Somnath Temple: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી
- શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી
- આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે
- અમદાવાદમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા
Somnath Temple: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી લાઇવ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકાશે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે. આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે. શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે. તથા અમદાવાદમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા છે.
હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે
આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. શિવાલયો બહાર શિવભક્તોની લાંબી કતારો લાગી છે. ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારથી શિવજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા છે. આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઈના રોજ એટલે કે આજથી થઈ રહ્યો છે. તેમજ 23 ઓગસ્ટના રોજ સમાપ્તિ થશે. આ દરમિયાન કુલ 4 શ્રાવણ સોમવાર આવશે. જે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત શરૂ કરવા માંગતા હોય, તેઓએ શ્રાવણના પહેલા સોમવારથી વ્રત - ઉપવાસ શરૂ કરી શકે છે.
બિલ્વ પત્ર સુવિધા જે રૂ.25 માં ટ્રસ્ટની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને બિલ્વ પત્ર સુવિધા જે રૂ.25 માં ટ્રસ્ટની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી હતી. જે પૂજાનો લાભ શ્રાવણ માસમાં 3 લાખથી વધુ લોકો ઘર બેઠા લેવાના છે. ઉપરાંત પ્રસાદ અને પૂજાવિધિના કાઉન્ટર પણ બમણા કરી દેવામાં આવ્યા છે. તે સિવાય બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન પણ સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય તેમના માટે પણ ખાસ ગોલ્ફ કાર્ટ સુવિધા ઉપલબ્ધ છે ત્યારે આ વર્ષે અલગ રંગની ગોલ્ફ કાર્ટ સિનિયર સિટીઝન માટે રિઝર્વ રાખવામાં આવશે. મંદિર આવવાના મુખ્ય માર્ગને પણ વન વે કરી દેવામાં આવ્યો છે. જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય.
દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વારા દરરોજ સવારે 5:30 કલાકે ખોલવામાં આવશે
દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વારા દરરોજ સવારે 5:30 કલાકે ખોલવામાં આવશે. ઉપરાંત સોમવાર અને તહેવારના દિવસોમાં મંદિર વહેલી સવારે 4 કલાકે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે અને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.સંધ્યા આરતી સમયે પણ દરરોજ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરાશે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 25 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?