Kheda Thasra News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટી ફરી એકવાર મોટા વિવાદના ભંવરમાં ફસાઈ છે. મંડળીની કારોબારી કમિટીના કુલ 11 સભ્યોમાંથી 6 જેટલા સભ્યોએ પોતાના પદ પરથી સાગમટે રાજીનામાં ધરી દેતા સહકારી બેડામાં ભારે રાજકીય અને શૈક્ષણિક ગરમાવો આવી ગયો છે.
Kheda ની ઠાસરા તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટી વિવાદમાં
પ્રાપ્ત વિગતો અનુસાર, મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા ચલાવવામાં આવતી મનસ્વી કારોબારી શૈલી તથા શાહી વહીવટથી કંટાળીને આ સભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અને 1300 કરતાં વધુ શિક્ષક સભાસદો સાથે જોડાયેલી આ સહકારી મંડળીમાં અચાનક સામૂહિક રાજીનામાં પડતા સભાસદોમાં પણ ભારે ચર્ચા જાગી છે.
Advertisement ![Navratri Banner]()
અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં સુધારો નહીં?
રાજીનામું આપનાર સભ્યો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી મંડળીની એક પણ કારોબારી બેઠક બોલાવવામાં આવી નથી અને સભ્યોને સંપૂર્ણપણે અંધારામાં રાખીને પ્રમુખ અને મંત્રી દ્વારા મનસ્વી રીતે ધિરાણ, મોટા ખર્ચાઓ તથા નાણાકીય વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2025-26 ના ડિવિડન્ડ અને ફરજિયાત બચત પર મળવાપાત્ર વ્યાજ બાબતે પણ શિક્ષક સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ગત વર્ષે પણ આ જ ટીચર્સ ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને મંત્રી ઉપર ગિફ્ટ ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો લાગ્યા હતા, જેના કારણે મંડળીની પારદર્શિતા સામે મોટા સવાલો ખડા થયા છે.
મનસ્વી વહીવટ સામે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ
આ સમગ્ર મામલે નારાજ કારોબારી સભ્યોએ પોતાના રાજીનામાની નકલો નડિયાદ ખાતેસ્થિત સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારને સત્તાવાર રીતે મોકલી આપી છે. સાથે જ, મંડળીમાં ચાલતી ગેરરીતિઓ અને આડેધડ વહીવટ સામે ત્વરિત અને કડક તપાસ હાથ ધરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શિક્ષકોના આર્થિક હિતો સાથે જોડાયેલી આ સંસ્થામાં વ્યાપેલા આંતરિક વિવાદને કારણે આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રે મોટા ગરમાવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Vav Tharad News: "કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ..." સગીર વિદ્યાર્થિનીને ધમકી આપી આચાર્યએ આચર્યું દુષ્કર્મ!