે જણાવ્યું કે, હડદડ ખાતે અમે સતત લોકોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો, હજુ પણ ઘણા બધા વેપારીઓ કડદો કરે છે અને સરકારના પરિપત્રનું અમલીકરણ થયું નથી. આ તકે પ્રેસ કોન્ફરન્સમાં આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઇ ગઢવીએ કહ્યું કે, પ્રવીણભાઇ રામ અને રાજુભાઇ કરપડા 54 લાખ ખેડૂતોનો અવાજ બન્યા છે, તેમણે ખેડૂતોને વિનંતી કરતા કહ્યું કે, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપનું સમર્થન કરે. પાર્ટીના નેતા રમેશભાઇ મેરે કહ્યું હતું કે, ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર આંદોલન ચલાવવામાં આવશે.


