VIP Darshan Fraud: સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે મોટું કૌભાંડ! સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર ચેતવણી
Online Booking Scam Somnath: વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ (Somnath) મંદિરે દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક અત્યંત મહત્વના અને ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. સોમનાથ મંદિરમાં વીઆઈપી (VIP) દર્શન કરાવવાના બહાને ભોળા શ્રદ્ધાળુઓ સાથે મોટા પાયે છેતરપિંડી થઈ રહી હોવાની આશંકા વચ્ચે સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) દ્વારા એક સત્તાવાર જાહેર અપીલ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકો ડિજિટલ ફ્રોડનો ભોગ ન બને તે માટે પ્રશાસન દ્વારા ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.
સોમનાથ મંદિરમાં દર્શન માટે કોઈ VIP ટિકિટ નથી
સોમનાથ ટ્રસ્ટ દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, સોમનાથ મંદિરમાં VIP દર્શન માટે કોઈ જ પ્રકારના વિશેષ પાસ (Pass) કે ટિકિટ (Ticket) ની વ્યવસ્થા અસ્તિત્વમાં નથી. કેટલાક અસામાજિક તત્વો અને લેભાગુ શખ્સો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગેરફાયદો ઉઠાવીને વીઆઈપી એન્ટ્રી અપાવવાના બહાને મોટી રકમ પડાવતા હોવાનું સામે આવ્યું છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે મંદિર પ્રશાસન દ્વારા આવી કોઈ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી નથી, તેથી શ્રદ્ધાળુઓએ કોઈ પણ અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા પર સક્રિય એજન્ટોની વાતોમાં આવીને નાણાકીય વ્યવહારો કરવા નહીં.
સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે મોટું ફ્રોડ
આ ઉપરાંત, યાત્રિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે ટ્રસ્ટે જણાવ્યું છે કે મંદિરમાં થતી વિવિધ વિધિઓ, વિશેષ પૂજા તેમજ પ્રસાદનું બુકિંગ માત્ર અને માત્ર સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ (Official Website) પરથી જ કરવું. ઇન્ટરનેટ પર સક્રિય નકલી કે અજાણી વેબસાઈટો પર પૂજા વિધિના નામે પૈસા ચૂકવવાથી બચવું. શ્રદ્ધાળુઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ખાસ સાવધાની રાખવા અને ઓથોરાઈઝ્ડ પ્લેટફોર્મનો જ આગ્રહ રાખવા વિનંતી કરાઈ છે, જેથી પવિત્ર યાત્રાધામની મુલાકાત સુખદ અને સુરક્ષિત બની રહે.


