Gujarat APMC Election 2026: ગુજરાતભરમાં આજે વિવિધ માર્કેટિંગ યાર્ડ (APMC) અને સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે સહકારી રાજકારણ ગરમાયું છે. બનાસકાંઠાના ધાનેરા APMC માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે, જ્યાં ખેડૂત વિભાગ માટે 8 બુથ અને વેપારી વિભાગ માટે 1 બુથ પર મતદાન યોજાઈ રહ્યું છે. ધાનેરા APMCની કુલ 14 બેઠકો માટે 35 ઉમેદવારો મેદાનમાં છે અને આગામી 5 વર્ષ માટે ડિરેક્ટરો નક્કી કરવા માટે 2935 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે ભાજપ સામે ખુદ ભાજપના જ ઉમેદવારો મેદાને આવતા રાજકારણ ગરમાયું છે અને આવતીકાલે આ બેઠકોના પરિણામો જાહેર થશે.
બહુચરાજી માર્કેટયાર્ડ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન
મહેસાણાની બહુચરાજી માર્કેટયાર્ડની ચૂંટણી માટે પણ આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભાજપના 10 ઉમેદવારો સામે કોંગ્રેસના એક ઉમેદવારે ઝંપલાવ્યું છે. વેપારી વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવારો અગાઉ જ બિનહરીફ થઈ ચૂક્યા છે. કુલ 367 મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરી રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયાના કારણે માર્કેટયાર્ડમાં આજે હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે તથા સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.
ઇડર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ
સાબરકાંઠા જિલ્લાના ઇડર એપીએમસીની ચૂંટણીમાં પણ સવારથી જ રસાકસીભર્યો જંગ શરૂ થઈ ગયો છે. ઇડર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રણ અલગ-અલગ પેનલો એટલે કે ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ, કિસાન એકતા પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ત્રિપાંખીયા જંગ જેવો માહોલ છે, જ્યાં ઉમેદવારો મતદારોને રીઝવતા જોવા મળ્યા છે. હાલના તબક્કે વેપારી વિભાગમાં પણ રાસકસી જોવા મળશે. તેમજ અહીં ખેડૂત વિભાગમાં 36 ઉમેદવારો માટે 991 સભાસદો અને અન્ય વર્ગમાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જયારે ખેડૂત વિભાગમાં 57 મતદારો મતદાન કરી 7 માંથી 4 નું ભાવિ નક્કી કરશે. આમ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સાબરકાંઠા બેંકના ડિરેક્ટર સતીશ પટેલ ભાજપ વિરુદ્ધમાં ચૂંટણી લડી રહ્યા હોવાથી સહકારી નેતાઓનું ટેન્શન વધ્યું છે. આવતીકાલે મતગણતરી યોજાશે.
મોરબી માર્કેટિંગ યાર્ડની 14 બેઠકો માટે મતદાન ચાલુ
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પણ આજે સહકાર પેનલ સામે ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. મોરબી APMCની કુલ 14 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો છે. આ ચુંટણીમાં 105 જેટલી સહકારી મંડળીઓના 1500 જેટલા મતદારો ભાગ લઈ રહ્યા છે અને આવતીકાલે તેની મતગણતરી હાથ ધરાશે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મહિલાઓનો ઉત્સાહ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ થયું છે, જેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મહિલા મતદારોએ પણ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો છે. માર્કેટિંગ યાર્ડની કુલ 16 બેઠકો પૈકી વેપારી અને સહકારી વિભાગની 6 બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ ચૂકી છે અને સહકારી આગેવાન કિરીટ પટેલ પણ સહકારી વિભાગમાંથી બિનહરીફ થયા છે. આ 10 બેઠકો પર 17 ઉમેદવારો મેદાનમાં છે અને 955 મતદારો સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરશે.
સહકારી આગેવાન કિરીટ પટેલનો હુંકાર
સહકારી આગેવાન કિરીટ પટેલે હુંકાર કરતા જણાવ્યું છે કે આવતીકાલે 45 ગામના ખેડૂત મતદારો કોંગ્રેસ અને આપ પાર્ટીને તમાચો મારશે અને ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો જ વિજય થશે, તેમજ બોગસ મંડળીઓના આક્ષેપો પાયાવિહોણા છે અને તમામ ખેડૂતો ભાજપની સાથે છે, સાથે જ કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડનું સુકાન સંભાળે તેવી પ્રબળ શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Rajkot Lodhika Sangh Election: લોધિકા સંઘ ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, મેન્ડેટ વિરુદ્ધ લડેલા ભાજપના બે બળવાખોરોની જીત