Junagadh News: વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને કર્યો આપઘાત, પિતાએ 4 લોકો સામે નોંધાવી ફરિયાદ
Junagadh News: સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં વધુ એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનડીયા ગામમાં રહેતા ગુંજન આરદેશણા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાલ માણાવદર પોલીસે 4 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ખેતી માટે લીધેલું કરજ બન્યું મોતનું કારણ
મૃતક ગુંજનને ખેતીકામ માટે પૈસાની જરૂર પડતા તેણે કરશનભાઈ રબારી અને ગગાભાઈ રબારી પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. સમયસર વ્યાજ ચૂકવવા છતાં આ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી. તેમણે ગુંજનના ખેતરના દસ્તાવેજ બળજબરીથી પોતાના નામે કરાવી લેવા દબાણ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ચેક રિટર્નના બહાને માનસિક શોષણ
માત્ર એટલું જ નહીં, આ કેસમાં પ્રવિણભાઈ અને વીરેન્દ્રભાઈ નામના અન્ય બે શખ્સો પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. પિતાના આક્ષેપ અનુસાર તેમણે ગુંજનને છ લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપ્યા હતા. જોકે, ગુંજને પેમેન્ટ ચેક દ્વારા કર્યું હતું, તેમ છતાં આ લોકોએ ચેક રિટર્ન થયાનું ખોટું બહાનું કાઢીને તેને બીભત્સ ગાળો આપી હતી અને સતત માનસિક ત્રાસ (Mental Harassment) આપ્યો હતો. સતત મળતી ધમકીઓ અને આર્થિક શોષણથી આઘાતમાં સરી પડેલા ગુંજને અંતે પોતાના ખેતરે જઈને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી.
પરિવારની ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પિતાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં કરશનભાઈ રબારી, ગગાભાઈ રબારી, પ્રવિણભાઈ અને વીરેન્દ્રભાઈ સામે પોતાના દીકરાને આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વ્યાજખોરોના આ સામ્રાજ્ય સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચોઃ Junagadh: પોલીસે ઝડપ્યું 18 લાખથી વધુનું ગેરકાયદે અનાજ, અનેક ખુલાસા થવાની શક્યતાઓ


