Operation Mule Hunt: જૂનાગઢ પોલીસે રુ. 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો!
- Junagadh થી દુબઈ સુધીનું કનેક્શન (Operation Mule Hunt)
- 192 ફરિયાદો અને રુ.300 કરોડથી વધુનું સ્કેમ!
- 9 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા!
- 5 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી
Junagadh Police's Operation Mule Hunt: દેશભરમાં સાયબર ફ્રોડની વધતી જતી ઘટનાઓ વચ્ચે જૂનાગઢ પોલીસે (Junagadh Police) એક એવી સફળતા મેળવી છે જેનાથી સમગ્ર દેશની તપાસ એજન્સીઓ ચોંકી ઉઠી છે. ઓપરેશન મ્યુલ હંટ (Operation Mule Hunt) હેઠળ જૂનાગઢ એલસીબી અને એ-ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ગુજરાત સહિત દેશભરમાં ફેલાયેલા એક મસમોટા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્ક (International Cybercrime Network) નો પર્દાફાશ કર્યો છે. આ તપાસમાં રુ. 305 કરોડથી વધુની છેતરપિંડીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
Operation Mule Hunt: નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું?
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે કે આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો અલીમહમદ ઠેબા અને રાજુ ભાવનગરી હતા. આક્ષેપ છે કે આ આરોપીઓ સાયબર માફિયાઓ માટે 'બેંક એકાઉન્ટ' (મ્યુલ એકાઉન્ટ્સ) પૂરા પાડવાનું કામ કરતા હતા. તેઓ ગરીબ અને ભોળા લોકોના દસ્તાવેજો મેળવી, તેમના નામે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. આ ખાતાઓની ચેકબુક અને ડેબિટ કાર્ડ આરોપીઓ પોતાની પાસે જ રાખતા હતા. જ્યારે પણ ઓનલાઇન ગેમિંગ કે અન્ય સાયબર ફ્રોડ દ્વારા કોઈની સાથે છેતરપિંડી થાય, ત્યારે તે નાણાં આ ભાડે રાખેલા ખાતાઓમાં મંગાવવામાં આવતા હતા. ત્યારબાદ આ રકમ દુબઈ સ્થિત ઈરફાન જાદુગર નામના શખ્સને ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ સાંસદ Geniben Thakor ને ચેલેન્જ આપનાર ભુવાજીએ માફી માંગવી પડી!, જાણો શું કહ્યું?
અત્યાર સુધી રુ. 9.43 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો!
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી સેંકડો ફરિયાદોની કડીઓ જોડતા જાણવા મળ્યું કે, કુલ 192 ફરિયાદો આ આરોપીઓ દ્વારા સંચાલિત ખાતાઓ સાથે સીધી રીતે જોડાયેલી છે. આ ફરિયાદોમાં કુલ રુ. 305 કરોડથી વધુની રકમની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને 52 એવા બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં રુ. 9.43 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા છે.
જૂનાગઢ પોલીસની કાર્યવાહી
DySP હિતેશ ધાંધલીયાએ ઊંડી તપાસની વિગતો આપતા જણાવ્યું કે, દોલતપરા સ્થિત 'પ્રાઈમ ટ્રેડિંગ કંપની'ના શંકાસ્પદ ખાતાઓ ટેકનિકલ સોર્સ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. આ 52 એકાઉન્ટ્સ પર NCCRP પોર્ટલ પર કુલ 192 ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે આ મામલે કુલ 14 આરોપીઓમાંથી હાલ 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અલીમહમદ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફ કાનો, અંજુમ ચૌહાણ અને સાહિલ સમાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 4 આરોપીઓને હસ્તગત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડી તપાસ હાથ ધરી છે અને ફરાર અન્ય 10થી વધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલ આરોપીઓ
1. અલીમહમદ હબીબભાઈ ઠેબા
2. ઇમ્તિયાઝ ઉર્ફે બકરો હીંગરોજા
3. અજય ઉર્ફ કાનો જાડીયો
4. અંજુમ કાળુભાઈ ચૌહાણ
5. સાહીલ જૂસબભાઈ સમા
હસ્તગત કરાયેલ આરોપીઓ
1. જયેશ મનસુખ ભાઈ મકવાણા
2. રાહુલ જેઠાભાઈ કેશવાલા
3. ઉંમર તૈયબભાઈ સમા
4. કેતન ભાનુભાઈ સોલંકી
બાકી 10 થી વધુ આરોપી પકડવાના બાકી
આ પણ વાંચોઃ 489 શખ્સોની ધરપકડ અને 3422 ગુનાઓનો પર્દાફાશ, જાણો શું છે Operation Mule Hunt?


