Junagadh News: જૂનાગઢના ગણેશનગરમાં વસવાટ કરતા 83 જેટલા પરિવારો હાલમાં ભારે ચિંતા અને ગભરાટમાં મુકાયા છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારના સ્થાનિકોને જમીનના આધાર-પુરાવા રજૂ કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
શું છે સમગ્ર મામલો?
જૂનાગઢના ગણેશનગર વિસ્તારમાં અંદાજે 83 જેટલા પરિવારો દાયકાઓથી વસવાટ કરે છે. વન વિભાગની નોટિસ મુજબ, જો બે દિવસમાં યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ, સ્થાનિકોનો દાવો છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી અહીં રહે છે અને નગરપાલિકાના સમયથી લઈને અત્યાર સુધી મહાનગરપાલિકાના તમામ વેરા પણ નિયમિત ભરે છે. આટલા વર્ષો બાદ નોટિસ મળતા લોકો મુંઝવણમાં છે. નોંધનીય છે કે અગાઉ પણ જ્યારે આવી નોટિસ મળી હતી, ત્યારે પુરાવા રજૂ કર્યા બાદ કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.
વન વિભાગે શું કહ્યું ?
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર ગિરનાર અભયારણ્યની હદમાં આવે છે. સિંહ સહિતના હિંસક વન્યપ્રાણીઓની આ વિસ્તારમાં અવરજવર રહેતી હોવાથી સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓના ભાગરૂપે આ નોટિસ આપવામાં આવી છે. હાલમાં કેટલાક સ્થાનિકોએ ઓફિસે આવીને પોતાના દસ્તાવેજો રજૂ કર્યા છે, જેનો અભ્યાસ કરીને આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: RE-NEET Exam 2026: અમદાવાદ સહિત રાજ્યભરમાં RE-NEET ની તૈયારીઓનો ધમધમાટ, 77 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા