Jamnagar Rape Case news: માસૂમ બાળકીનું અપહરણ કરી ગુજાર્યું દુષ્કર્મ, નરાધમને કોર્ટે આપી આકરી સજા
Jamnagar POCSO Court: જામનગરની પોક્સો કોર્ટે સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. જામજોધપુર પંથકમાં 12 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરનાર નરાધમ મયુર સોલંકીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદાને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતી ઘટના?
ઘટનાની વિગત મુજબ, જામજોધપુરમાં મામલતદાર કચેરી પાછળના વિસ્તારમાંથી આરોપી મયુર સોલંકીએ 12 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરી હતી.
કોર્ટનું કડક વલણ
કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં મજબૂત દલીલો કરવામાં આવી હતી. તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને પોક્સો કોર્ટે આરોપી મયુર સોલંકીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 20 વર્ષની કેદની સજાની સાથે સાથે પીડિતાને 4 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદાથી ન્યાયતંત્રમાં પીડિતાને ન્યાય મળવાની આશા વધુ દ્રઢ બની છે.


