Junagadh: મૃત ખેડૂતોના નામે સહાય મેળવવાનું મસમોટું કૌભાંડ,કોણ છે માસ્ટરમાઉન્ડ અને કેવી રીતે ફૂટ્યો ભાંડો?
- જૂનાગઢમાં (Junagadh) મૃત ખેડૂતોના નામે રાહત સહાય મેળવવાનું કૌભાંડ
- સહાયમાં કૌભાંડ કરી 9.49 લાખની છેતરપિંડીનો કર્યો પ્રયાસ
- ખજૂરી હડમતીયાના VCE સામે કાર્યવાહી કરવામાં આવી
- ડીડીઓની તપાસમાં 30 ફોર્મમાં અનિયમિતતા સામે આવી
- VCE જયેશ ખંખાળીયા સામે FIR દાખલ કરી તપાસ હાથ ધરી
- 6 મૃત ખેડૂતોના નામે ફોર્મ ભરી કૌભાંડ કરવાનો પ્રયાસ
Junagadh: જૂનાગઢ (Junagadh) જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામે સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામના VCE જયેશ રામજીભાઈ ખંખાળીયાએ મૃતક ખેડૂતોના નામે રાહત સહાય મેળવી કુલ રુ. 9.49 લાખની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ભેંસાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે ફૂટ્યો કૌભાંડનો ભાંડો?
સમગ્ર ઘટનાની વિગત મુજબ, ખેતીમાં નુકસાન કે અન્ય રાહત સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કેટલીક શંકાસ્પદ વિગતો સામે આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આ અંગે શંકા જતાં તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી કે 30 જેટલા ફોર્મમાં ભારે અનિયમિતતા અને વિસંગતતા હતી.
ખોટા દસ્તાવેજોના આધારે સરકારને છેતરવાનો પ્લાન બનાવ્યો
સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે, 6 જેટલા ખેડૂતો જેઓ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે, તેમને જીવંત બતાવી તેમના નામે સહાય મેળવવાની અરજી કરવામાં આવી હતી. VCE જયેશ ખંખાળીયાએ સત્તાનો દુરુપયોગ કરી ખોટા દસ્તાવેજોના આધારે સરકારને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો.
તંત્રની લાલ આંખ
ડીડીઓની તપાસમાં કૌભાંડ સાબિત થતા, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખજૂરી હડમતીયાના VCE જયેશ ખંખાળીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ આશરે સાડા નવ લાખ રૂપિયા જેટલી રકમ ચાઉં કરી જવાની કોશિશ કરી હતી, પરંતુ સમયસર તપાસ થતા આ ભ્રષ્ટાચાર અટકી ગયો છે.
આ પણ વાંચો: Junagadh: મેલેરિયા વિભાગના અધિકારીએ કરોડોની મિલકત કેવી રીતે વસાવી? ACBની તપાસમાં મોટો ખુલાસો


