ખેતમજૂર પિતાના દીકરાએ રચ્યો સફળતાનો ઈતિહાસ
કહેવાય છે કે પરિસ્થિતિ સામાન્ય હોય તો પણ સપનાં મોટાં જોઈ શકાય છે. રાહુલ વસાવાની સફળતા તેનું જીવંત ઉદાહરણ છે. તેમના પિતા ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે માતા ગૃહિણી છે. આર્થિક અને સામાજિક પડકારો વચ્ચે પણ રાહુલે શિક્ષણને પ્રાથમિકતા આપી છે. માતાના આશીર્વાદ અને કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખતા રાહુલે સતત મહેનતથી પોતાની અલગ ઓળખ ઊભી કરી છે.
ડિજિટલ દંગલથી ગુજરાતના જીનિયસ બનવા સુધીની સફર
રાહુલ વસાવાએ KBGG ના પ્રથમ રાઉન્ડ ‘ડિજિટલ દંગલ’ માં સફળતા મેળવીને મુખ્ય સ્પર્ધામાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાની બુદ્ધિમત્તા, ઝડપી જવાબ આપવાની ક્ષમતા અને આત્મવિશ્વાસના આધારે શોમાં બાજી મારી હતી. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ના સંચાલનમાં યોજાયેલા આ શોમાં રાહુલની સફળતા પ્રેરણાદાયી બની રહી છે.
વિદેશ પ્રવાસ નહીં, સપનું પૂરું કરવા લેપટોપ પસંદ કર્યું
રાહુલની સફળતાની સૌથી ખાસ વાત તેમની ઈનામની પસંદગી છે. KBGG ના મંચ પર ગુજરાતના જીનિયસ બન્યા બાદ તેમને દેશ-વિદેશ પ્રવાસ અને લેપટોપ વચ્ચે પસંદગી કરવાની તક મળી હતી. જોકે, રાહુલે પ્રવાસના બદલે લેપટોપ પસંદ કર્યું. તેઓ GPSC ની તૈયારી કરી રહ્યા છે અને ભવિષ્યમાં સરકારી અધિકારી બનીને લોકસેવા કરવા માગે છે. અભ્યાસમાં ઉપયોગી થાય તે હેતુથી તેમણે લેપટોપ પસંદ કરીને પોતાના લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ગામમાં ફૂલહારથી સ્વાગત, પરિવારની ખુશીનો પાર નહીં
રાહુલની સફળતાના સમાચાર મોટાસાંજાના ગામમાં પહોંચતાં જ ખુશીનો માહોલ સર્જાયો હતો. મિત્રોએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. દીકરાની સિદ્ધિથી માતા-પિતા પણ ગૌરવ અનુભવી રહ્યા છે. ખેતમજૂર પિતાનો સંઘર્ષ અને માતાના સંસ્કાર આજે રાહુલની સફળતાના પાયા બન્યા છે.
દિગ્ગજ મહેમાનોની હાજરીમાં સ્પર્ધકોએ બતાવી પ્રતિભા
આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા (Kaushikbhai Vekaria) અને રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા (Sanjaysinh Mahida) ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાનની કસોટીમાં અરવલ્લીના તુષારકુમાર રાઠોડ, દાહોદના રોહિતકુમાર પડવાલ, બનાસકાંઠાના શૈલેષ ઠાકોર, રાજકોટના પાર્થ મહેતા અને ભરૂચના રાહુલ વસાવાએ પણ ભાગ લીધો હતો. જ્યારે ટેલેન્ટ હંટ દરમિયાન નેહાબા વાઘેલાએ ગીત રજૂ કરીને પોતાની સંગીત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ફર્સ્ટનો આ શો રાજ્યની પ્રતિભાઓને ઓળખ આપવાની સાથે યુવાનોને મોટાં સપનાં જોવા અને તેને સાકાર કરવા પ્રેરણા આપી રહ્યો છે.
આ પણ વાંચોઃ Kon Banse Gujarat no Genius E-7: ખેતરમાં મહેનત અને આંખોમાં અધિકારી બનવાનું સપનું! ભાભરના અર્જુનસિંહ દરબાર પહોંચ્યા KBGG ના મંચ પર
આ પણ વાંચોઃ Kon Banse Gujarat no Genius E-8 : ખાખી વર્દી સાથે GPSCનું સપનું સેવતા બનાસકાંઠાના કોન્સ્ટેબલ કમલેશ ચૌધરી હોટ સીટ પર