Jamnagar News: આજે જામનગરના અનેક વિસ્તારોમાં પાણીનો કાપ, જાણો તમારા ઘરે ક્યારે આવશે પાણી!
Jamnagar News: જામનગર શહેરમાં આજે પાણી પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. શહેરના જી.જી. હોસ્પિટલ વિસ્તાર નજીક આવેલી મુખ્ય પાણીની લાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા મનપાના તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ટેકનિકલ ખામીના કારણે સોલેરિયમ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં આજે પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમારકામ ચાલુ
જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચારણીયાએ જણાવ્યું હતું કે, "મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તાત્કાલિક અસરથી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે સોલેરિયમ વિસ્તારમાં ફ્લોમીટર લગાવવાની કામગીરી પણ અત્યારે જ પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં પાણીના વિતરણનું સચોટ માપન થઈ શકે."
15 થી 20 હજાર મકાનોમાં પાણી પુરવઠો ખોરવાયો
આ કામગીરીના કારણે ખાસ કરીને પટેલ કોલોની, ગાંધીનગર, મુમાઈનગર સહિતના સોલેરિયમ ઝોન હેઠળના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. અંદાજિત આંકડા મુજબ આ વિસ્તારના 15 થી 20 હજાર મકાનોમાં પાણી પુરવઠો ખોરવાયો છે. પાઈપલાઈનનું કદ મોટું હોવાથી મરામત માટે વિશેષ સાધનો અને કુશળ કામદારોની ટીમ તૈનાત કરવામાં આવી છે.
આવતીકાલ સવારથીવિસ્તારોમાં પાણીનું વિતરણ કરાશે
મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઈપલાઈનના ભંગાણને સુધારવાની કામગીરી આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવાની સંભાવના છે. જો કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે, તો આવતીકાલ સવારથીવિસ્તારોમાં પાણીનું વિતરણ ફરીથી સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવશે. હાલમાં મનપાની ટીમ સતત આ કામગીરી પર નજર રાખી રહી છે જેથી લોકોને શક્ય તેટલી વહેલી રાહત મળી શકે.
તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને આ કામગીરી દરમિયાન સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. લાંબા સમયથી પાઈપલાઈનનું આ કામ પેન્ડિંગ હતું, જે આજે પૂર્ણ કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ Jamnagar News: 'હત્યા કેસમાં ફસાવી દઈશું', ધમકી આપી ગ્રાહક સાથે લાખો રૂપિયાની લૂંટ


