Gyanesh Kumar : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision - SIR) સામે ઉઠેલા સવાલો વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ તેમના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. આ ઘટનાને પગલે ચૂંટણી પંચની કામગીરી અને જ્ઞાનેશ કુમારની કારકિર્દી અંગે ચર્ચા શરૂ થઈ છે.
કોણ છે જ્ઞાનેશ કુમાર?
જ્ઞાનેશ કુમાર 1988ની બેચના કેરળ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. ઉત્તરપ્રદેશના વતની જ્ઞાનેશ કુમારે IIT કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. વહીવટી કારકિર્દી દરમિયાન તેમણે વિવિધ મહત્વપૂર્ણ પદો પર જવાબદારી નિભાવી છે. તેઓ કેરળના એર્નાકુલમ જિલ્લાના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ફરજ દરમિયાન જ્ઞાનેશ કુમાર જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વહીવટી પ્રક્રિયાનો હિસ્સો રહ્યા હતા. વર્ષ 2019માં કલમ 370 હટાવવા અને જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન સંબંધિત કામગીરીમાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી હતી. જાન્યુઆરી 2024માં નિવૃત્ત થયા બાદ માર્ચમાં તેઓ ચૂંટણી કમિશનર બન્યા હતા. ફેબ્રુઆરી 2025માં તેમને મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાજીનામાની માગ પાછળ શું છે કારણ?
CJPનો આક્ષેપ છે કે મતદાર યાદીના SIR કાર્યક્રમ દરમિયાન અનેક પાત્ર મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે. સંગઠને આ પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવીને તેને પાછી ખેંચવાની માગ કરી છે. જોકે આ આક્ષેપો સ્વતંત્ર રીતે સાબિત થયા નથી. વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. CJP સાથે જોડાયેલા અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે અટકાયતમાં લીધા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. આ સમગ્ર વિવાદે ચૂંટણી પંચની નિષ્પક્ષતા, મતદાર યાદીની વિશ્વસનીયતા અને મતાધિકારના રક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નવી ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો : CJP Protest Delhi : અભિજીત, સૌરવ અને આશુતોષ કસ્ટડીમાં! પોલીસ ક્યાં લઈ ગઈ અને કેટલો સમય રાખશે? જાણો સમગ્ર અપડેટ