Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં શ્રદ્ધા સાથે ખીલવાડ, અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની મહેફિલનો વાયરલ વીડિયો

જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. તંત્રએ તાત્કાલિક ધોરણે 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી પ્રવેશબંધી ફરમાવી છે. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે, જ્યારે સાધુ-સંતોએ આ ઘટનાને ગિરનારની ગરિમાને લાંછન ગણાવી શુદ્ધિકરણની માંગ કરી છે.
junagadh માં શ્રદ્ધા સાથે ખીલવાડ  અંબાજી મંદિરના ભંડારામાં દારૂ માંસાહારની મહેફિલનો વાયરલ વીડિયો
Advertisement
  • Junagadh Viral Video: અંબાજી મંદિરમાં ગેરકાયદે પ્રવૃતિ
  • મંદિરના ભંડારામાં નોનવેજ પાર્ટીનો કથિત વીડિયો વાયરલ
  • વાયરલ વીડિયોને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી

Junagadh Viral Video: જૂનાગઢ ના વિશ્વપ્રસિદ્ધ ગિરનાર (Girnar) પર્વત પર આવેલા આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી મંદિર (Ambaji Temple) માંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા એક કથિત વીડિયોમાં મંદિરના ભંડારાના રૂમમાં બે થી ત્રણ શખ્સો બેફામ ગાળાગાળી કરતા અને દારૂ તેમજ માંસાહારની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે. પવિત્ર શક્તિપીઠ પર આવી અનૈતિક પ્રવૃત્તિનો વીડિયો સામે આવતા જ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે અને ભારે ખળભળાટ મચી ગયો છે.

Junagadh Viral Video: 10 પૂજારીઓ અને 1 રસિયો સસ્પેન્ડ

આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા વહીવટી તંત્ર (Administrative System) હરકતમાં આવ્યું છે. કથિત વીડિયોમાં દેખાતા અને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની આશંકા ધરાવતા 10 પૂજારીઓ અને એક રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે. સાથે જ એક રસિયાને પણ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ તમામ શખ્સોના મંદિર પરિસરમાં પ્રવેશ પર પણ કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભક્તોની સુવિધા અને પૂજા અર્ચના જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવા બે પૂજારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.

Advertisement

Junagadh Viral Video: કલેક્ટર અને SDM દ્વારા તપાસનો ધમધમાટ

જૂનાગઢના કલેક્ટર (Collector) દ્વારા આ ઘટના અંગે ઊંડી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભંડારામાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને વીડિયોની સત્યતા ચકાસવા માટે એસ.ડી.એમ. (SDM) ને ઝીણવટભરી તપાસ સોંપવામાં આવી છે. તપાસ સમિતિએ વીડિયોમાં દેખાતા શખ્સો કોણ છે અને આ મહેફિલ ક્યારે યોજાઈ હતી તે અંગેનો વિગતવાર અહેવાલ સબમિટ કરવાનો રહેશે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

Advertisement

શુદ્ધિકરણની માંગ

આ ઘટનાને લઈ જૂનાગઢના સાધુ-સંતોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગિરનારના જાણીતા સંત મહેશગિરી બાપુએ (Maheshgiri Bapu) આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવતા કહ્યું કે, "આ ગિરનારની પવિત્ર ગરિમાને લાંછન લગાડનારી ઘટના છે. જે લોકોએ આ પાપ કર્યું છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ." વધુમાં, સંતોએ એવી પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ અશુદ્ધિ બાદ ગિરનાર પર્વત અને અંબાજી મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવે. જો તંત્ર મંજૂરી આપશે તો મહેશગિરી બાપુએ પોતે શુદ્ધિકરણ વિધિ માટે તૈયારી દર્શાવી છે.

અમને ખોટી રીતે ફસાવ્યા: પૂજારીઓ

ગિરનાર પર્વત પર કથિત દારૂ અને નોનવેજ પાર્ટી મુદ્દે પૂજારીઓને સસ્પેન્ડ કરતાં મૌન તોડ્યું છે. વાયરલ વીડિયો મુદ્દે હવે VHP અને બજરંગ દળ સાથે જોડાઈ પૂજારીઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે. જેમાં પૂજારીઓનું કહેવું છે કે અમને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા છે. ઘટના સમયે અમે ત્યાં હાજર ન હતા. અમને ખોટી રીતે સંડોવ્યા છે. અમારી માંગણી છે કે યોગ્ય તપાસ થાય અને અમને ફરી થી સેવા પૂજા કરવાનો હક મળે. VHP એ કહ્યું સાચા લોકો દંડાય છે અને આરોપીઓ નિર્દોષ છૂટે છે. આવી ઘટનાઓ વારંવાર બનશે તો વિશ્વ હિંદુ પરિષદે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા પર સવાલો

મંદિરના ભંડારા જેવી સુરક્ષિત જગ્યાએ દારૂ અને માંસાહાર કઈ રીતે પહોંચ્યા તે એક મોટો સવાલ છે. ચર્ચા મુજબ, મંદિર સાથે સંકળાયેલા જૂના કર્મચારીઓ અને પૂજારીઓ જ આ પ્રવૃત્તિમાં સામેલ હોવાથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. હાલમાં ગિરનાર પર્વત પર પોલીસ બંદોબસ્ત અને દેખરેખ વધારી દેવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચોઃ Junagadh: હવે પછી રવેડીમાં સંસારીઓ નહીં જોડાઈ શકે? મુખ્યમંત્રીને લખાયો પત્ર

Tags :
Advertisement

.

×