ક્વાર્ટરમાં પંખા સાથે લટકેલી મળી લાશ, જામનગર એરફોર્સ સાર્જન્ટના મોતથી પરિવારમાં આક્રંદ
Jamnagar Air Force Station: જામનગર (Jamnagar) ના એરફોર્સ સ્ટેશન (Air Force Station) માંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક સાર્જન્ટ (Sergeant) એ પોતાના સરકારી ક્વાર્ટરમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનાની જાણ સૌથી પહેલાં મૃતકની પત્નીને થઈ હતી, જેમણે તાત્કાલિક ધોરણે આ અંગેની માહિત એરફોર્સના ઉચ્ચ અધિકારીઓને આપી હતી. ત્યારબાદ આ ગંભીર બાબતથી જામનગર સ્થાનિક પોલીસને અવગત કરવામાં આવી હતી.
મૃતકની ઓળખ થઈ, હરિયાણાના વતની હતા
પોલીસ અને એરફોર્સના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આત્મહત્યા કરનાર સાર્જન્ટની ઓળખ રોહિતભાઈ ધનખડ (Rohitbhai Dhankhar) તરીકે થઈ છે. તેઓ મૂળ હરિયાણા (Haryana) રાજ્યના વતની હોવાનું બહાર આવ્યું છે અને હાલમાં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ફરજ પર તૈનાત હતા. લશ્કરી છાવણીની અંદર એક સૈન્ય અધિકારી દ્વારા આ પ્રકારે આત્મહત્યાનું આકરું પગલું ભરી લેવાતા એરફોર્સના જવાનો અને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આપઘાતનું કારણ અકબંધ, સિટી 'સી' ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ જામનગર સિટી 'સી' ડિવિઝન (City 'C' Division) પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોત (Accidental Death - A.D.) ની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાર્જન્ટ રોહિતભાઈએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા મૃતકના ક્વાર્ટરની તપાસ અને પરિવારજનોની પૂછપરછ કરીને આપઘાત પાછળનું રહસ્ય શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.


