ચેકડેમ તૂટી જતાં ખેડૂતોમાં ચિંતા
જૂનાગઢના વંથલી નજીકથી પસાર થતી ઓઝત નદી પર સ્થાનિક ખેડૂતો માટે જીવાદોરી સમાન બે ચેકડેમો આવેલા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે આ ચેકડેમોને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ ચેકડેમોને કારણે વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો હતો, જેનો સીધો ઉપયોગ તેઓ સિંચાઈ માટે કરતા હતા. આ ઉપરાંત, ડેમમાં પાણી ભરાઈ રહેવાને કારણે આજુબાજુની જમીનના ભૂગર્ભ જળના તળ પણ ઊંચા આવ્યા હતા. હવે ચેકડેમ તૂટી જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, આખરે કોના ઈશારે અને કોના અંગત ફાયદા માટે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે?
રેતી માફિયાઓની સાંઠગાંઠનો આરોપ
આ વિવાદની ગંભીરતાને જોતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ તાત્કાલિક ઓઝત નદી પરના અસરગ્રસ્ત ચેકડેમોની સ્થળ મુલાકાત લીધી હતી. કોંગ્રેસ નેતાઓએ ખેડૂતોની વ્યથા સાંભળ્યા બાદ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓ અને રેતી માફિયાઓને સીધો ફાયદો પહોંચાડવા માટે જ અધિકારીઓની મિલીભગતથી આ ચેકડેમો તોડી પાડવામાં આવ્યા છે. કોંગ્રેસે આ મામલે તપાસની માગ પણ કરી છે.
સિંચાઈ વિભાગે શું કરી સ્પષ્ટતા?
બીજી તરફ, આ વિવાદ અંગે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીએ પ્રતિક્રિયા આપતા તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. અધિકારીએ જણાવ્યું કે ચેકડેમો તોડવામાં આવ્યા નથી, પરંતુ નિયમોનુસાર કામગીરી કરાઈ છે. તેમણે ખુલાસો કર્યો કે આ જ વિસ્તારના કેટલાક ખેડૂતોએ ચેકડેમની ઊંચાઈ વધારે હોવાના કારણે ચોમાસામાં સર્જાતી મુશ્કેલીઓને લઈ ડેમની ઊંચાઈ ઓછી કરવા સરકારમાં લેખિત રજૂઆત કરી હતી. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યની પણ આ બાબતે ભલામણ પત્ર મળ્યો હતો. આ ભલામણોના આધારે સિંચાઈ વિભાગે સરકારમાં દરખાસ્ત મોકલી મંજૂરી મળ્યા બાદ જ ચેકડેમની ઊંચાઈ એક મીટર જેટલી ઓછી કરવામાં આવી છે. જો કે હાલ તો ખેડૂતો ચેકડેમો તોડી પાડવા મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Junagadh માં કુદરતની મહેર, ડેમના દરવાજાના સમારકામે સૂકી ઓઝત નદીને કરી જીવંત
આ પણ વાંચોઃ Gujarat Latest News: ઓઝત નદીના ચેકડેમ મામલે ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ, રાજકારણ ગરમાયું