Jamnagar: હાપામાં મસાલા કંપનીમાં અગ્નિતાંડવ, કરોડોના સૂકા મરચા બળીને ખાખ!
- Jamnagar: હાપાની મસાલા કંપનીમાં ભીષણ આગ
- મધુસુદન કંપનીના ગ્રાઉન્ડમાં અચાનક આગ લાગી
- બપોર બાદ સૂકા મરચાના જથ્થામાં અગ્નિતાંડવ
Jamnagar Fire Incident: જામનગર નજીક આવેલા હાપા (Hapa) ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જાણીતી મસાલા બનાવતી મધુસુદન કંપની (Madhusudan Company) માં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વિશાળ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા સૂકા મરચાના જથ્થામાં અચાનક આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી.
આગ એટલી પ્રચંડ હતી કે હજારો ટન સૂકા મરચા બળવાને કારણે આસપાસના વિસ્તારમાં તીખો અને ઘાટો ધુમાડો પ્રસરી ગયો હતો. આ ઝેરી અને તીખા ધુમાડાના કારણે આસપાસમાં રહેતા લોકો અને રાહદારીઓના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આસપાસના રસ્તાઓ પર અવરજવર મર્યાદિત કરવામાં આવી હતી.
Jamnagar: ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડ (Jamnagar Fire Brigade) ની ટીમ અનેક ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં કરોડો રૂપિયાની કિંમતનું સૂકું મરચું બળીને ખાખ થઈ ગયું છે, જેનાથી કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે.
આગનું કારણ અકબંધ
ભીષણ આગ કયા કારણોસર લાગી તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Jetpur: સોના જેવો ઘઉંનો પાક રાખમાં ફેરવાયો! PGVCL ની બેદરકારીના આક્ષેપ, જાણો કેવી રીતે લાગી આગ?

