બ્રિજની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી
ડાકોરમાં ભવન્સ કોલેજ નજીક નવીન બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. લાઇન તૂટતાં મોટા પ્રમાણમાં પાણી પુરવઠાને અસર પહોંચી છે. એક તરફ બ્રિજના વિકાસની કામગીરી ચાલી રહી છે, જ્યારે બીજી તરફ પાણી જેવી મૂળભૂત સુવિધા ખોરવાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ
પાઇપલાઇનમાં થયેલા ભંગાણને કારણે ડાકોરના વડા બજાર, ડુંગરા ભાગોળ, નાની ભાગોળ, ગોપાલપુરા તેમજ મંદિર આસપાસના વિસ્તારો સહિત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ અથવા પ્રભાવિત થયો છે. હાલની સ્થિતિ જોતા લોકોને પાલિકાનું નિયમિત પાણી મળવામાં આશરે એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.
ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા
ઘટનાની જાણ થતાં ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરાવી હતી. પાઇપલાઇનને થયેલા નુકસાનની ગંભીરતા જોતા કામગીરી પૂર્ણ કરવામાં 8થી 10 દિવસ સુધીનો સમય લાગી શકે તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.
‘જાણ કર્યા વગર કામગીરી શરૂ કરાઈ’
ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર પાઇપલાઇન હટાવવા અથવા સ્થળાંતર કરવા માટે અગાઉ માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ઇજારદારે નગરપાલિકાને જાણ કર્યા વગર કામગીરી શરૂ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જ કામગીરી દરમિયાન પાણીની લાઇનને નુકસાન થયું હોવાનું પાલિકાનું કહેવું છે.
ઇજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી
નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે પાઇપલાઇનનું યોગ્ય રીતે સમારકામ કરવામાં નહીં આવે તો જવાબદાર ઇજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાલિકા પાણી પુરવઠો વહેલી તકે પુનઃ શરૂ કરવા માટે કામગીરી કરી રહી છે, પરંતુ સમારકામ લાંબું ચાલે તો શહેરના હજારો લોકોને આગામી દિવસોમાં પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ Kheda: મહુધામાં ACB ની સફળ ટ્રેપ, રુ. 2.50 લાખની લાંચ લેતા વકીલ જસ્ટીસ કાલીદાસ રોહિતને ઝડપ્યો
આ પણ વાંચોઃ ChhotaUdepur: 38 લાખ ખર્ચાયા, ઓરડા પાયા સુધી, 7 મહિનાથી શાળાનું કામ ટલ્લે, આ રીતે ભણશે ગુજરાત?