Junagadh: ટ્રેક પર 6 સિંહ દેખાતા પાયલટે લગાવી ઈમરજન્સી બ્રેક, પછી...!
- કાશીયાનેસ પાસે રેલવે ટ્રેક પર 6 સિંહો ચડી આવ્યા
- પાયલટ અનીશ શેખે ત્વરિત ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકી
- પાયલટની સૂઝબૂઝથી 6 સિંહોનો જીવ બચ્યો
- રામભાઈ ટ્રેકર અને વન વિભાગે સિંહોને જંગલમાં ખસેડ્યા
- ટ્રેક ક્લિયર થયા બાદ ટ્રેન સલામત રવાના થઈ
Junagadh: એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલ (Gir forest) અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર સામાન્ય છે, પરંતુ ક્યારેક આ વન્યજીવો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આજે આવી જ એક સંભવિત મોટી દુર્ઘટના વેરાવળ-જૂનાગઢ (Veraval-Junagadh) રેલવે લાઇન પર ટળી હતી. લોકો પાયલટની ત્વરિત સૂઝબૂઝ અને સતર્કતાને કારણે ગીરના સાવજોના જીવ બચ્યા છે.
6 સિંહનું ટોળું દેખાયું!
પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળથી જૂનાગઢ તરફ જઈ રહેલી પેસેન્જર ટ્રેન જ્યારે કાશીયાનેસ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રેકના વળાંક પર કંઈક હલચલ જોવા મળી હતી. ટ્રેન તેના નિર્ધારિત વેગમાં હતી, પરંતુ ટ્રેનના પાયલટ અનીશ શેખની નજર ટ્રેક પર પડી અને તેઓ ચોંકી ઉઠ્યા હતા. ટ્રેક પર એક-બે નહીં પણ આખું 6 સિંહો (Lions) નું ટોળું આરામથી લટાર મારી રહ્યું હતું.
પાયલટની સતર્કતા
સમય સુચકતા વાપરીને લોકો પાયલટ અનીશ શેખે (Loko Pilot Anish Sheikh) વિલંબ કર્યા વગર તત્કાલ ઈમરજન્સી બ્રેક (Emergency brake) લગાવી દીધી હતી. જંગલ વિસ્તાર હોવાથી વન્યજીવોના જોખમને ધ્યાને રાખી પાયલટ હંમેશા સાવધ હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોને ટ્રેક પર જોઈને ટ્રેનને સલામત અંતરે રોકી દેવી એક પડકાર હતો. અનીશ શેખની આ સતર્કતાને કારણે સિંહો ટ્રેનની અડફેટે આવતા બચી ગયા હતા.
સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર કરાયા
ટ્રેન ઉભી રહી જતાં મુસાફરોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. પાયલટ દ્વારા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી. સમાચાર મળતાની સાથે જ વન વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. રામભાઈ ટ્રેકર સહિતની નિષ્ણાત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રેકરોએ ખૂબ જ સાવચેતીપૂર્વક સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર કરી જંગલના સુરક્ષિત વિસ્તાર તરફ રવાના કર્યા હતા.
Junagadh: અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે
સિંહોને સલામત રીતે ટ્રેક પરથી દૂર કરાયા બાદ જ વન વિભાગે ટ્રેનને આગળ વધવા માટે લીલી ઝંડી આપી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન ટ્રેન થોડો સમય માટે રોકી રાખવામાં આવી હતી. ગીર વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહોના મોતના કિસ્સાઓ અગાઉ પણ બન્યા છે.


