Jasadhar Animal Care Centre માં વધુ એક સિંહનું મોત! ઉચ્ચ અધિકારીઓ રાતોરાત દોડ્યા!
Gir Forest Lion Death: અમરેલી (Amreli) જિલ્લાના ગીર (Gir) જંગલ વિસ્તારમાંથી સિંહોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જસાધાર એનિમલ કેર સેન્ટર (Jasadhar Animal Care Centre) ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા વધુ એક સિંહનું મોત નીપજ્યું છે, જેને પગલે વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, જસાધાર એનિમલ કેર સેન્ટરમાં અગાઉથી જ સિંહોની તબિયત પર દેખરેખ રાખવામાં આવી રહી હતી. તેમાંથી વધુ એક સિંહનું મોત થતાં વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે એવા ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે કે ગીરમાં સિંહોના મોતના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ ધારણા કરતાં વધુ ગંભીર હોઈ શકે છે. વન્યજીવોના નિષ્ણાતો શંકા જતાવી રહ્યા છે કે જો યોગ્ય પગલાં તાત્કાલિક નહીં લેવાય, તો આગામી દિવસોમાં સિંહોના મોતના આંકડા હજુ પણ વધી શકે છે.
અન્ય રેન્જમાંથી અનુભવી અધિકારીઓ બોલાવાયા
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કટોકટીના પગલાં લેવામાં આવ્યા છે. એસીએફ (ACF), આરએફઓ (RFO) અને અન્ય સ્ટાફના તમામ કર્મચારીઓને તાકીદે જસાધાર રેન્જ (Jasadhar Range) માં હાજર થવા માટે કડક હુકમ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અન્ય રેન્જમાંથી અનુભવી ઓફિસરોને તાત્કાલિક અસરથી બોલાવવાની ફરજ પડી છે. આ ઓપરેશન હેઠળ એસીએફ રાજન જાદવ (Rajan Jadav), આરએફઓ 5 અનુભવી અધિકારીઓ, 11 જેટલા ફોરેસ્ટર કર્મચારીઓ અને સ્ટાફને ઘટનાસ્થળે તૈનાત થવા જણાવાયું છે.
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ગીર તરફ રવાના
આ ઘટનાને પગલે રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા છે. સિંહોના મોતના ચોક્કસ કારણો જાણવા અને જસાધાર કેર સેન્ટરની સ્થિતિની જાત-તપાસ કરવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો એક વિશેષ કાફલો થોડી જ વારમાં ગીર ખાતે પહોંચી રહ્યો છે. આ અધિકારીઓની દેખરેખ હેઠળ સિંહના મૃતદેહનું પીએમ (Post-Mortem) કરવામાં આવશે જેથી મોતના સાચા કારણો કોઈ વાયરસ, ઇન્ફેક્શન કે અન્ય કોઈ બીમારીનો પર્દાફાશ થઈ શકે.
આ પણ વાંચો: Junagadh lion deaths પર નિષ્ણાતનો મોટો દાવો: "બેબેસીયા જેવા રોગો કુદરતી, ચિંતા કરવાનું કોઈ કારણ નથી"


