Junagadh: સિંહણને બંદૂકની ગોળી મારવા જતાં વનકર્મીને વાગી! ખસેડાયા સારવાર હેઠળ
- Junagadh: નાની મોણપરીમા સિંહણના હુમલામાં બાળકના મોતની ઘટનાનો મામલો
- સિંહણને ગન મારી બેભાન કરવા જતા વનકર્મીને ગોળી વાગી
- વનકર્મી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ
Junagadh:જૂનાગઢ જિલ્લાના વિસાવદર (Visavadar) પંથકમાં વન્ય પ્રાણી અને માનવ સંઘર્ષની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિસાવદરના નાની મોણપરી ગામ (Nani Monpari village) ની સીમમાં એક સિંહણે ( (Lion) માસૂમ બાળક (Child) પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, આ ઘટના બાદ હુમલાખોર સિંહણને પકડવા ગયેલી વન વિભાગની ટીમ સાથે વધુ એક દુર્ઘટના ઘટી હતી, જેમાં સિંહણને બેભાન કરવા જતાં ભૂલથી વનકર્મીને (Forester) જ બંદૂકની હેવી ડોઝની ગોળી વાગી જતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.
રમી રહેલા શિવમને સિંહણ ઢસડી ગઈ (Lion attack)
ઘટનાની વિગત મુજબ નાની મોણપરીની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારનો 4 વર્ષનો માસૂમ બાળક શિવમ શૈલેષભાઈ પારગી (Shivam Paragi) ખેતરમાં રમી રહ્યો હતો. આ સમયે અચાનક ત્રાટકેલી સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. સિંહણ બાળકને ગળાના ભાગેથી પકડીને નજીકમાં આવેલા તુવેરના ઉભા પાકમાં આશરે 200 મીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. પરિવારજનોએ બૂમાબૂમ કરતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
Junagadh: શિવમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક વનતંત્રનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. આશરે અડધા કલાકની સઘન શોધખોળ બાદ તુવેરના ખેતરમાંથી શિવમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણે બાળકને ફાડી ખાતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વન વિભાગે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Vadodara: લાલબાગ બ્રિજ પાસે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ!, સમગ્ર ઘટના CCTVમાં કેદ
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વનકર્મી ઇજાગ્રસ્ત
બાળક પર હુમલો કરનાર સિંહણને પકડવા માટે સાસણ અને સ્થાનિક વન વિભાગની ટીમો દ્વારા મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિંહણ સામે આવી જતાં વેટરનરી તબીબ દ્વારા તેને બેભાન કરવા માટે ટ્રાન્કયુલાઈઝર બંદૂકની હેવી ડોઝની ગોળી છોડવામાં આવી હતી. પરંતુ, કમનસીબે જેવી ગોળી છોડવામાં આવી કે તરત જ સિંહણ ત્યાંથી હટી ગઈ હતી અને આ ગોળી સામે ઉભેલા વન વિભાગના ટ્રેકર અશરફભાઈને વાગી ગઈ હતી. ટ્રાન્કયુલાઈઝર બંદૂકની ગોળી વાગતા જ અશરફભાઈ ચૌહાણ બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેમને તાબડતોબ વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ હાલત વધુ ગંભીર જણાતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. હાલ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા છે.
Junagadh: ગ્રામજનોમાં ભયનો માહોલ
આ ઘટનાને પગલે નાની મોણપરી અને આસપાસના ગામોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા હાલમાં પાંજરા ગોઠવીને આ માનવભક્ષી બનેલી સિંહણને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વન વિભાગે ખેડૂતો અને મજૂરોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરમાં એકલા ન નીકળવા અપીલ કરી છે.


