પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો કે માત્ર મુસાફરીનો પાસ?
વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા મુજબ, પાસપોર્ટ તમને દેશની બહાર જવા અને પાછા આવવાની કાનૂની પરવાનગી આપે છે. પરંતુ, જ્યારે વાત કોર્ટમાં અથવા કાયદાકીય રીતે ભારતીય નાગરિકતા સાબિત કરવાની આવે, ત્યારે માત્ર પાસપોર્ટ પૂરતો નથી હોતો.
શું પાસપોર્ટથી જ ભારતીય નાગરિકતા સાબિત થઈ જાય છે?
ભારતમાં ઘણા લોકો પાસપોર્ટને નાગરિકતાનો સૌથી મજબૂત પુરાવો માને છે, પરંતુ કાયદાકીય દૃષ્ટિએ સ્થિતિ થોડી અલગ છે. વિદેશ મંત્રાલયના સ્પષ્ટીકરણ અનુસાર, પાસપોર્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જારી કરવામાં આવતો સત્તાવાર દસ્તાવેજ છે. નાગરિકતા સંબંધિત કોઈ વિવાદ ઊભો થાય ત્યારે માત્ર પાસપોર્ટના આધારે ભારતીય નાગરિકતા સાબિત થઈ શકતી નથી. ખાસ કરીને 1 જુલાઈ, 1987 પછી જન્મેલા લોકો માટે માતા અથવા પિતામાંથી ઓછામાં ઓછા એક ભારતીય નાગરિક હોવાનો પુરાવો મહત્વનો બને છે. તેથી નાગરિકતા નિર્ધારણમાં પાસપોર્ટ ઉપરાંત અન્ય કાનૂની અને પારિવારિક દસ્તાવેજોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે.
બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
આ નિયમ કાગળ પર જ નથી, પરંતુ કોર્ટમાં પણ લાગુ પડે છે. 2013માં બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયાધીશ કે.યુ. ચાંડીવાલે એક કેસની સુનાવણી કરી હતી. આ કેસમાં 4 લોકો પર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ (ઘૂસણખોર) હોવાનો આરોપ હતો. આ લોકોએ પોતાને ભારતીય સાબિત કરવા માટે તેમના પાસપોર્ટ, આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. પરંતુ, કોર્ટે તેમની અરજીઓ ફગાવી દીધી અને સ્પષ્ટ કહ્યું કે કાયદા મુજબ તેમણે તેમના માતા-પિતા ભારતીય હોવાના પુરાવા આપવા પડશે. માત્ર પાસપોર્ટ કે આધાર હોવાથી કોઈ આપમેળે ભારતીય નાગરિક બની જતું નથી.
પાસપોર્ટ મેળવવું બન્યું વધુ સરળ
છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારા જોવા મળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપતાં હવે પાસપોર્ટ માટેની અરજીથી લઈને દસ્તાવેજ ચકાસણી સુધીની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની છે. પોલીસ વેરિફિકેશનનો સમય અલગ રાખીએ તો સામાન્ય રીતે થોડા જ દિવસોમાં પાસપોર્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. ઉપરાંત, દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં મોટા પાયે વધારો થતાં નાગરિકોને પોતાના નજીકમાં જ સેવા મળી રહી છે. વધતી માંગ વચ્ચે કરોડો નવા પાસપોર્ટ જારી થવા એ દર્શાવે છે કે દેશની પાસપોર્ટ વ્યવસ્થા હવે વધુ કાર્યક્ષમ અને લોકો માટે અનુકૂળ બની ગઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બન્યો ભારતીય પાસપોર્ટ
તાજેતરના વર્ષોમાં ભારતીય પાસપોર્ટની વૈશ્વિક સ્વીકૃતિ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થયો છે. અનેક દેશોએ ભારતીય નાગરિકો માટે મુસાફરીના નિયમોને વધુ સરળ બનાવતાં વિઝા-ફ્રી, વિઝા-ઓન-અરાઇવલ અને ઇ-વિઝા જેવી સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે. તેના પરિણામે ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને વિદેશ પ્રવાસ માટે અગાઉ કરતાં વધુ અનુકૂળતા મળી રહી છે. સાથે જ, વિવિધ યુરોપિયન દેશો સાથે થયેલા ગતિશીલતા કરારોના કારણે શિક્ષણ, રોજગાર અને વ્યવસાય સંબંધિત તકોમાં વધારો થયો છે. આ બદલાવો દર્શાવે છે કે વૈશ્વિક મંચ પર ભારતીય પાસપોર્ટની વિશ્વસનીયતા અને પ્રભાવ સતત મજબૂત બની રહ્યા છે.
આ પણ વાંચો : Henley Passport Index 2026 માં ભારતના રેન્કિંગમાં મોટો સુધારો, પાસપોર્ટમાં જાણો કયા દેશો છે ટોપ પર!