Visavadar By election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.આર. પાટીલે ભાજપનો પ્રચાર શરૂ કર્યો
- કડી અને વિસાવદર બેઠક માટે આગામી 19મી જુને પેટા ચૂંટણીનું મતદાન
- બન્ને બેઠકો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ
- ભાજપના ઉમેદવાર કીરીટભાઇ પટેલના સમર્થનમાં વિવિધ જગ્યાએ બેઠકો કરી
Visavadar By election: ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક માટે આગામી 19મી જુને પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. હાલ બન્ને બેઠકો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ બની જવા પામી છે. આજે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ અને કેન્દ્રીય જળ શકિત મંત્રાલય સી.આર. પાટીલ આજે ભાજપના ઉમેદવારો માટે બન્ને બેઠકો પર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. સામાન્ય રીતે વિધાનસભાની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષો માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવતી હોતી નથી પરંતુ પ્રતિષ્ઠાના જંગ સમી આ વખતની પેટા ચૂંટણી માટે 40-40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.
ભાજપના ઉમેદવાર કીરીટભાઇ પટેલના સમર્થનમાં વિવિધ જગ્યાએ બેઠકો કરી
આજે સવારે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વિસાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કીરીટભાઇ પટેલના સમર્થનમાં વિવિધ જગ્યાએ બેઠકો કરી હતી અને સભાઓ સંબોધી હતી. દરમિયાન આજે સાંજે તેઓ કડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં 5 થી 7 કલાક દરમિયાન કડીના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભા અને બેઠકો યોજાશે. વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો પ્રચાર શરૂ કર્યો છે.
ભેંસાણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સભા યોજાઇ
ભેંસાણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સભા યોજાઇ છે. જેમાં કોંગ્રેસ અને AAP પર સી.આર.પાટીલે પ્રહાર કરતા જણાવ્યું છે કે ભાજપ હારી જાય એવુ વિચારવાનું બંધ કરી દેજો. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ ગઈ છે. ગયા વખતે નજીવા અંતરે જ હાર થઈ હતી. આ વખતે નહીં, હવે હંમેશ માટે વિસાવદરમાં ભાજપ જીતશે. હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી વિકાસ માટે ભાજપમાં જોડાયા છે.
ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટી સ્વીકારતી નથી : સી.આર. પાટીલ
ભેસાણની ધરતી સંતો અને સાવજની ભૂમી છે. દિલ્હીથી આવેલ નેતાઓએ 136 સીટો પર ડીપોઝીટ ગુમાવી છે. આખો દેશ મોદી સાહેબના નેતૃત્વમા વિકાસ કરી રહ્યો છે. વિસાવદર વંચીત ના રહી જાય. ભાજપ ક્યારેય હારવાનુ શીખી નથી. વિરોધીઓની ખોટી વાતોમાં આવતા નહી. કીરીટ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો. દિલ્હીથી આવેલ નેતા ચેલેન્જ આપીને ગયા છે. ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટી સ્વીકારતી નથી.
આ પણ વાંચો: Covid19: અમદાવાદમાં કોરોનાની સારવાર લેતી મહિલા દર્દીનું મૃત્યુ થયુ