Nadiad Stone pelting : નડિયાદના ગુતાલ ગામે બે જૂથો વચ્ચે થયેલી અથડામણને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બાતમી આપવાની અદાવતને લઈને બંને જૂથો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જોતજોતામાં બંને તરફથી પથ્થરમારો શરૂ થતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બાતમી આપવાની અદાવતે વિવાદ વકર્યો
મળતી માહિતી પ્રમાણે, બાતમી આપવાની બાબતને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી અદાવત હોવાનું સામે આવ્યું છે. આ જ મુદ્દાને લઈને બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બન્યો અને બંને પક્ષે એકબીજા સામે પથ્થરો ફેંક્યા હતા. કેટલાક લોકો હાથમાં લાકડાના મોટા દંડા લઈને પણ સામસામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અથડામણનો વીડિયો થયો વાયરલ
ગુતાલ ગામમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા હાથમાં લાકડાના દંડા સાથે લોકો જોવા મળી રહ્યા છે. જોકે, વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી.
વડતાલ પોલીસની કાર્યવાહી શરૂ
ઘટનાની જાણ થતાં વડતાલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કર્યા હતા અને બંને પક્ષના લોકો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવવાની શરૂઆત કરી છે. બંને પક્ષ તરફથી ફરિયાદ લેવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.
વડતાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અથડામણનું ચોક્કસ કારણ, તેમાં સંડોવાયેલા લોકો અને વાયરલ વીડિયોની હકીકત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.