Kapadvanj factory blast: ખેડા (Kheda) જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટનો મામલો હવે વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દાહોદના વતની શ્રમિક શૈલેષ પરમારનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. એક તરફ આ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકનો પરિવાર આઘાતમાં છે, તો બીજી તરફ વિસ્ફોટની તીવ્રતાને કારણે નજીકના રહેણાંક વિસ્તારોમાં થયેલા નુકસાન અંગે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Kapadvanj બ્લાસ્ટમાં મોટું નુકસાન, રહીશોની વળતરની માંગ
ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ધડાકા એટલા શક્તિશાળી હતા કે તેની અસર આસપાસના અનેક મકાનો પર જોવા મળી છે. વિસ્ફોટના આંચકાને કારણે ઘણા મકાનોની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને બારી-બારણાના કાચ તૂટી ગયા છે. આ સ્થિતિને લઈને સ્થાનિક રહીશો એકઠા થયા હતા અને કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રહીશોએ આ ત્રણ માંગ કરી
આવેદનપત્રમાં રહીશોએ મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરી છે. પહેલી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને મકાનોને થયેલા નુકસાનનો પંચનામું કરવામાં આવે. બીજી જેમના મકાનોને નુકસાન થયું છે, તેમને ત્વરિત ધોરણે યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે અને આટલી જોખમી ફેક્ટરી રહેણાંક વિસ્તારની નજીક કેમ અને કોની મંજૂરીથી ચાલી રહી હતી, તેની તપાસ કરી સંચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
એફએસએલ રિપોર્ટમાં મોટા ખુલાસા
કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં એફએસએલ (FSL) રિપોર્ટ દ્વારા પોટેશિયમ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથાઇલ એસિટિક જેવા અત્યંત વિસ્ફોટક રસાયણોની હાજરીની પુષ્ટિ થતાં મામલો વધુ ગંભીર બન્યો છે, જ્યારે અન્ય કેમિકલ્સની તપાસ હજુ ચાલુ છે. આ ગંભીર કેસની તપાસ હવે ખેડા એસઓજી (SOG) સંભાળી રહી છે, જેણે બચી ગયેલા કર્મચારીઓની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા મુખ્ય આરોપી મિતુલ પટેલની શોધખોળ તેજ કરી છે, જે હાલ અમદાવાદના ઈસનપુર સ્થિત ઘરે તપાસ છતાં ફરાર હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ પ્રકારની જોખમી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક નહીં લગાડવામાં આવે તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. હાલ સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે તંત્ર દ્વારા લેવાનારા આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Kapadvanj Factory Blast Update: ફેક્ટરી સંચાલક હજું પોલીસ પકડથી દૂર, FSL રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા