Somnath Swabhiman Parv: "અઢારેય વરણના બલિદાનથી સચવાયેલું છે આપણું સોમનાથ"
- Somnath: સોમનાથના આંગણે આજે 'સ્વાભિમાન પર્વ'ની દિવ્ય ઉજવણી થઈ
- રાજભા ગઢવીએ સોમનાથની રક્ષા કાજે અપાયેલા બલિદાનોની ગાથા વર્ણવી
- 'અઢારેય વરણના બલિદાનથી સનાતન આસ્થાનું કેન્દ્ર સચવાયેલું રહ્યું'
Somnath Swabhiman Parv:આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે લોકસાહિત્યકાર રાજભા ગઢવી (Rajbha Gadhvi) એ સોમનાથના ભવ્ય ઈતિહાસ અને સનાતન ધર્મની રક્ષા માટે અપાયેલા બલિદાનોને યાદ કર્યા હતા.
'સનાતન ધર્મની શ્રદ્ધા અડગ રહી'
રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર એ માત્ર પથ્થરોનું બાંધકામ નથી, પરંતુ તે કરોડો સનાતનીઓની આસ્થા અને અસ્મિતાનું પ્રતીક છે. આ મંદિર પર વિદેશી આક્રમણખોરો દ્વારા અનેકવાર હુમલાઓ કરવામાં આવ્યા, તેને લૂંટવામાં આવ્યું અને તોડવામાં આવ્યું, પરંતુ દર વખતે સનાતન ધર્મની શ્રદ્ધા અડગ રહી છે અને મંદિર વધુ ભવ્યતા સાથે પુનઃસ્થાપિત થયું છે.
Somnath ની ભૂમિને બચાવવા તમામે આહુતિ આપી
તેમણે ઈતિહાસના પાનાઓને યાદ કરતા કહ્યું કે, જ્યારે આક્રમણખોરોએ સોમનાથ પર હુમલો કર્યો ત્યારે આ પવિત્ર ભૂમિને બચાવવા માટે કોઈ એક જ્ઞાતિએ નહીં, પણ 'અઢારેય વરણ' એટલે કે તમામ સમાજોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. બ્રાહ્મણોએ પણ પોતાની જાતનું બલિદાન આપ્યું હતું, જેનો પુરાવો ઈતિહાસ આપે છે કે શહીદ થયેલા બ્રાહ્મણોની જનોઈનું વજન સવામણ જેટલું થયું હતું. આ સાથે જ બે હજાર જેટલા કિન્નરોએ પણ ધર્મની રક્ષા માટે શહાદત વહોરી હતી, જે દર્શાવે છે કે આસ્થાની લડાઈમાં સૌ સાથે હતા.
વડાપ્રધાનના કાર્યોની પ્રશંસા કરી
રાજભાએ હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલ જેવા વીરોની શહાદતને યાદ કરતા કહ્યું કે, તેમની કુરબાની સનાતન ધર્મના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. આજે જ્યારે આપણે આ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનને પણ તેમણે બિરદાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, અયોધ્યામાં રામ મંદિર હોય કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના સાંસ્કૃતિક વારસા અને મંદિરોના ઈતિહાસને જીવંત રાખવા માટે સિંહફાળો આપ્યો છે.
આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને 'જય સોમનાથ'ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
આ પણ વાંચોઃ Somnath: અડીખમ સ્વાભિમાન! શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી ભવ્ય રવેડી યોજાઈ


